દબંગ પી.આઈ. કે.બી.પટેલના કડક વલણથી વિસનગરમાં મોડી રાત સુધી ફરતા અસામાજીક તત્વોમાં ફફડાટ
વિસનગરમાં અસામાજીક તત્વોનો ત્રાસ વધતા શહેર પી.આઈ.કે.બી.પટેલે શહેરમા કાયદો વ્યવસ્થા જાળવવા અસામાજીક તત્વો અને બુટલેગરો સામે કડક વલણ અપનાવ્યુ છે. પી.આઈ.એ. અઠવાડીયામાં બે દિવસ નાઈટ ડ્યુટીના બદલે રોજેરોજ પોલીસ સ્ટાફ સાથે નાઈટ પેટ્રોલીંગ કરતા આજે રાત્રીના ૧૧-૦૦ વાગ્યા પછી શહેરના હાઈવે ઉપર કરફ્યુ જેવી પરિસ્થિતી જોવા મળી રહી છે. પી.આઈ.એ નાઈટ પેટ્રોલીંગમાં શંકાસ્પદ ટુ-વ્હીલર વાહનો ડીટેઈન કરતા અસામાજીક તત્વોને પોલીસનો ડર ઉભો થયો છે.
વિસનગરમાં છેલ્લા બે-ત્રણ મહિનાથી અસામાજીક તત્વો બેફામ બન્યા હતા. દારૂ-જુગારના બુટલેગરો અને અસામાજીક તત્વોને પોલીસનો કોઈ ડર નહોતો. શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતી કથળી હતી. શહેરમા કાયદો વ્યવસ્થાની સ્થિતી સુધારવા તત્કાલિન પી.આઈ. એ.એન.ગઢવીની બદલી કરી તેમની જગ્યાએ બાહોશ પોલીસ અધિકારી કે.બી.પટેલની નિમણુક કરવામાં આવી હતી. ત્યારે પી.આઈ. કે.બી.પટેલે શહેરમા ગુનાહિત પ્રવૃત્તિઓ રોકવા અસામાજીક તત્વો અને દારૂ-જુગારના બુટલેગરો સામે કડક વલણ અપનાવ્યુ હતુ. આમ તો દરેક પી.આઈ.ની અઠવાડીયામાં બે દિવસ નાઈટ ડ્યુટી (પેટ્રોલીંગ) હોય છે. જેના કારણે બાકીના દિવસોમાં અસામાજી તત્વોને પોલીસનો કોઈ ડર રહેતો નહોતો. શહેરના કડા ત્રણ રસ્તાથી પાલડી ત્રણ રસ્તા સુધી હાઈવે ઉપર આવેલ પાન પાર્લરો, ચાની કિટલીઓ તથા ઈંડાની લારીઓ ઉપર તથા મોડી રાત્રી સુધી અસામાજીક તત્વો અડીંગો જમાવીને બેસતા હતા. કેટલાક તત્વો તો દારૂ ઢીંચીને વાહનોમાં બિન્દાસ લટાર મારતા હતા.
પી.આઈ.કે.બી.પટેલની કડક કાર્યવાહીથી અત્યારે રાત્રીના
૧૧-૦૦ વાગ્યા પછી અસામાજીક તત્વો નહી ફરકતા શહેરમાં કરફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે
અસામાજીક તત્વોને પોલીસનો જરાય ડર ન હોતો. ત્યારે શહેરના બાહોશ દબંગ પી.આઈ.કે.બી.પટેલે અઠવાડીયામાં બે દિવસ નાઈટ ડ્યુટી (પેટ્રોલીંગ) કરવાને બદલે પોલીસ સ્ટાફ સાથે રોજેરોજ નાઈટ પેટ્રોલીગ શરૂ કરી શહેરના ચાર રસ્તાઓ ઉપર મોડી રાત્રી સુધી ચાલુ રહેતા પાન પાર્લરો અને ઈંડાની લારીઓ બંધ કરાવી છે. રાત્રીના દારૂ ઢીંચીને ફરતા અને નંબર પ્લેટ વગરના વાહનો લઈન ફરતા નબીરાઓ સામે કડક કાર્યવાહી કરતા અત્યારે રાત્રીના ૧૧-૦૦ વાગ્યા પછી શહેરના હાઈવે ઉપર કરફ્યુ જેવી પરિસ્થિતી જોવા મળી રહી છે. અત્યારે પી.આઈ. કે.બી.પટેલની કડક કાર્યવાહીથી શહેરમાં ગુનેગારોમાં ડરનો માહોલ ઉભો થયો છે. હવે પોલીસનો ડર ગુનેગારોમાં ક્યાં સુધી રહે છે તે જોવાનુ રહ્યુ?