Select Page

તાલુકા સંઘમાં સભાસદ બનવા ૪૪ મંડળીઓની અરજી

તાલુકા સંઘમાં સભાસદ બનવા ૪૪ મંડળીઓની અરજી

સ્વચ્છ વહીવટની વાતો કરાય છે તો રીઓડીટમાં રોડા નાખવાનુ કારણ શું?

તાલુકા સંઘમાં સભાસદ બનવા ૪૪ મંડળીઓની અરજી

રીઓડીટની માગણી માટે અરજી કરનાર અરજદારો
(૧) રમેશભાઈ આત્મારામ પટેલ (ઉમતા)
(૨) નાગરજી જવાનજી ઠાકોર (પુદગામ)
(૩) ફુલજીભાઈ નાથુભાઈ ચૌધરી(દઢિયાળ)
(૪) ચતુરભાઈ મગનભાઈ પટેલ(દેણપ)
(૫) પ્રહેલાદભાઈ ઈશ્વરભાઈ પટેલ(વડુ)
(૬) ગુંજનકુમાર બાબુભાઈ પટેલ(વાલમ)
(૭) જશવંતભાઈ ગંગારામભાઈ પટેલ(દેણપ)
(૮) રમેશભાઈ મોહનભાઈ પટેલ(રંગપુર-ખે)

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર તાલુકા ખરીદ વેચાણ સંઘમાં સભાસદ બનવા માટે એક સાથે ૪૪ મંડળીના પ્રતિનિધિઓએ અરજી કરતા ભારે હોબાળો થયો હતો. અરજી લેવાની આનાકાની બાદ અરજીઓ સ્વિકારતા મામલો હાલ પૂરતો થાળે પડ્યો છે. આ હોબાળામાં મંડળીના પ્રતિનિધિઓએ જણાવ્યુ હતું કે, સંઘમાં સ્વચ્છ વહીવટની છાતી ઠોકવામાં આવે છે ત્યારે રીઓડીટમાં કેમ રોડા નાખવામાં આવે છે. વ્યક્તિગત હિતમાં સંઘને ખર્ચના ખાડામાં ઉતારવામાં આવ્યો છે.
વિસનગર તાલુકા ખરીદ વેચાણ સંઘમાં ગેરવહીવટ ચાલતો હોવાની ૮ મંડળીના પ્રતિનિધિઓએ અરજી કરતા સંયુક્ત રજીસ્ટ્રાર દ્વારા રીઓડીટ આપવામાં આવતા સંઘના વહીવટ ઉપર અનેક શંકા કુશંકાઓ ઉભી થવા પામી છે. આ વિવાદમાં તા.૧૨-૨-૨૦૨૦ ને બુધવારના રોજ બપોરે ૪-૦૦ કલાકે તાલુકાની એક સાથે ૪૪ મંડળીઓના પ્રતિનિધિઓએ શેર હોલ્ડર અને સભાસદ બનવા માટે હલ્લો કર્યો હતો. આ મંડળીઓના ૭૦ જેટલા પ્રતિનિધિઓએ મંડળીને સભાસદ બનાવવા મંડળીના ઠરાવ અને રૂા.૧૦,૫૦૧/- ના ડ્રાફ્ટ સાથે અરજીઓ આપતા તાલુકા સંઘના ડીરેક્ટરો આવાક બની ગયા હતા. આ સમયે હાજર ક્લાર્કે સંઘના પ્રમુખ કે.કે.ચૌધરીનો સંપર્ક કરતા બીજા દિવસે સવારે આવી અરજીઓ આપવાનુ જણાવતા મંડળીના પ્રતિનિધિઓએ હઠ પકડી હતી કે જ્યાં સુધી અરજીઓ સ્વિકારશો નહી ત્યાં સુધી સંઘમાંથી ખસીસુ નહી. મંડળીના પ્રતિનિધિઓ સાથે માર્કેટયાર્ડના ડીરેક્ટર એલ.કે.પટેલ, પ્રિતેશભાઈ પટેલ, ઉમતાના પૂર્વ સરપંચ અંકીતભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ સતીષભાઈ પટેલ, તાલુકા પંચાયત સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન ભરતભાઈ પટેલ, જશુભાઈ ચૌધરી(ગુંજા), મહેન્દ્રભાઈ ચૌધરી (ગુંજાળા), ભરતભાઈ ચૌધરી(રંગાકુઈ), કાન્તીભાઈ ચૌધરી (રંગાકુઈ), અરવિંદભાઈ ચૌધરી (ચીત્રોડામોટા), રતિભાઈ પટેલ બેન્કર (ઉમતા), પી.કે.પટેલ તાલુકા ડેલીગેટ, મહેશભાઈ પટેલ સુંશી વિગેરે દુધ મંડળીના તથા સહકારી મંડળીના આગેવાનો પણ હાજર રહ્યા હતા. શેર હોલ્ડર અને સભાસદની અરજીઓ સ્વિકારવામાં ન આવે તો મામલો બીચકે તેમ લાગતા છેવટે સંઘના પ્રમુખની સુચનાથી ક્લાર્કે તમામ અરજીઓ સ્વિકારી હતી.
સંઘમાં અરજીઓ આપવા આવેલા પ્રતિનિધિઓએ સંઘના વહીવટ વિરુધ્ધ રોષ ઠાલવતા જણાવ્યુ હતું કે, વર્ષ ૨૦૧૫ ની કારોબારી સભ્યોની ચુંટણી માટે નિયમ મુજબ ૧૩ બ્લોક (સીમાંકન) માટેના પેટા નિયમમાં મતદાર મંડળીઓને વિશ્વાસમાં લીધા વગર અંદરખાને સુધારો કરી ઉમેદવાર બનવા માટે રૂા.૧૦,૦૦૦ ના શેર ધારણ કરે તેજ મંડળી દ્વારા નિયુક્ત સભ્ય ઉમેદવારી કરી શકે તેવો મનસ્વી નિયમ બનાવ્યો. તેમાં ચાલુ કારોબારીએ દરેક બ્લોકમાં ફક્ત એકજ મતદાર સભ્ય મંડળીના રૂા.૧૦,૦૦૦ ના શેર વધારો કરી, બાકીની ચુંટણી લડવા માગતી મંડળીઓને શેર ન આપી તમામ મંડળીઓ જોડે છેતરપીંડી કરી ઉમેદવારીની તક છીનવી લીધી હતી. રૂા.૧૦,૦૦૦/- ના શેર ધરાવતી મંડળીના પ્રતિનિધિજ ચુંટણી લડી શકે તેવો નિયમ બનાવ્યો. ત્યારે આ નવા નિયમની તાલુકાની અન્ય મંડળીઓને જાણ કેમ ન કરી. અન્ય મંડળીઓને શેર કેમ વધારી આપ્યો? ૨૦૧૫ ની ચુંટણીના જાહેરનામાની સભાસદ મંડળીઓ અને તાલુકાની જનતાને કેમ જાણ કરવામાં ન આવી, હોદ્દેદારો પાસે છે કોઈ જવાબ?
સંઘનો ગેરવહીવટ અને મનસ્વી વહીવટની કેટલીક બાબતો ધ્યાને આવતા સંસ્થાના હિત માટે સંયુક્ત રજીસ્ટ્રારમાં છેલ્લા ૪ વર્ષની રીઓડીટની વિનંતી કરી હતી. જેમાં રીઓડીટનો હુકમ કરવામાં આવ્યો છે. સંઘના પ્રમુખ સંઘનો વહીવટ યોગ્ય છે. હું તપાસ માટે તૈયાર છું. તેવું જણાવે છે તો રીઓડીટ માટે તપાસ અધિકારી આવ્યા ત્યારે જવાબદાર કર્મચારીને રજા ઉપર કેમ ઉતાર્યા! જાણવા મળ્યા પ્રમાણે બીજી તપાસ માટે આવ્યા ત્યારે જવાબદાર કર્મચારીને હોસ્પિટલમાં દાખલ કરાવી તપાસમાં રોડા નાંખવાનો પ્રયત્ન કરતા સંઘમાં ખોટુ થયાની શંકા ઉપજાવે છે. સરકારના નિયમ મુજબ સંસ્થાનું વાહન પ્રતિ કી.મી.રૂા.૪/- લેખે ઉપયોગમાં લઈ શકાય ત્યારે સંસ્થાના વાહનનો ખર્ચ હિસાબમાં પ્રતિ કિ.મી. રૂા.૨/- પ્રમાણે ઉધારી સંઘને ખોટા ખર્ચના ખાડામાં ઉતારવામાં આવ્યો છે. આવા બીજા કેટલાક અંગત લાભ દ્વારા પણ સંઘને નુકશાન પહોચાડ્યુ હોવાનો આક્ષેપ કર્યો હતો.
સંઘના ચેરમેન અને તેમના સાથી કારોબારી સભ્ય વિસનગર માર્કેટયાર્ડ, મોડલેમ અને કેસ્ટર જેવી સંસ્થાઓના ગેર વહીવટ તથા ભ્રષ્ટાચાર કેસના આરોપી છે. જેમના ઉપર ઘણા કોર્ટ કેસ ચાલે છે. સંઘમાં ૩૦ વર્ષથી બીજાને ચેરમેન બનવાની તક ન આપી એક હથ્થુ શાસન ચલાવતા ચુંટણીલક્ષી ષડયંત્રો રચી તાલુકાના ખેડુતોને છેતરવામા આવી રહ્યા છે.
ખાતર અને બીયારણનું વેચાણ ફક્ત તાલુકા સંઘજ કરે એવો આગ્રહ રાખવા પાછળ, ખેડુત મંડળીની ખાતરની જરૂરીયાત માટે આગળ પાછળ ફરવાની ફરજ પડે છે. તેઓ સત્તાલક્ષી સ્વાર્થ નથી? શા માટે વિસનગર માર્કેટયાર્ડ કે અન્ય કોઈપણ ખેડુતલક્ષી સંસ્થા ખેડુતોને ખાતર વિતરણ ન કરે તેવો દુરાગ્રહ રાખવામાં આવે છે. પોતાનો સ્વાર્થ સાધવા અને સત્તા ટકાવી રાખવા માટે વલણ બદલવામાં ઉસ્તાદે કેટલા કાંડ કર્યા છે તે સહકારી તંત્ર સારી રીતે જાણે છે. એક હથ્થુ સત્તાના સ્વાર્થ માટે સભ્ય મંડળીઓને ચુંટણીમા ભાગ લેવાની તક ન આપી જે ગેરવહીવટ કરવામાં આવી રહ્યો છે તેમાં સાથ આપનાર પણ એટલાજ જવાબદાર ગણાય, એક હથ્થુ રજવાડુ જતો રહેવાનો ભય છે એટલે સંઘના સભ્ય બનવા માંગતી મંડળીઓે સભ્ય બનાવવામાં આનાકાની કરવામાં આવે છે?