Select Page

વિસનગરમાં હજ્જારો ભક્તોના જયઘોષ વચ્ચે જગન્નાથજીની પરિક્રમા

૩૦ ઉપરાંત્ત સેવા કેમ્પોએ રથયાત્રીકોની સેવા કરી

• હરિહર સેવા મંડળે તન, મન, ધનથી રથયાત્રા મહોત્સવ ઉજવ્યો
• આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલે રથ ખેચીને પ્રસ્થાન કરાવ્યુ
• કમલેશભાઈ જીવાભાઈ પટેલે રૂા.૧,૨૧,૦૦૦ નો ચડાવો બોલી મહાઆરતીનો લાભ લીધો
• મોસાળા મહોત્સવમાં ભગવાનને મનોરથ કરાયો, ૫૫૦૦ ઉપરાંત્ત ભક્તોએ પ્રસાદનો લાભ લીધો

‘હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી’, ‘મંદિરમાં કોણ છે, રાજા રણછોડ છે’ ના  જયઘોષ સાથે અષાઢી બીજે ભગવાન જગન્નાથજી વિસનગરમાં પરિક્રમા કરવા નિકળતા ભક્તોમાં અનેરો ઉન્માદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. બેન્ડવાજા અને ડી.જે.ના તાલે નિકળેલી રથયાત્રાનુ ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યુ હતુ. ગરમી અને બફારાનુ વાતાવરણ પણ ભક્તોના આનંદને રોકી શક્યુ નહોતુ. કોરોનાના બે વર્ષ બાદ નિકળનારી રથયાત્રા લોક ઉત્સવ બની રહે તે માટે હરિહર સેવા મંડળ દ્વારા તન, મન અને ધનથી પ્રયત્નો કરવામાં આવ્યા હતા.
વિસનગરમાં અષાઢી બીજે ૪૧ મી રથયાત્રા માટે હરિહર સેવા મંડળ તથા ભક્તોનો અનેરો થનગનાટ હતો. હરિહર સેવા મંડળમાં મહાઆરતીનો ચડાવો શરૂ કરતા કમલેશભાઈ જીવાભાઈ પટેલે રૂા.૧,૨૧,૦૦૦/- ચડાવો બોલી આરતીનો લાભ લીધો હતો. જ્યારે રૂા.૨૫,૦૦૦/- ચડાવો બોલી મોસાળા મહોત્સવ કમિટિ પ્રથમ રથ ખેચનાર યજમાનનો લાભ લીધો હતો. આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલે આરતી ઉતાર્યા બાદ રથ ખેચીને પ્રસ્થાન કરાવ્યુ હતુ. માર્કેટયાર્ડના ચેરમેન પ્રિતેશભાઈ પટેલ, તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન મુકેશભાઈ ચૌધરી, તાલુકા ભાજપ પ્રમુખ સતીષભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ મનીષભાઈ ગળીયા, તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રાબેન પટેલ, પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ, શહેર તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો, તાલુકા પંચાયત તથા પાલિકાના ચુંટાયેલા સભ્યો, હરિહર સેવા મંડળના ટ્રસ્ટીઓ વિગેરેની હાજરીમાં બેન્ડવાજા અને ડી.જે.ના તાલે રથયાત્રાની શરૂઆત થઈ હતી. બે વર્ષ બાદ શહેરના માર્ગો ઉપર દર્શન આપવા માટે નિકળેલા ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી તથા બાલભદ્રજીનુ ઠેરઠેર સ્વાગત કરવામાં આવ્યુ હતુ. ગુલઝાર પાન હાઉસ પાસે ફારૂકભાઈ બહેલીમ(મુન્સી), મુસ્તાકભાઈ બહેલીમ, ફજલભાઈ મેમણ ઉપકાર, બાબાભાઈ સૈયદ, કાલુભાઈ ગુલઝાર, ઈસુબભાઈ જીલાની તથા લાલ દરવાજા વિસ્તારમાં મુસ્તાકભાઈ સીંધી, અસ્પાકખાન પઠાણ વિગેરે મુસ્લીમ સમાજના આગેવાનો દ્વારા ભગવાનને ફુલહાર પહેરાવી રથયાત્રાનુ સ્વાગત કરી ભાઈચારાનો સંદેશો આપ્યો હતો. રથયાત્રા પહેલા આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલે ગુલઝાર પાન હાઉસ ચોકમાં હાજરી આપી મુસ્લીમ બીરાદરોની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
પટણી દરવાજા ઉમિયા માતાના મંદિરમાં મોસાળા મનોરથ મહોત્સવમાં રથયાત્રાનો દોઢ કલાકનો વિરામ હતો. જ્યા ભગવાનને રથમાંથી ઉતારી નવો શણગાર કરાયો હતો. મોસાળાના મુખ્ય મનોરથી આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલ તથા સહાયક મનોરથી દ્વારા આરતી કરીને છપ્પનભોગ અર્પણ કરાયો હતો. જ્યા ૫૫૦૦ ઉપરાંત્ત રથયાત્રીકોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. મોસાળા મનોરથના મુખ્ય કન્વીનર પટેલ ભરતભાઈ એકાઉન્ટન્ટ તથા કાર્યકરોની ટીમે મહોત્સવ માટે જહેમત ઉઠાવી હતી. રથયાત્રામાં ૩૧ ટ્રેક્ટર તથા ૪ ઉંટલારીમાં ભજન મંડળીની બહેનો અને વેશભુષા સાથે બાળકો જોડાયા હતા. આદિવાસી નૃત્ય સહીતની વિવિધ મંડળીઓએ ભારે આકર્ષણ જમાવી ભારતીય સંસ્કૃતિના દર્શન કરાવ્યા હતા. બે વર્ષ બાદ નિકળેલી રથયાત્રાની સેવા માટે મિત્ર મંડળો, વેપારી મિત્રો, સંસ્થાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. શરબત, ઠંડુ પાણી, છાસ, કેન્ડી વિગેરેના ૩૦ ઉપરાંત્ત સેવા કેમ્પ કરવામાં આવ્યા હતા. રથયાત્રા દરમ્યાન અલગ અલગ સ્થળે રાખવામાં આવેલ લાઈવ પ્રોગ્રામો આગળ ભક્તો મન મુકીને નાચ્યા હતા. પરંપરાગત માર્ગો ઉપર ફરીને લગભગ સાંજે ૫-૩૦ કલાકે હરિહર સેવા મંડળમાં રથયાત્રા પરત ફરી હતી. રથયાત્રાની સુરક્ષા અને બંદોબસ્ત માટે ડી.વાય.એસ.પી. એ.બી.વાળંદ, વિસનગર સીટી પોલીસ સ્ટેશનના એસ.એસ.નિનામા તથા ૪૦૦ ઉપરાંત્ત પોલીસ કર્મચારીઓએ ખડેપગે સેવા આપી હતી.

• રથયાત્રામા સ્વાગત, સેવા કેમ્પ અને ડી.જે.

(૧) કાળકા માતાના પરા આગળ જબરેશ્વર મહાદેવ સથવારા પરિવાર દ્વારા શરબત કેમ્પ (૨) સવાલા દરવાજા ચાર રસ્તા પ્રજાપતિ ભાઈઓ દ્વારા ઠંડુ પાણી કેમ્પ (૩) ગંજી પાસે વિસનગર તળ કડવા પાટીદાર સમાજ તથા સદ્‌ભાવના મિત્ર મંડળ શરબત-ઠંડુ પાણી કેમ્પ, જુનિયર નરેશ તથા પૂજા સોનીનો સ્ટેજ શો (૪) કન્યાશાળા રામજી મંદિર પરિવાર ઠંડુ પાણી કેમ્પ (૫) દરબાર રોડ મિત્ર મંડળ છાસ કેમ્પ (૬) સાંકડીશેરીના નાકે મિત્રમંડળ છાસ કેમ્પ (૭) એક ટાવર મિત્ર મંડળ ઠંડુ પાણી કેમ્પ (૮) પારેખપોળના નાકે સ્પાન ઈન્ફ્રાસ્ટ્રક્ચર બીસ્કીટ પેકેટ કેમ્પ (૯) લાયન્સ ક્લબ ઓફ વિસનગર ઠંડુ પાણી કેમ્પ (૧૦) વિસનગર ગુજરાતી સોની સમાજ કેન્ડી કેમ્પ (૧૧) ગુલઝાર પાન હાઉસ તથા લાલ દરવાજા મુસ્લીમ સમાજનુ સ્વાગત (૧૨) લાલ દરવાજા ગુંદીખાડના નાકે સોની સમાજ દ્વારા સ્વાગત (૧૩) પટણી દરવાજા શ્રી મહાકાળી ધાર્મિક મંડળ ઠંડુ પાણી કેમ્પ (૧૪) સંતશ્રી સવૈયાનાથ સેવા ટ્રસ્ટ ઠંડુ પાણી કેમ્પ (૧૫) પટણી દરવાજા ઉમિયા માતાના મંદિર આગળ ડી.જે. (૧૬) મોસાળા મહોત્સવ કમિટિ દ્વારા સ્વાગત (૧૭) નૂતન સામે જીતેન્દ્ર સ્ટીલ પરિવાર મિત્ર મંડળ છાસ કેમ્પ (૧૮) રોટરી ક્લબ ઓફ વિસનગર છાસ કેમ્પ (૧૯) જી.ડી.રોડ વેપારી મિત્ર મંડળ શરબત, ઠંડુ પાણી કેમ્પ (૨૦) જી.ડી.હાઈસ્કુલ ગેટ આગળ ડી.જે. (૨૧) સ્ટેશન રોડ શક્તિ માર્કેટ મિત્ર મંડળ ઠંડુ પાણી કેમ્પ (૨૨) તાલુકા પંચાયત સામે આમ આદમી પાર્ટી શરબત કેમ્પ (૨૩) બાગ આગળ શ્રી હડકેશ્વરી મિત્રમંડળ ડી.જે.પાર્ટી (૨૪) કોમર્સ કોલેજ આગળ ભાજપ બક્ષીપંચ મોરચો સેવા કેમ્પ (૨૫) ગુજરાત ક્ષત્રીય ઠાકોર વિકાસ સંઘ સેવા કેમ્પ (૨૬) બજરંગ ચોક વિસનગર ડાયમંડ મરચન્ટ એસો. તથા સદ્‌વિચાર મિત્રમંડળ છાસ કેમ્પ (૨૭) ત્રણ દરવાજા ટાવર પાસે વિસનગર શહેર રીક્ષા ડ્રાઈવર વેલફેર એસો. ઠંડુ પાણી કેમ્પ (૨૮) ગોવિંદચકલા યુવા મિત્ર મંડળ કેન્ડી કેમ્પ (૨૯) શીવ ફેશન ઠંડુ પાણી કેમ્પ (૩૦) ગુંદીખાડ ભાટવાડા મિત્રમંડળ શરબત કેમ્પ (૩૧) ગુંદીખાડ માંડવીચોક મનારો ઉમેદપુરી યુવક મંડળ શરબત કેમ્પ (૩૨) માય ન્યુ ઈન્ડીયા ટ્રસ્ટ ઠંડુ પાણી કેમ્પ (૩૩) ધંતુરીયા પોળના નાકે સુખડીયા પરિવાર દ્વારા સ્વાગત

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us