કમાણા ચાર રસ્તા પાસેના માર્કેટોમાં નશાનો કાળો કારોબાર નશીલા ગોગો સ્મોકીંગ કોન વેચતા ઝડપાયા
શૈક્ષણિક નગરી વિસનગરનુ યુવાધન છુટથી વેચાતા નશીલા પદાર્થોના કારણે નશા તરફ ધકેલાઈ રહ્યુ છે. શહેરમાં ચરસ, ગાંજો, ડ્રગ્સ, ઈસીગારેટ જેવી નશો કરાવતી વસ્તુઓ વેચાતી હોવાની રજૂઆતો ઘણા સમયથી છે. જેમાં કમાણા ચાર રસ્તા પાસેના માર્કેટોમાં નશાનો કાળો કારોબાર ચાલતો હોવાની ઘણી રજુઆતો થઈ ચુકી છે. ચરસ ગાંજાનુ સેવન કરવા ગોગો સ્મોકીંગ કોન પરફેક્ટ રોલનુ વેચાણ વધતા તેની તપાસ કરવા ગૃહ વિભાગ દ્વારા પરિપત્ર થયો હતો. જે અંતર્ગત વિસનગર સીટી પોલીસના પી.આઈ. કે.બી.પટેલ સહિતના સ્ટાફે કમાણા ચાર રસ્તા પાસેના માર્કેટમાં આવેલ પાર્લરમાં તપાસ કરતા બે પાર્લરમાંથી ગોગો સ્મોકીંગ કોનના પેકેટ પકડાયા હતા. પોલીસે બન્ને પાર્લરના સંચાલકો વિરુધ્ધ કાર્યવાહી કરી હતી. મહત્વની બાબત તો એ છેકે નશીલા પદાર્થ વેચનાર વિરુધ્ધ જાહેરનામા ભંગની કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે પ્રશ્ન એ થાય છેકે યુવાધનને નશા તરફ ધકેલતી વસ્તુઓ વેચનાર સામે નાર્કોટીક્સ એક્ટ મુજબ કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી.
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી સરસ ગાંજાનુ સેવન કરવા માટે રોલીંગ પેપર, ગોગો સ્મોકીંગ કોન, પરફેક્ટ રોલ જેવુ વસ્તુઓનુ મોટા પ્રમાણમાં વેચાણ વધ્યુ હતુ. આ વસ્તુની બનાવટમાં ટાઈટેનીયમ ઓક્સાઈડ, પોટેશીયમ નાઈટ્રેટ, આર્ટીફીશીયલ ડાઘ, કેલ્શીયમ કાર્બોનેટ તથા ક્લોરીન બીચ જેવા ઝેરી પદાર્થોનો ઉપયોગ થાય છે. જે માનવ સ્વાસ્થ્ય માટે ખુબજ હાનિકારક છે. આવી નશો કરવા વપરાતી વસ્તુઓ પાન પાર્લર, કરિયાણાની દુકાનો, ચા ની કિટલી ઉપર વેચાતી હોવાથી આવા સ્થળ શોધી કાર્યવાહી કરવા માટે ગૃહ વિભાગ દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો હતો. જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી તથા વિસનગર ડી.વાય.એસ.પી. દિનેશસિંહ ચૌહાણે પ્રતિબંધિત નશામાં વપરાતી વસ્તુઓ શોધી કાઢવા સૂચન કરતા વિસનગર સીટી પોલીસ સ્ટેશનના પી.આઈ. કે.બી.પટેલે પેટ્રોલીંગ સાથે સઘન તપાસ શરૂ કરી હતી. આ દરમ્યાન કોન્સ્ટેબલ મહેશકુમાર વેલજીભાઈને બાતમી મળી હતી કે, કડા દરવાજા ખજુરી મહોલ્લામાં રહેતો વિજયભાઈ વિષ્ણુભાઈ નાનાલાલ પટેલ, કમાણા ચાર રસ્તા પાસેના મધુરમ કોમ્પલેક્ષમાં આવેલ કે.બી.સ્ટોરમાં પ્રતિબંધિત ગોગો સ્મોકીંગ કોન વેચી રહ્યો છે. પોલીસે રેડ કરતા શંકુ કોન આકારના ગોગો પેપરના ૩૮ બોક્ષ મળી આવ્યા હતા. રૂા.૫૭૦/- ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી વિજયભાઈ પટેલ વિરુધ્ધ જાહેરનામા ભંગની કાર્યવાહી કરી હતી.
પોલીસ નશા માટે વપરાતા ગોગો પેપર કોનનુ વેચાણ ક્યા થઈ રહ્યુ છે તેની તપાસમાં હતી. ત્યારે મધુરમ કોમ્પલેક્ષમાં રેડ કરી તેના એક કલાકની અંદરજ હેડ કોન્સ્ટેબલ ઈરફાનબેગ મુગલબેગને બાતમી મળી હતી કે, વડનગર તાલુકાના મોલીપુર ગામમાં ડેરીની બાજુમાં રહેતો કિફાયતતુલ્લા અહમદભાઈ અબ્દુલભાઈ મોમીન કમાણા ચાર રસ્તા પાસેના ગેલેક્સી હબ માર્કેટમાં ફહદ પાન પાર્લરમાં પ્રતિબંધિત ગોગો સ્મોકીંગ કોનનુ વેચાણ કરી રહ્યો છે. પોલીસે તુર્તજ રેડ કરી તપાસ કરતા રૂા.૫૯૪ ની કિંમતના ૬ ફોઈલ પેપર પેકેટ મળી આવ્યા હતા. જેના વિરુધ્ધ પોલીસે જાહેરનામા ભંગ કાર્યવાહી કરી હતી.
નોંધપાત્ર બાબત છે કે ચરસ અને ગાંજાના સેવન માટે ગોગો પેપર કોન વેચાય છે. વિસનગરમાં ચરસ, ગાંજો, ડ્રગ્સનુ મોટા પ્રમાણમાં વેચાણ થતુ હોવાની ઘણા ઘણા સમયથી રજૂઆતો થઈ રહી છે. શહેરમાં ગોગો પેપર કોનનુ જે રીતે વેચાણ થઈ રહ્યુ છે તે શહેરમાં છુટથી વેચાતા ચરસ અને ગાંજાના વેપારની સાબીતી પુરી પાડે છે. ત્યારે પી.આઈ. કે.બી.પટેલે નશાના કાળા કારોબારનો પર્દાફાશ કરી યુવાધનને નશા તરફ ધકેલાતુ બચાવવાની પણ કડક કાર્યવાહી કરવી જોઈએ.