મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં સંકલનની મિટીંગ મળી ધારાસભ્ય ઋષિભાઈની તાલુકાના વિકાસને લગતી ૧૨ મુદ્દાની રજુઆત
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં સંકલનની મિટીંગ મળી
ધારાસભ્ય ઋષિભાઈની તાલુકાના વિકાસને લગતી ૧૨ મુદ્દાની રજુઆત
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
કોરોના મહામારીના કારણે થંભી ગયેલો વિકાસ આગળ વધારવા મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રભારી મંત્રી વિગેરેની ઉપસ્થિતિમાં સંકલન મળી હતી. જેમાં ધારાસભ્ય ઋષિભાઈ પટેલે વિસનગર શહેર અને તાલુકાના વિકાસને લગતા વિવિધ ૧૨ મુદ્દાઓની વિગતવાર રજુઆત કરી હતી.
કોરોના મહામારીમાં સંક્રમણ અટકાવવા તથા આ મહામારીમાં લોકોના આરોગ્યની સુરક્ષા માટે સમગ્ર વહીવટીતંત્ર છેલ્લા ત્રણ માસથી કામે લાગ્યુ હતુ. કોરોના મહામારીના લોકડાઉનના કારણે વિકાસ કામો થંભી ગયા હતા. આ વિકાસ કામ શરૂ થાય તથા પડતર પ્રશ્નોનો નિકાલ થાય તે માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ, જીલ્લા પ્રભારી વિભાવરીબેન, મુખ્યમંત્રીના આઈ.એસ. અધિકારીઓ અશ્વીનીકુમાર કૈલાશનાથન, ધનંજય ત્રીવેદી, જીલ્લાના અધિકારીઓ કલેક્ટર, જીલ્લા પોલીસ અધિક્ષક, ડી.ડી.ઓ. વિગેરેની ઉપસ્થિતિમાં સંકલનની મિટીંગ મળી હતી. જેમાં વિસનગરના જાગૃત ધારાસભ્ય ઋષિભાઈ પટેલ દ્વારા શહેર અને તાલુકાના વિકાસને લગતા વિવિધ ૧૨ મુદ્દાની રજુઆત કરવામાં આવી હતી. ધારાસભ્યની રજુઆતમાં કયા મુદ્દાઓનો સમાવેશ થાય છે તે જોઈએ તો, ઉમતા તાલુકાનુ મોટામાં મોટુ ગામ છે. આ ગામની ત્રણ કિ.મી.ની પરિધમાં રંગપુર, હસનપુર, ખદલપુર, પાલડી, છોગાળા, રાજગઢ, કિયાદર, ગુંજા, સેવાલીયા વિગેરે ૧૦ થી ૧૨ ગામના ૨૫૦૦૦ જેટલા લોકોને આરોગ્ય અને તબીબી સેવાઓ મળી રહે તે માટે ઉમતામાં સામુહિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરવા માટે રજુઆત કરાઈ હતી. ધાધુસણ, રેડ લક્ષ્મીપુરા પાઈપલાઈનમાંથી ગોઠવા ગામની જીવાદોરી સમાન તળાવ ભરવા માટે આ તળાવને ધાધુસણ રેડલક્ષ્મીપુરાની પાઈપલાઈનથી જોડવા, બેંક ઓફ બરોડામાં દેનાબેંક અને દેના ગુજરાત ગ્રામીણ બેંકનુ વિલીનીકરણ થતા આ બન્ને બેંકોના આઈ.એફ.સી. કોડ બદલાઈ ગયા છે. જેના કારણે આ બન્ને બેંકોના ૪૮૨૬ ખેડૂતોના ખાતાની કૃષિ સહાય પેકેજના નાણાં જમા થયા નથી. ધારાસભ્ય કાર્યાલયથી જીલ્લા ખેતીવાડી અધિકારીને ૪૮૨૬ ખેડૂતોના બેંક ખાતાની લેટેસ્ટ વિગતો આપવામાં આવી છે. તો પરત ફરેલી સહાય તાત્કાલીક ખેડૂતોના ખાતામાં જમા કરવા રજુઆત કરાઈ હતી.
ધારાસભ્ય દ્વારા એ મહત્વની રજુઆત કરાઈ હતી કે ગૌચર હેડે ચાલતા સર્વે નંબરોવાળી જમીનમાં હકીકતમાં ઘણા વર્ષોથી તળાવ આવેલા છે. તળાવોના કારણે ગામડામાં પાણીની સમસ્યાની ઘણી રાહત મળેલ છે. આ જમીન તળાવ હેડે નીમ કરવામાં આવે તો તળાવો ઉંડા કરી શકાય અને ભુગર્ભ જળની સપાટી ઉંચી આવી શકે. જે જમીનો તળાવ હેડે નીમ કરવા રજુઆત કરવામાં આવી હતી. શહેરના વિકાસને લગતા મહત્વના પ્રશ્ને રજુઆત કરાઈ હતી કે, એમ.એન.કોલેજ રોડ ઉપર શૈક્ષણિક સંસ્થાઓ, માર્કેટો, વિજ કંપનીની ઓફીસ તથા બસ સ્ટેન્ડ ડેપોના કારણે ભારે ટ્રાફીક રહે છે. રેલ્વે ફાટકથી કોલેજના ગેટથી મોહનનગર સોસાયટી સુધી કોલેજની કમ્પાઉન્ડ વૉલ ૧૦ થી ૧૫ ફૂટ પાછી લઈ જવામાં આવે તો ટ્રાફીક તથા પાર્કિંગના પ્રશ્નોનુ નિવારણ થઈ શકે. વિસનગર શહેર અને તાલુકાને ધરોઈ જુથ પાણી પુરવઠામાંથી કટ ઓફ કરી ખેરવાથી નર્મદાનું પાણી આપવા રજુઆત કરાઈ હતી. જોકે આ રજુઆતમાં બે ફેઝની મંજુરી મળી ગઈ છે. એમ.એન.કોલેજમાં વર્ષ ૨૦૧૨-૧૩ માં રૂા.૨૯૨ લાખના ખર્ચે હૉલ બનાવવામાં આવ્યો છે. પરંતુ પડઘા પડતા હોવાથી તેમજ પુરતી સુવિધાઓ નહી હોવાથી હૉલ બીન વપરાશ પડી રહ્યો છે. જે હૉલમાં ઈકો સ્ટીક સીલીંગ, સેન્ટ્રલ એસી તથા જરૂરી ફર્નિચરની સુવિધા કરવા રજુઆત કરવામાં આવી છે.
વિસનગર તાલુકાના વિષ્ણુપુરા (ખરવડા), રાજગઢ, બાજીપુરા(ગોઠવા), ગોઠવા (પંચાયત), કુવાસણા, દેણપ અને કાંસામાં હયાત બોર નિષ્ફળ ગયા હોવાથી તાત્કાલીક નવીન બોર બનાવવા મંજુરી આપવા વિગતવાર કારણો સાથે રજુઆત કરાઈ હતી. બાયપાસ રોડ માટે રજુઆત કરાઈ હતી. કે, કડા રોડથી વિજાપુર રોડ અને વડનગર રોડને જોડતા બાયપાસ રોડ માટે વર્ષ ૨૦૧૩ ના બજેટમાં રૂા.૭ કરોડની મંજુરી આપવામાં આવી હતી. જેમાં બાયપાસ માટે એલાઈનમેન્ટ મંજુર કરવામાં આવેલ. પરંતુ રીસર્વે થતા માર્ગ મકાન વિભાગ વિસનગર દ્વારા ડી.એલ.આર.કચેરીને નવા સર્વે નંબર મુજબ જમીન સંપાદન કરવા દરખાસ્ત કરવામાં આવી હતી. જમીન દફતરની તા.૧૫-૧૧-૧૯ ના પત્રની સુચના મુજબ માર્ગ મકાન વિભાગ દ્વારા તા.૨૧-૧૨-૧૯ ના રોજ માપણી ફી રૂા.૪,૮૯,૬૦૦/- ભરપાઈ કરી ચલણ મોકલી આપ્યુ હતુ. તો તાત્કાલીક જમીન માપણી કરી જમીન સંપાદનની કાર્યવાહી કરવા તથા બાયપાસ બાબતે પરિણાત્મક નિર્ણય લેવા રજુઆત કરાઈ હતી.
વિસનગર તાલુકાના ગામોમાં રીસર્વેની કામગીરીમાં ઘણી ક્ષતીઓ રહી છે. વર્ષ ૨૦૧૬ થી જીલ્લા જમીન નિરીક્ષકની કચેરીએ તાલુકાના ખેડૂતોએ અરજીઓ આપી છે. જેનો નિકાલ નહી થતા ખેડૂતો ધક્કા ખાઈ રહ્યા છે. પાંચ વર્ષ થવા છતાં ખેડૂતોના પ્રશ્નનો નિકાલ થતો નથી. તેની ઘટતી કાર્યવાહી કરવા, ખેરવાથી વિસનગર તથા ધાધુસણથી રેડ લક્ષ્મીપુરા પાઈપલાઈન નાખવાની કામગીરી પુર્ણતાના આરે છે. આ પાઈપલાઈન ચાલુ થાય તો પાઈપલાઈનની વર્તુળમાં આવતા ૧૫૦ જેટલા ગામના ચેકડેમ તથા તળાવોમાં પાણી નાખી શકાય. ચેકડેમ અને તળાવોમાં બારેમાસ પાણીની સગવડ ઉભી થાય તો ખેડૂતો અને પશુપાલકો માટે આશિર્વાદરૂપ બને જે પાઈપલાઈન શરૂ કરવા રજુઆત કરાઈ હતી. તાલુકાની જે વિધવા બહેનોને પેન્શનના હુકમો આપવામાં આવ્યા છે તેમના તાત્કાલીક પેન્શન ચાલુ કરવા માટે પણ રજુઆતઈ કરાઈ હતી.