ઘી ભેળસેળ પ્રકરણ મામલે દુધ સાગર ડેરીના ચેરમેન સહિત પાંચ સામે ફરિયાદ
ઘી ભેળસેળ પ્રકરણ મામલે દુધ સાગર ડેરીના ચેરમેન સહિત પાંચ સામે ફરિયાદ
(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
દુધ સાગર ડેરીના ઘી ભેળસેળ પ્રકરણમાં વાઈસ ચેરમેન મોંઘજીભાઈ પટેલ, મેનેજીંગ ડીરેક્ટર નિશીથ બક્ષી અને લેબોરેટરી હેડ અલ્પેશભાઈ જૈનની ડી.વાય.એસ.પી. એમ.બી.વ્યાસની આગેવાનીમાં બી ડીવીઝન પોલીસે અટકાયત કરી હતી. જ્યાંથી કોવીડ ટેસ્ટ માટે કોવિડ હોસ્પિટલ મોકલી દીધા હતા. કોવીડ નેગેટીવ રીપોર્ટ આવ્યા પછી તેમની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરવામાં આવશે.
દુધ સાગર ડેરીના ટેન્કર હરીયાણાની પુન્હાથી મહેસાણા દુધ સાગર ડેરી આવતા ઘી ના ટેન્કર પકડી તપાસ કરતા ઘી માં ભેળસેળ હોવાનું જાણવા મળ્યુ હતું .ભેળસેળ વાળા ઘીના ટેન્કરને ડેરીના સત્તાધીશો તેમજ અધિકારીઓએ ૨૦ દિવસ સુધી ડેરીના કમ્પાઉન્ડમાં ટેન્કર મુકી રાખ્યુ પરંતુ કોઈ કાર્યવાહી કરી ન હોતી કે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગને પણ જાણ કરી ન હોતી. કોઈપણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી કર્યા વગર ટેન્કર કોન્ટ્રાક્ટરને સુપ્રત કરી દીધુ હતું. આવા એક તરફી નિર્ણયને કારણે દુધ સંઘને ૪૦ કરોડ, દુધ સંઘના પાંચ લાખ સભાસદો સાથે વિશ્વાસઘાત તેમજ ૫૦ હજાર કરોડની જેટલાની પ્રતિષ્ઠાને નુકશાન પહોંચાડવાનો પાંચ આરોપીઓ કે જેમાં ચેરમેન આશાબેન ઠાકોર, વાઈસ ચેરમેન મોંઘજીભાઈ પટેલ, મેનેજીંગ ડીરેક્ટર નિશીથ બક્ષી, લેબોરેટરી હેડ અલ્પેશ જૈન, ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાક્ટર અને તપાસમાં જે લોકોના નામ ખુલે તેવા લોકો સામે મહેસાણા શહેર બી.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા સમગ્ર ઉત્તર ગુજરાતના દુધીયા રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે.
દુધ સાગર ડેરીના વાઈસ ચેરમેન મોંઘજીભાઈ પટેલ એમ.ડી.અને લેબોરેટરી હેડની ધરપકડ
રાજકીય કિન્નાખોરીથી ફરિયાદ
દાખલ થઈ છે. અમને ન્યાયતંત્ર ઉપર ભરોસો-વાઈસ ચેરમેન મોંઘજીભાઈ પટેલ
આ ફરિયાદ બાબતે દુધ સાગર ડેરીના વાઈસ ચેરમેન મોંઘજીભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, ફુડ એન્ડ ડ્રગ્સના જે સેમ્પલો લીધા હતા તેનો અભિપ્રાય આવ્યો નથી. દુધ સાગર ડેરીએ પ્રાઈવેટ લેબમાં ૨૫૨ સેમ્પલ મોકલ્યા હતા તે તમામ પાસ થઈને આવ્યા છે. આ ફરિયાદએ રાજકીય કાવતરૂ છે. ચુંટણીના ત્રણ મહિના બાકી છે એટલે ૮૧ પ્રમાણે નોટીસો આપવી, ચુંટણી સ્થગીત કરવી અને રસ્તામાં ચોરી થઈ તે પણ એક ષડયંત્ર જ છે. પાંચ વર્ષના વહીવટમાં એક પણ માખણ, ઘી કે છાસનું સેમ્પલ તપાસ થયુ નથી. પાંચ વર્ષ સુધી ક્વોલીટીમાં નંબર વન દુધ સાગર ડેરી રહી છે. ક્વોલીટીની જાળવણી માટે ભારત સરકારે એવોર્ડ આપ્યા છે. તો પછી ત્રણ મહિના ચુંટણીના બાકી છે.ત્યારેજ આ ફરિયાદ કરવાનું નાટક કેમ ઉભુ કરવામાં આવ્યુ? વિરોધીઓ આવા ખોટા મુદ્દા ઉભા કરી દુધ સાહર ડેરીમાં સત્તા હાંસલ કરવા માટેનું કાવતરૂ ઘડાયુ છે. ૨૦૦૦ની સાલ પહેલાથી આવા ષડયંત્રો ચાલે છે. જેમાં આવી કલમ-૮૧ની જે નોટીસ આપી હતી જેમાં અમે સુપ્રિમ માંથી સ્ટે લાવ્યા હતા ફરીથી વહીવટદાર નિમવા માટેનું આ કાવતરૂ છે. અમને ન્યાતંત્ર ઉપર પુરો ભરોસો છે. અમને સાચી વાત ન્યાયતંત્ર સાંભળશે અને રાજકીય દબાણોને વશ થયા વગર અમને ન્યાય મળશે.