તાલુકા સંઘને ખરાબ ચીતરવા ષડયંત્ર ચાલી રહ્યુ છે
છેલ્લા ૨૦ વર્ષથી સંઘના પ્રમુખ પદે રહેનાર કે.કે.ચૌધરીનો બળાપો
તાલુકા સંઘને ખરાબ ચીતરવા ષડયંત્ર ચાલી રહ્યુ છે
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર તાલુકા ખરીદ વેચાણ સંઘમાં ગેરવહીવટ ચાલતો હોવાની પ્રથમ અરજી થતા ત્યારબાદ સભાસદ બનવા ૪૫ મંડળીઓના એક સાથે હોબાળો કરતા સંઘના પ્રમુખ કે.કે.ચૌધરીએ બળાપો કાઢતા જણાવ્યુ છેકે, સંઘને ખરાબ ચીતરવાનો અને તોડી પાડવાનુ ષડયંત્ર ચાલી રહ્યુ છે.
વિસનગર તાલુકા ખરીદ વેચાણ સંઘનો વિવાદ સમવાની જગ્યાએ વધતો જાય છે. સંઘમાં ગેરવહીવટ ચાલતો હોવાની અરજીઓ કરાયા બાદ ૪૪ મંડળીઓના પ્રતિનિધિઓએ શેરફાળો વધારવા અને નવીન સભાસદ બનાવવા એક સાથે હલ્લો કરતા ભારે હોબાળો થયો હતો. આ બાબતે તાલુકા ખરીદ વેચાણ સંઘમાં છેલ્લા ૨૦ વર્ષથી પ્રમુખ તરીકે જવાબદારી સંભાળનાર કે.કે.ચૌધરીએ બળાપો કાઢતા ખુલાસો કર્યો હતો કે, મંડળીઓના પ્રતિનિધિઓ તાલુકા સંઘમાં આવ્યા ત્યારે હું હાજર નહોતો, કે મેનેજર હાજર નહોતા. ક્લાર્કે મને જાણ કરી ત્યારે જણાવ્યુ હતું કે, મંડળીઓના પ્રતિનિધિઓને કહેજો કે કાલે ૧૦-૦૦ કલાકે આવુ ત્યારે આવે. તમામની અરજીઓ સ્વિકારવામાં આવશે. જે દિવસે હોબાળો કર્યો તે દિવસ તા.૧૨-૨-૨૦૨૦ ના રોજ સવારે ૧૧-૦૦ થી બપોરે ૨-૦૦ કલાક સુધી બેઠો હતો. ત્યાં સુધી કોઈ આવ્યુ નહી અને બપોરે ૪-૦૦ કલાકે એકી સાથે આવ્યા હતા. ગામડાની મંડળીઓના પ્રમુખ તથા મંત્રી સવારેજ મુલાકાત લેતા હોય છે. ત્યારે એક સામટા એકજ સમયે આવ્યા તે કોઈના ઈશારે આવ્યા છે. કોઈના પ્રેરીત ષડયંત્ર ઉભુ કરવામાં આવ્યુ છે. અરજીઓનો રજી.એડીથી આવે તો પણ સ્વિકારી લેતા હોઈએ છીએ. જેમને સભાસદ બનવુ હોય તેમને બનાવીએ છીએ. કોઈને કદી ના પાડી નથી. જનરલ સભામાં ચર્ચા પણ થતી હોય છે. કારોબારીમાં છુટા મને ચર્ચા થતી હોય છે. ખાનગીમાં કશુ કરવામાં આવતુ નથી. ધારાસભ્ય પણ જનરલ સભામાં હાજર રહેતા હોય છે અને કહેતા હોય છેકે તાલુકા સંઘ જેવો કોઈ વહીવટ નથી. સારામાં સારો વહીવટ ચાલે છે. હસ્તક્ષેપ કરવાનો રહેતો નથી.
જે લોકો મંડળીમાં સભાસદ પણ ન હોય તેવા એટલે જોવુ તો પડે. મંડળીના પ્રમુખ કે મંત્રી કોણ અરજી લઈને આવ્યુ છે. એકાદ આવે તો ક્લાર્ક અરજી લઈ લે. પરંતુ એક સામટા વધારે આવે એટલે વિચારવુ પડે. એટલે ક્લાર્કને એવો જવાબ આપવા માટે સુચના આપવામાં આવી કે, કાલે પ્રમુખ આવે એટલે આવજો, પ્રમુખ અરજીઓ લઈ લેશે. ત્યારે હોબાળો કરવાના ઈરાદે હાલજ અરજીઓ સ્વિકારો તેવો ખોટો આગ્રહ કરાયો હતો. ખોટો હોબાળો થાય તેમ જણાતા મંડળીના પ્રમુખ કે મંત્રી જે હાજર હોય તેમના નામ લખી અરજીઓ લેવાની સુચના આપી હતી. તાલુકા સંઘ ખરાબ હોય તેવુ ચીતરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. હોબાળો કરવા માટે ષડયંત્ર કરવામાં આવ્યુ છે. તાલુકા સંઘની ચુંટણીઓ આવી રહી છે. એટલે આવા હીત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સંસ્થાને ખોટી રીતે તોડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. સંસ્થા લોકો દ્વારા અને લોકો માટે ચાલતી હોય છે. આજ સુધી ક્યારેય કોઈનો વિરોધ નથી અને છેલ્લા સમયે આવુ કેમ? લોકો કહેશે તો રાજીનામુ આપી દઈશુ. સંસ્થામાં ચીપકી રહેવાવાળા માણસો અમે નથી.
તાલુકા સંઘમાંથી ક્યારેય કશુ લીધુ નથી. આવી રીતે સંસ્થાને ખોટી રીતે બદનામ કરવામાં આવે તે દુઃખની બાબત છે. અમે ધારાસભ્ય સાથે રહ્યા છીએ. માર્કેટયાર્ડની ચુંટણી બાદ ધારાસભ્યશ્રીએ જણાવ્યુ હતુ કે, સંઘમાં કે.કે. હોય તોજ જીતી શકુ. એકલા જીતી શકવાની શક્તી નહોતી. લોકસભામાં અને વિધાનસભામાં ભાજપમાં રહીને મદદ કરી છે. સંસ્થા માટે અને તાલુકા માટે જે થઈ રહ્યુ છે તે યોગ્ય નથી.