હરિહરલાલજીને છપ્પનભોગમાં ૧૫૦ જેટલી સામગ્રીનો ભોગ ચડાવાશે મહિવાડામાં રવિવારે બપોરે ૧૨ થી ૨ જનતા કર્ફ્યુ
હરિહરલાલજીને છપ્પનભોગમાં ૧૫૦ જેટલી સામગ્રીનો ભોગ ચડાવાશે
મહિવાડામાં રવિવારે બપોરે ૧૨ થી ૨ જનતા કર્ફ્યુ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર હરિહરલાલજી મંદિરમાં જ્યારે પણ છપ્પનભોગનો મનોરથ હોય તે દિવસે મહિવાડાના રહીસો બપોરે બે કલાક સ્વયંમ જનતા કર્ફ્યુ પાડે છે. આનંદવાડીથી મંદિર સુધી છપ્પનભોગની સામગ્રી લાવતા સમયે કોઈની નજર ન પડે તે માટે મહિવાડાના રહીસો ઘરના દરવાજા તો બંધ રાખે છે ત્યારે પડદા પણ બંધ કરી દે છે. તા.૫-૧-૨૦૨૦ ને રવિવારના રોજ હરિહરલાલજી મંદિરમાં છપ્પનભોગ મનોરથ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
વિસનગરમાં મહિવાડામાં આવેલ પ્રાચીન મંદિર હરિહરલાલજી મંદિરમાં ગં.સ્વ.હિરાબેન પટેલ તથા સ્વ.બળદેવભાઈ હરગોવનદાસ પટેલ પરિવારના પુત્રો ભરતભાઈ પટેલ એકાઉન્ટન્ટ તથા યોગેશભાઈ પટેલ દ્વારા તા.૫-૧-૨૦૨૦ ને રવિવારના રોજ છપ્પનભોગ મનોરથનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. સાંજે ૪-૦૦ થી ૭-૩૦ કલાક દરમ્યાન છપ્પનભોગ મનોરથના દર્શનનો ધર્મપ્રેમી જનતા લાભ લઈ શકશે. આ પરિવાર દ્વારા અગાઉ વર્ષ ૨૦૧૭ માં પણ છપ્પનભોગ મનોરથ કરવામાં આવ્યો હતો.
હરિહરલાલજી મંદિરમાં છપ્પનભોગ દર્શન ૩-૩૦ કલાક સુધી કરી શકાશે. પરંતુ વૈષ્ણવ સંપ્રદાય સીવાયના લોકોને એ જાણ નહી હોય કે, ભગવાનને ભોગ ચડાવવાની છપ્પનભોગની સામગ્રી બનાવવાની શરૂઆત પાંચ દિવસ અગાઉથી થશે. દુધ ઘર અને શીયાળાને અનુરૂપ સોભાંગ સુંઢની વિવિધ ૧૫૦ પ્રકારની સામગ્રી બનાવવામાં આવશે. ૬ ભીતરીયા (રસોઈયા બ્રાહ્મણો) સામગ્રી બનાવશે. છપ્પનભોગ સામગ્રી બનાવવાની સ્પેશ્યાલીસ્ટ રાજસ્થાન સાચોરના જનોઈધારી બ્રાહ્મણો દ્વારા સામગ્રી બનાવવામાંં આવશે. સામગ્રી બનતી હોય ત્યારે ભીતરીયા સીવાય કોઈને પણ અંદર પ્રવેશ હોતો નથી. સામગ્રી સંપૂર્ણ પુષ્ટી સંપ્રદાયના નિયમોને આધીન બનાવવામાં આવે છે.
મહિવાડામાં આવેલી આનંદવાડીમાં સામગ્રી બનાવવામાં આવે છે. છપ્પનભોગ મનોરથના દિવસે એટલે કે રવિવારે બપોરે ૧૨-૦૦ થી ૨-૦૦ દરમ્યાન આનંદવાડીમાંથી હરિહરલાલજી મંદિરમાં સામગ્રી લાવવામાં આવે છે. સામગ્રી ઉપર પ્રથમ ભગવાનની જ દ્રષ્ટી પડવી જોઈએ. જેથી મંદિરમાં સામગ્રી લાવવામાં આવતી હોય ત્યારે મહિવાડાના રહીસો આ બે કલાક સ્વયંમ જનતા કર્ફ્યુ પાડે છે. ઘરના બારી-બારણાં પણ ખુલ્લા રાખતા નથી પડદા રાખે છે. મંદિરમાં સામગ્રી આવી ગયા બાદ બપોરે ૨-૦૦ થી ૪-૦૦ કલાક સુધી ઠાકોરજી ભોગ આરોગે છે. હરિહરલાલજી ભોગ આરોગી રહે ત્યારબાદ સાંજે ૪-૦૦ થી ૭-૩૦ કલાક સુધી છપ્પનભોગ મનોરથના દર્શન કરી શકાય છે. સામગ્રી બનાવવાનુ અને ધરાવવાનું તમામ કાર્ય બ્રાહ્મણો દ્વારા કરવામાં આવે છે. છપ્પનભોગ મનોરથના દિવસે હરિહર સત્સંગ મંડળના ૮૦ જેટલા સ્વયંમસેવકો સેવામાં તૈનાત હોય છે. ભગવાનની આગળ છપ્પનભોગ હોય તે સમયના દર્શન કરવાથી નાથદ્વારાની યાદ કરાવે છે. કહેવાય છેકે છપ્પનભોગ આરોગાવે તેની સાત પેઢી તરી જાય છે. વિસનગર હરિહરલાલજી મંદિરમાં છપ્પનભોગ દર્શનનો લાભ લેવા જાહેર જનતાને આમંત્રણ આપવામાં આવ્યુ છે.