કોમન કેડરની ૧૪ જગ્યા સરકાર દ્વારા ભરવામાં આવશે વિસનગર પાલિકાનુ ‘અ’વર્ગ મુજબનુ લઘુત્તમ મહેકમ મંજુર
અત્યારે પાલિકામાં વિસનગર લોકલના કર્મચારીઓ હોવાથી ઓળખાણના કારણે ઘણા કામ આસાન થઈ જાય છે. કર્મચારીઓ શહેરની પરિસ્થિતિ જાણી કામને પ્રાથમિકતા આપે છે. અંગત અહંકારના કારણે કર્મચારીઓ સાથેના વિવાદથી આક્ષેપો પણ થાય છે ત્યારે આવનાર સમયમાં અન્ય સરકારી ઓફીસોમાં જેમ લોકલ સ્ટાફ જોવા મળતો નથી તેમ વિસનગર પાલિકામાં પણ લોકલ કર્મચારી જોવા મળશે નહી. કારણ કે પાલિકાનુ અ વર્ગનુ લઘુત્તમ મહેકમ મંજુર થયુ છે. કોમન કેડરની તમામ જગ્યાઓ સરકાર દ્વારા ભરવામાં આવશે. ત્યારે વર્ગ-૩ ની જગ્યા પણ સરકારની માન્ય સંસ્થા દ્વારા પરીક્ષા લઈને ભરવામાં આવશે. હમણા થોડા સમય પહેલાજ ઉંઝા પાલિકામાં ભરતી થઈ. તેમાં ઉંઝા લોકલનો એક પણ વ્યક્તિની નિમણુંક થઈ નથી. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં સ્થાનિક નાગરિકોનો પરિચિત સ્ટાફ હોય તો સમસ્યાઓના નિકાલમાં ઘણી અનુકુળતા રહે. ત્યારે બહારના વ્યક્તિઓની કર્મચારી તરીકે નિમણુંક થશે ત્યારે લોકલ સ્ટાફની સેવાઓની કદર થશે.
વર્ગ-૩ ની તમામ જગ્યાઓ સરકારની માન્ય યુનિવર્સિટી કે સંસ્થા દ્વારા પરીક્ષા લઈને ભરવામાં આવશે
વિસનગર પાલિકાની તા.૩૦-૪-૨૦૨૫ ની સામાન્ય સભામાં લઘુત્તમ મહેકમનુ માળખુ મંજુર કરવા ઠરાવ કરીને પ્રાદેશિક કમિશ્નર કચેરી ગાંધીનગરમાં દરખાસ્ત કરવામાં આવી હતી. ત્યારે ડીસેમ્બર-૨૫ માં કમિશ્નર મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશનની કચેરી દ્વારા વિસનગર પાલિકાનુ અ વર્ગ મુજબનુ લઘુત્તમ મહેકમ મંજુર કરવામાં આવ્યુ છે. જેમાં સામાન્ય વહીવટ શાખામાં મુખ્ય અધિકારી (ચીફ ઓફીસર), ઓફીસ સુપ્રિન્ટેન્ડેન્ટ, પ્રમુખના મદદનીશ (ક્લાર્ક), સિનિયર ક્લાર્ક, રેકર્ડ ક્લાર્ક, રજીસ્ટ્રી ક્લાર્ક, કલાર્ક કમ ટાઈપીસ્ટ, ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર, જન્મ મરણ અને નોંધણી ક્લાર્ક, હિસાબી શાખામાં હિસાબનીશ, ઓડીટર તથા ક્લાર્ક કમ કેશીયર, બે સેનેટરી ઈન્સ્પેક્ટર, ટેકનિકલ શાખામાં મ્યુનિસિપલ ઈજનેર(ડીગ્રી સિવિલ), બે મદદનીશ મ્યુનિસિપલ ઈજનેર(ડીપ્લોમા સિવિલ), મદદનીશ ઈજનેર (ડિપ્લોમા મિકેનિકલ), સ્ટોર કીપર કમ ક્લાર્ક, વાયરમેન કમ ઈલેક્ટ્રીશીયન, વર્ક આસીસ્ટન્ટ, ટાઉન પ્લાનીંગમાં ટાઉન પ્લાનર આ તમામ જગ્યાઓ કોમન કેડરથી સરકાર દ્વારા ભરવામાં આવશે. અગ્નિશમન સેવા શાખામાં પ્રશિક્ષિત સ્ટાફની નિમણુંક કરવામાં આવશે. અ વર્ગની વિસનગર પાલિકામાં ૧૮૦ નુ લઘુત્તમ મહેકમ મંજુર થયુ છે. જેમાં વર્ગ-૩ ની તમામ જગ્યાઓ સરકારની માન્ય યુનિવર્સિટી કે સંસ્થા દ્વારા પરીક્ષા લઈને ભરવામાં આવશે. આ નવીન જગ્યાઓ રોસ્ટર મુજબ ભરવામાં આવશે. વિસનગર પાલિકાની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધી જે તે વખતના સત્તાધિશોનાા સગા સબંધીઓનીજ ભરતી થતી આવી છે. જેના કારણે બીન અનુભવી સ્ટાફ ઘણો છે. ત્યારે હવે મહત્વની તમામ પોસ્ટ સરકારના નીતિ નિયમો આધારે ભરવામાં આવશે.
ભવિષ્યમાં વિસનગર લોકલનો એક પણ કર્મચારી પાલિકામાં જોવા મળશે નહી
હાલમાં પાલિકામાં જે સ્ટાફ છે તેમને જેતે વિભાગમાં સમાન પગાર ધોરણની જગ્યાઓ ઉપર સમાવવામાં આવશે. જુના મહેકમ પ્રમાણે જે જગ્યાઓ નવા મહેકમમાં નથી તે જે તે કર્મચારી જ્યારે નિવૃત્ત થશે એટલે નાબુદ થશે. જ્યારે અન્ય કેટલીક જગ્યાઓ આઉટસોર્સીંગથી ભરવામાં આવશે. અ વર્ગની પાલિકામાં ખાલી જગ્યાઓ ભરાશે અને દરેક વિભાગને એક ક્લાર્ક મળશે. જેથી પાલિકાના રેકર્ડની જાળવણી સુવ્યવસ્થિત થશે.
નોંધપાત્ર બાબત છેકે નવદુર્ગા ભાજીપાઉવાળા સ્વ.ગીરીશભાઈ પટેલે તેમના પ્રમુખકાળમાં એક પણ રૂપિયાની લાલચ વગર પાલિકાના હક્કદાર કર્મચારીઓને કાયમી કર્યા હતા. ત્યારે શહેરના કેટલાક લોકોએ પોતાનો અહમ સંતોષવા કર્મચારીઓને કાયમી કરવામાં આવેલી પ્રક્રિયા સામે આરટીઆઈ કરી હતી. ત્યારે લઘુત્તમ મહેકમ મંજુર કરવામાં આવ્યુ તેમાં શરત છેકે અગાઉના મંજુરી થયેલ સેટઅપ પૈકી હાલમાં કાયમી જગ્યા ઉપર ફરજ બજાવતા કાયદેસરની કાયમી નિમણુંકવાળા કર્મચારીઓને લઘુત્તમ સેટઅપની સમકક્ષ જગ્યામાં સમાવેશ કરવાનો રહેશે. આ શરત જોતા કહી શકાય કે અગાઉ કરવામાં આવેલ કાયમી ભરતી પ્રક્રિયા સામે જે જાણી જોઈને વિવાદ ઉભો કરવામાં આવ્યો હતો તેનો અંત આવી ગયો છે.