Select Page

બજેટમાં સતલાસણા-ખેરાલુ તળાવો માટે ગ્રાન્ટ ફાળવણી અધ્ધરતાલ

  • ભરોસાની ભેંસે પાડો જણ્યો

છેલ્લા બે વર્ષથી ખેરાલુ અને સતલાસણા તાલુકાના ખેડુતો સિંચાઈ માટે આંદોલનો કરતા હતા. વિધાનસભાની ચુંટણી નજીક આવતી હોવાથી પહેલા રૂા.૧૩૧/- કરોડ અને સર્વે થયા પછી રૂા. ૩૧૭/- કરોડની પાઈપલાઈનથી તળાવો ભરવાની યોજના બનાવી હતી. રૂા.૧૩૧/- કરોડની સૈધ્ધાંતિક મંજુરી પુર્વે સિંચાઈ મંંત્રી ઋષિકેશભાઈ પટેલે આપી દીધી હતી. પરંતુ યોજનાનું બજેટ વધી જતા સરકારના નાણા વિભાગે મંજુરી ન આપતા અત્યારે ખેરાલુ- સતલાસણા તાલુકાની રૂા. ૩૧૭/- કરોડની યોજના કોંગ્રેસ કહે છે તેમ લોલીપોપ સાબિત થઈ છે.
ખેરાલુ વિધાનસભાની ચુંટણીમાં ભાજપમાંથી સરદારભાઈ ચૌધરીને ઠંડીના માહોલમાં પરસેવો છુટી ગયો હતો. ભાજપના મત કરતા કોંગ્રેસ અને અપક્ષનું ટોટલ કરી એ તો ભાજપ કરતા ૩પ હજાર વધુ મત મળ્યા છે. એટલે એવું કહેવાય કે ખેરાલુ વિધાનસભામાં ભાજપ વિરોધી મતદારો વધારે છે. ભાજપના ધારાસભ્ય સરકારમાં વટ સાથે કાંઈ કહી શકે તેવી પરિસ્થિતિમાં નથી. અને તેમા પણ ૧પ૬ ધારાસભ્યો ભાજપમાંથી ચુંટાયા છે. એટલે નવા ધારાસભ્યોનું ઉપજે પણ ઓછુ તે સામાન્ય બાબત છે. ત્યારે તાજેતરના ર૦ર૩-ર૪ના બજેટની ગુજરાત સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા તા.ર૪-ર-ર૦ર૩ ના રોજ ફાળવણી કરાઈ હતી. જેમાં ખેરાલુ વિધાનસભામાં આવતા સતલાસણા ખેરાલુ તાલુકાના તળાવો ભરવા માટે કોઈ નાણાકીય જોગવાઈન થતા ભાજપ કાર્યકરો અને કિસાન આગેવાનોમાં છુપો ભારે રોષ જોવા મળ્યો છે.
ખેરાલુ-સતલાસણામાં સિંચાઈના પાણીની સુવિધા નથી. બન્ને તાલુકાના લોકોએ “પાણી નહી તો મત નહી ” નું આદોલન કર્યુ હતુ. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આંદોલન કરનાર ખેડુતો સાથે જુન- ર૦રરમાં મિટીંગ કરી તળાવો ભરવાની હૈયા ધારણા આપી હતી. જે માટે રૂા. ૧૩૬ કરોડની સૈધ્ધાંતિક મંજુરી અપાઈ હતી. જે યોજનાનો જસ લેવા મોટા બેનરો લગાવી સરકારે વાહ-વાહી લુંટવામાં કશુ બાકી રાખ્યુ નહોતું. હવે જયારે બજેટ જાહેર થયુ ત્યારે આ યોજના માટે નાણા ન ફાળવાતા લોકોની આશાઓ ઉપર પાણી ફરી વળ્યુ છે. લોકોમાં ધારાસભ્ય પ્રત્યે ઘોર નિરાશા ઉભી થઈ છે. કિસાન આંદોલન ચલાવતા લોકોને પુનઃ આંદોલન કરવુ પડે તેવી શક્યતાઓ લાગી રહી છે. આ બાબતે ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીને પુછતા તેમણે જણાવ્યુ હતુ કે યોજના મંજુર થઈ ગઈ છે. પરંતુ મંજુરી માટે આખા બજેટમાં એક રૂપિયો પણ નહી લખાતા અત્યારે ધારાસભ્યનું સરકારમાં કેટલુ વર્ચસ્વ છે તેનું લોકો તારણ કાઢી રહ્યા છે. ખેરાલુ વિધાનસભાના લોકો તળાવ ભરવાની યોજના મંજુર ન થતા અગાઉના ત્રણ ધારાસભ્યો અને વર્તમાન ધારાસભ્ય વચ્ચે સરખામણી કરી કોનું સરકારમાં કેટલુ વજન હતુ. કયા ધારાસભ્યનું કેટલો દબદબો હતો તેની ચોરે ને ચોંટે ચર્ચા કરી રહ્યા છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us