મહેસાણા ફોરલેન રોડમાં વાહનચાલકો ઉપર ભમતુ મોત
કારની ટક્કરથી એમ.એન.કોલેજના પૂર્વ પ્રધ્યાપકનું મૃત્યુ
મહેસાણા ફોરલેન રોડમાં વાહનચાલકો ઉપર ભમતુ મોત
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર મહેસાણા રોડ ફોરલેન બની ગયા બાદ પીપરાણી માર્બલથી મહેસાણા ચાર રસ્તા સુધીનો રોડ અકસ્માત ઝોન બની જતા આ ભાગમાં વાહનચાલકો ઉપર મોત ભમી રહ્યુ છે. એમ.એન.કોલેજના નિવૃત્ત પ્રાધ્યાપક વિસનગરા નાગર સમાજના બુજુર્ગ એક્ટીવા ઉપર પસાર થતા હતા ત્યારે મહેસાણા તરફથી આવતી કારે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં એક્ટીવા ચાલક ૧૦ ફૂટ ઉંચે ઉછળી પટકાતા તેમની સ્થળ ઉપરજ મૃત્યુ થયુ હતુ. માનવતા બતાવવાની જગ્યાએ ટક્કર મારનાર કાર ચાલક નાસી ગયો હતો. જોકે આ બનાવના બીજાજ દિવસે વાહનની ટક્કરથી બાઈક ચાલક પણ ઈજાગ્રસ્ત થયો હતો. આવા અકસ્માતો ટાળવા પીપરાણી માર્બલથી મહેસાણા ચાર રસ્તા સુધીમાં બે થી ત્રણ બંપ જરૂરી છે.
આ બનાવના બીજાજ દિવસે વાહનની ટક્કરથી બાઈક ચાલક ઈજાગ્રસ્ત
વિસનગર કોર્ટમાં વકીલાતનો વ્યવસાય કરતા દેવર્ષી ટાઉનશીપમાં રહેતા અને શ્રીરંગ ઓરકેસ્ટ્રાવાળા હિમાંશુભાઈ ત્રીવેદીના પિતા એમ.એન.કોલેજના પૂર્વ પ્રાધ્યાપક, વડનગર રસીકલાલ દવેના જમાઈ વિજયભાઈ જેઠાલાલ ત્રીવેદી સોપાન રેસીડન્સીમાં તેમના નાના પુત્ર કભી બી વાળા નિરવ ત્રીવેદી સાથે રહેતા હતા. ૭૫ વર્ષની ઉંમરના વિજયભાઈ ત્રીવેદી તેમનુ સ્કુટર લઈ મહેસાણા રોડ ઉપર આવેલ શ્રેય પેટ્રોલપંપમાં પેટ્રોલ પુરાવા માટે ગયા હતા. બપોરના લગભગ ૩-૩૦ કલાકે પેટ્રોલ પુરાવી ફોરલેન રોડમાં મહેસાણા તરફ જતો રોડ ક્રોસ કરી સામેના રોડ ઉપર ચડી નીકળતા હતા ત્યારે મહેસાણા તરફથી પુર ઝડપે આવી રહેલા જી.જે.૦૨ બી.ડી.૨૫૫૪ નંબરની ક્રેટા કારે ટક્કર મારી હતી. કારની ટક્કરથી બાઈક ચાલક બુજુર્ગ ૧૦ ફૂટ ઉંચે ઉછળી પટકાતા માથામાં ગંભીર ઈજા થઈ હતી. હાથે પગે અસંખ્ય ફેક્ચર થઈ ગયા હતા. માથુ ફુટી જતાજ રોડ ઉપર લોહીનું ખાબોચીયુ ભરાઈ ગયુ હતુ. કારની ટક્કરના ભારે અવાજથી લોકો દોડી આવ્યા હતા. સારવાર માટે ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં લઈ જવામાં આવે તે પહેલાજ સ્થળ ઉપરજ પ્રાણ પંખેરૂ ઉડી ગયુ હતુ. ટક્કર મારનાર કાર ચાલક માનવતા દાખવવાની જગ્યાએ ટક્કર મારી નાસી ગયો હતો. પરંતુ ટક્કર મારતા એક્ટીવાને કારની નંબર પ્લેટ ભરાઈ જતા ટક્કર મારનાર કારની જાણ થઈ હતી. હિમાંશુભાઈ ત્રીવેદીની ફરિયાદ આધારે પોલીસે કાર નંબર આધારે કાર ચાલક વિરુધ્ધ ગુનો દાખલ કર્યો છે. આ બનાવના બીજા દિવસે સવારે ચીત્રોડીપુરા ગામનો આનંદકુમાર મુકેશભાઈ ઠાકોર તિરૂપતી રોયલ આગળથી પસાર થતો હતો ત્યારે કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતા બાઈક ઉપરથી પટકાયો હતો. જેને નૂતન હોસ્પિટલમાં સારવાર્થે દાખલ કરાયો હતો.
પેટ્રોલપંપની બહાર નીકળતા બંપની જરૂરીયાત
મહેસાણા રોડ ઉપર આવેલ શ્રેય પેટ્રોલપંપ મેન હાઈવેથી અંદરની સાઈડે છે. પેટ્રોલ પુરાવ્યા બાદ ઘણા બાઈક કે એક્ટીવા ચાલકો પુર ઝડપે રોડ ઉપર આવી જાય છે. આવા સમયે પેટ્રોલપંપમાંથી નીકળતા એક્ટીવા કે બાઈક ચાલક રોડ ઉપરથી પસાર થતા વાહનની અડફેટે ચડી જાય છે. આવા નાના વાહનોની ગતી રોકવા પેટ્રોલપંપની બહાર નીકળતા બન્ને રસ્તા ઉપર પ્લાસ્ટીકના બંપ મુકે તે જરૂરી છે.
સહજાનંદ સ્કુલના બાળકોના હિતમાં બંપની માગણી ઘણા સમયથી સંતોષાતી નથી
નોંધપાત્ર બાબત છેકે પીપરાણી માર્બલથી મહેસાણા ચાર રસ્તા સુધીનો આ માર્ગ અકસ્માત ઝોન બની ગયો છે. જ્યાં વારંવાર અકસ્માત થાય છે. સહજાનંદ સ્કુલ છુટતા બાળકો પણ રોડ ક્રોસ કરી સામેના રોડે જતા હોય છે. તે સમયે અકસ્માતનો ભય રહેલો છે. સ્કુલ આગળ બંપ બનાવવા વારંવાર માગણી કરવામાં આવી છે. ત્યારે બંપ મુકવામાં આવતો નથી. તિરૂપતી રોયલ, ઈન્દ્રલોક સોસાયટીમાંથી નીકળતી વખતે પણ વાહન ચાલકો મહેસાણા તરફથી આવતા વાહનનો ભોગ બને છે. વિજયભાઈ ત્રીવેદીની જેમ બીજા કોઈનો ભોગ લેવાય તે પહેલા બંપ બનાવવામાં આવે તે જરૂરી છે.