Select Page

દઢિયાળ ગામમાં ચૌધરી સમાજની મહિલાઓની કુરીવાજોને તિલાંજલી

દઢિયાળ ગામમાં ચૌધરી સમાજની મહિલાઓની કુરીવાજોને તિલાંજલી

દઢિયાળ ગામમાં ચૌધરી સમાજની મહિલાઓની કુરીવાજોને તિલાંજલી

ગામમાં યોજાયેલ જાહેર સભામાં સર્વાનુમતે નિર્ણય લેવાયો

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિશ્વ મહિલા દિન એમજ કાંઈ મનાવવામાં આવતો નથી. મહિલાઓ જે હિંમતથી નિર્ણય લઈ શકે છે તેવો નિર્ણય કોઈ લઈ શકતુ નથી. વિસનગર તાલુકાના દઢિયાળ ગામમાં ચૌધરી સમાજની મહિલાઓએ જાહેર સભા બોલાવી તેમાં કુરીવાજોને તિલાંજલી આપી મહિલાઓમાં રહેલી હિંમતભરી નિર્ણય શક્તિનો પરિચય કરાવ્યો છે. દેખાદેખીમાં લોકોને ખર્ચના ખાડામાં ઉતારતા આવા કુરીવાજોને તિલાંજલી આપી તે અન્ય સમાજ માટે પ્રેરણારૂપ અને માર્ગદર્શક બની રહેશે.
વિસનગર તાલુકાના દઢિયાળ ગામમાં ચૌધરી સમાજની મહિલાઓ દ્વારા કુરીવાજોની ચર્ચા માટે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આવા કુરીવાજો લોકો માટે ભારણરૂપ અને દેખાદેખીમાં ખોટા ખર્ચા કરાવતા હોઈ આવા રીવાજોને કાયમ માટે તિલાંજલી આપવા નિર્ણય કરી તેનો કડક અમલ તેમજ પાલન કરવા સુચન કરાયુ હતુ. કયા કુરીવાજો દુર કરવા નિર્ણય કરાયો તે જોઈએ તો, (૧) લગ્નપ્રસંગમાં તથા જેમ વખતે વહેચાતો ગોળ, સાકર તથા પતાશા બંધ કરવા, ફક્ત થાળીમાં ગોળ ફેરવવો. (૨) ગામમાં લગ્ન પ્રસંગ હોય કે મરણ પ્રસંગ તે વખતે રૂપિયાના ચુકવાણા(વ્યવહાર) કરવા નહી, જેના ઘરે મહેમાન હોય તેમનેજ વ્યવહાર કરવા. (૩) દિવાળીના કે બેસતાવર્ષના દિવસે સમગ્ર ગામની જાહેર સભા યોજવી. નવા વર્ષે ચા-પાણી કરવા કોઈના ઘરે જવુ નહી કે રૂપિયાનો વ્યવહાર કરવો નહી. (૪) ગામમાં કોઈ બીમાર હોય કે ઓપરેશન કરાવ્યુ હોય તેમના ઘરે ખબર કાઢવા જતી વખતે રૂપિયાનો વ્યવહાર કરવો નહી તેમજ ચા-પાણીની તકલીફ આપવી નહી. (૫) સમાજમાં કુવાસી, ભાણેજ અથવા જમાઈનુ અવસાન થયુ હોય તોજ સાથ લઈને જવુ, દુરના સબંધી હોય કે વૃધ્ધ વડીલનુ નિધન થયુ હોય તો ફક્ત નજીકના ઘરમાંથી કુટુંબીઓએ લોકાઈ જવુ. (૬) સબંધીના મૃત્યુ સમયે રાત્રે બેસવા જવુ નહી. (૭) લગ્નપ્રસંગે રાસ ગરબા રાખવા પરંતુ વરઘોડામાં વ્યસન કરવુ નહી. વરઘોડામાં વ્યસન કરતા ઝડપાશે તો રૂા.૨૫,૦૦૦/- દંડ આપવો પડશે. (૮) લગ્નપ્રસંગે ગોત્રીજો કે રાત્રે વહુ લેવા જતા ઢોલીમાં પૈસા ઉછાળવા નહી કે પૈસાનો વ્યવહાર કરવો નહી. (૯) જાન લઈને જાવ ત્યારે સામે પક્ષે તમામ વ્યવહાર રૂપિયાથી કરવો. સાલોનો વ્યવહાર કરવો નહી (૧૦) લગ્ન પ્રસંગના જમણવારમાં ફક્ત વૃધ્ધ અથવા બીમાર વ્યક્તિ માટેજ ભાત લેવુ(ટીફીન ભરવુ) અન્નનો દુરઉપયોગ કરવો નહી. (૧૧) ગામમાં સમુહલગ્ન હોય કે પોતાના ઘરે લગ્ન પ્રસંગ હોય, શક્ય હોય તો રજાનો દિવસ પસંદ કરવો. જેથી બહારગામમાં નોકરી-ધંધાવાળા સમાજના લોકો પ્રસંગમાં હાજરી આપી શકે અને દિવસ બગાડવો પડે નહી.
આ નિયમનુ પાલન ન કરનારને ગામમાં ચૌધરી સમાજ દ્વારા રૂા.૧૦૦૦/- દંડ કરવાનો સર્વાનુમતે નિર્ણય કરાયો હતો. ગામના વડીલો અને યુવાનો દ્વારા ગામમાં શિક્ષણ ક્ષેત્રે વિકાસ કરવા તેમજ વર્ષો જૂના કુરીવાજોને તિલાંજલી આપવા માટે જાહેરાત કરવામાં આવી હતી. સમાજના વિકાસ માટેના આ નિર્ણયોને સૌએ આવકાર્યા તે બતાવે છેકે દઢિયાળ ગામના ચૌધરી સમાજના લોકો કેટલા શિક્ષિત અને સમાજ ઉત્થાન માટે જાગૃત છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us