Select Page

બે કેસ પોઝીટીવ આવતા તંત્રની યુધ્ધના ધોરણે કામગીરી વિસનગરમાં કોરોનાનો પગદંડો અટકાવવા ૫૭૦ મકાનો રેડઝોનમાં

બે કેસ પોઝીટીવ આવતા તંત્રની યુધ્ધના ધોરણે કામગીરી વિસનગરમાં કોરોનાનો પગદંડો અટકાવવા ૫૭૦ મકાનો રેડઝોનમાં

બે કેસ પોઝીટીવ આવતા તંત્રની યુધ્ધના ધોરણે કામગીરી
વિસનગરમાં કોરોનાનો પગદંડો અટકાવવા ૫૭૦ મકાનો રેડઝોનમાં
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
કોરોના સંક્રમણથી બાકાત રહેલા વિસનગરમાં એક સાથે કોરોના પોઝીટીવના બે કેસ સામે આવતા હડકંપ મચી છે. કોરોના સંક્રમણ આગળ વધતુ અટકાવવા તંત્ર દ્વારા યુધ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. કોરોના પોઝીટીવ આસપાસના વિસ્તારોને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરી આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે. કોરોના પોઝીટીવ દર્દિની સોસાયટી તથા આસપાસની પાંચ સોસાયટીઓ તથા રંગપુર ગામના તમામ ૩૨૫ મકાનો રેડ ઝોનમાં આવી ગયા છે. જ્યાં કોઈની પણ અવરજવર થશે નહી. કોરોના સંક્રમણનો ભોગ બન્યા હોયતો એક અઠવાડીયામાં તેના લક્ષણો જોવા મળે છે. ત્યારે કન્ટેન્ટમેન્ટ ઝોનના લોકો ચીંતીત છે. વિસનગરમાં કોરોના પગદંડો ન જમાવે તે માટે હવે લોકોએ ગંભીરતા રાખી સાવચેતી રાખવી ખુબજ જરૂરી છે.
વિસનગરની ૬ સોસાયટી અને રંગપુર ગામ કન્ટેન્ટમેન્ટ ઝોનમાં
વિસનગર શહેર અને તાલુકાના ગામડામાં કોરોના સંક્રમીત શહેરોમાંથી મોટી સંખ્યામાં લોકોનુ આગમન થતા લોકોને કોરોનાનો સતત ભય સતાવતો હતો. ત્રણ તબક્કાના લોકડાઉનમાં તા.૧૩-૫ ના રોજ ૫૦ માં દિવસે શહેર અને તાલુકામાં એક એક કોરોના પોઝીટીવ કેસ સામે આવતા દર્દિઓની આસપાસના વિસ્તારોમાં અજંપાભરી સ્થિતિ સર્જાઈ છે. વિસનગરમાં થલોટા રોડ ઉપર આવેલ સ્વરાજ સોસાયટીમાં રહેતા રામચંદ્રભાઈ પટેલ મહેસાણા ઓ.એન. જી.સી.માં અપડાઉન કરે છે. રામચંદ્રભાઈ પટેલના પત્ની આશાબેન પટેલ ઉં.વ.૨૮ ને તાવ આવતા અને શ્વાસ લેવામાં તકલીફ થતા પ્રથમ વિસનગરમાં ર્ડા.ભરતભાઈ પટેલના ત્યાં સારવાર લીધી હતી. ત્યારબાદ મહેસાણા ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. તાવ કાબુમાં નહી આવતા મહેસાણાની કોવીડ-૧૯ સાંઈક્રીષ્ણા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જેમનું સેમ્પલ લેવામાં આવતા પોઝીટીવ રીપોર્ટ આવ્યો હતો.
વિસનગર તાલુકાના રંગપુર ગામના મધુબેન મનુભાઈ પટેલ ઉં.વ.૫૫ તા.૨-૫-૨૦૨૦ ના રોજ અમદાવાદના રામોલ વસ્ત્રાલ કોરોના હોટસ્પોટ વિસ્તારમાંથી રંગપુર આવ્યા હતા. જેમની સાથે તેમની ૭ વર્ષની ભાણી કાવ્યા પણ આવી હતી. જેઓ રંગપુરના પટેલ નરસિંહભાઈ ઈશ્વરભાઈના ત્યાં રાત્રે રોકાયા હતા. જેમને તાવ આવતા તા.૪-૫ ના રોજ પ્રવિણભાઈ ઈશ્વરભાઈ પટેલ ઉમતા પી.એચ.સી.માં લઈ જવામાં આવ્યા હતા. તાવ સાથે શ્વાસની તકલીફ વધતા ફરીથી તા.૮-૫ ના રોજ નિલેશભાઈ પ્રવિણભાઈ પટેલ સાથે ઉમતા પી.એચ.સી.માં સારવાર્થે ગયા હતા. ત્યારબાદ વિસનગરમાં ર્ડા.જયંતિભાઈ પટેલના ત્યાં પણ સારવાર લીધી હતી. ત્યારબાદ ૧૦-૫ ના રોજ ૧૦૮ દ્વારા વડનગર હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં સેમ્પલ લેવામાં આવતા કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્યો હતો.
વિસનગરમાં એક સાથે બે કેસ પોઝીટીવ આવતા સમગ્ર વહીવટી તંત્ર કામે લાગી ગયુ હતુ. ધારાસભ્ય ઋષિભાઈ પટેલ, પ્રાન્ત ઓફીસર સી.સી.પટેલ, મામલતદાર બી.જી.પરમાર, તાલુકા હેલ્થ ઓફીસર શુકલાબેન રાવલ, ટીડીઓ બી.એસ.સથવારા, સીટી પી.આઈ.પી.કે.પ્રજાપતિ, ચીફ ઓફીસર અશ્વીનભાઈ પાઠક, તાલુકા પી.આઈ.ખરાડી સહીતની ટીમે પોઝીટીવ દર્દીના રહેણાંક સ્થળની મુલાકાત લીધી હતી. સ્વરાજ સોસાયટીના આશાબેન પટેલની સોસાયટીના નાકે આવેલ શાકભાજીની દુકાનમાં તથા દુધ પાર્લરમાં અવરજવર હોવાથી સ્વરાજ સોસાયટી સહીતની આસપાસની સોસાયટીઓને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં લેવામાં આવી હતી. જેઓ આ વિસ્તારમાં રહેતા એક ધોબીના ત્યાં પણ ઉજણી નંખાવવા ગયા હતા. પાલિકા ટીમે આખો વિસ્તાર સેનેટાઈઝ કર્યો હતો. રંગપુરના મધુબેન પટેલ ગણેશપરૂમાં રહેતા હતા તેમ છતાં પરા સહીતના આખા ગામને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયો છે. આ બન્ને રેડઝોન વિસ્તારમાં રહેતા લોકો તંત્રની મંજુરી નહી મળે ત્યાં સુધી કોઈ બહાર નીકળી શકશે નહી કે અંદર પ્રવેશ કરી શકશે નહી. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રહેતા તમામ લોકોના આરોગ્યની ચકાસણી હાથ ધરવામાં આવી છે. કોરોના સંક્રમણ બાદ ૬ થી ૭ દિવસમાં તેના લક્ષણો જોવા મળે છે. ત્યારે સમગ્ર તંત્રની કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રહેતા લોકો ઉપર નજર રહેશે.
• કોરોના પોઝીટીવના સંપર્કમાં આવેલા તે કોરોન્ટાઈન કરાયા
સ્વરાજ સોસાયટીના આશાબેન પટેલના પતિની સાથે ઈશ્વરનગર સોસાયટીમાં રહેતા અને કંસારાપોળમાં રહેતા વ્યક્તિ અપડાઉન કરતા હતા તે લોકોને, આશાબેન પટેલના પરિવારના ચાર વ્યક્તિઓને તથા રંગપુરના મધુબેન પટેલના સંપર્કમાં આવેલા લોકોને કોરોન્ટાઈન કરાયા.
• કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયા
વિસનગરમાં થલોટા રોડ ઉપરની સ્વરાજ સોસાયટી, રામબાગ, ઈશ્વરનગર-૧-૨, વૃંદાવન તથા પંચવટી સોસાયટીના ૯૭૫ ની વસ્તી તેમજ ૨૪૬ મકાનો ધરાવતા આખા વિસ્તારને રેડઝોન જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે રંગપુર ગામ આખુ રેડ ઝોન જાહેર કરાયુ છે.
• રંગપુરના મહિલાના સેમ્પલનો રીપોર્ટ મોડો આવ્યો હોવાની શંકા
એવી શંકા સેવાઈ રહી છેકે રંગપુરની મહિલાને વડનગર હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ જે સેમ્પલ લેવામાં આવ્યુ હતુ તેનો રીપોર્ટ આવતા વિલંબ થયો હતો. વડનગર કોલેજમાં નર્સોની હડતાલનો વિવાદ ચાલી રહ્યો છે. જેના કારણે રીપોર્ટ મોડો આવ્યો હોવાનુ ચર્ચાય છે.
• કન્ટેન્ટમેન્ટ ઝોનમાં થલોટા રોડ બાનમાં લેવાયો
સ્વરાજ સોસાયટી આસપાસની છ સોસાયટી વિસ્તાર કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયો હતો. આ સોસાયટીમાં અવરજવર માટે ગેટ છે. જે સોસાયટીના ગેટ આગળ પોલીસ પોઈંટ મુકવાની જગ્યાએ એક તરફ હરદ્વાર સોસાયટીના નાકે અને બીજા તરફ ગૌરવપાર્કના નાકે તથા વસંતનગર તરફના રોડ ઉપર બેરીકેટ મુકી રોડ બ્લોક કરવામાં આવ્યો હતો. આસપાસની અન્ય સોસાયટીના રહીસોને પણ આવનજાવનમાં મુશ્કેલી પડતા ધારાસભ્ય ઋષિભાઈ પટેલે મામલતદારને આ વિસ્તારના અન્ય લોકોને બાનમાં નહી લેવા જણાવવા છતાં રોડ ઉપરના બેરીકેટ દુર કરાયા નહોતા.
• આરોગ્ય વિભાગ માહિતી છુપાવતી હોવાની શંકા
કારણ ગમે તે હોય પરંતુ આરોગ્ય તંત્ર દ્વારા કોરોના પોઝીટીવ દર્દીઓ માટેની તથા કોરોના સંક્રમણ અટકાવવા માટેની થયેલી કામગીરીની માહિતી આપવામાં ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા છે. માહિતી નહી આપી આરોગ્ય તંત્ર શું છુપાવવા માગે છે તે સમજાતુ નથી?
• રંગપુરમાં થર્મલ સ્ક્રીનીંગ કરાયુ
ગામમાં આરોગ્ય તંત્ર દ્વારા થર્મલ સ્ક્રીનીંગ અને સર્વેની કામગીરી ચાલી રહી છે. ગ્રામ પંચાયત દ્વારા ગામના ૩૨૫ મકાનો તથા અન્ય સંસ્થાઓમાં સેનેટાઈઝથી છંટકાવ કરાયો છે. ગામના સરપંચ તલાટી પંકજભાઈ મોદી તથા પંચાયતના સભ્યો કોરોનાને લગતી કામગીરીમાં સતત દેખરેખ રાખી રહ્યા છે.
• પોઝીટીવ દર્દીના પરિવારમાં કોરોનાનો ભય
સ્વરાજ સોસાયટીના આશાબેન પટેલને કોરોના પોઝીટીવ આવતા ઘરમાં રહેતા તેમના પતિ, સાસુ-સસરા અને ભત્રીજો કોરોનાનો ભય સતાવી રહ્યો છે. આશાબેનના પતિ જણાવે છેકે, અપડાઉનના કારણે હું સંક્રમીત થયો હોવો જોઈએ, અને ત્યારબાદ મારી પત્ની કોરોના સંક્રમીત બની હોય તે શક્ય છે. જેથી મારુ અને ઘરના તમામ સભ્યોનુ સેમ્પલ લઈ રીપોર્ટ કરાવવો જોઈએ.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us