
ચેરમેન જશુભાઈ પટેલના પ્રયત્નો અને કમિટિના સભ્યોના સહકારથી સ્ટેન્ડીંગ કમિટિમાં ખાડા પુરવાના-ટ્રી ગાર્ડના મહત્વના ઠરાવ

ચેરમેન જશુભાઈ પટેલના પ્રયત્નો અને કમિટિના સભ્યોના સહકારથી
સ્ટેન્ડીંગ કમિટિમાં ખાડા પુરવાના-ટ્રી ગાર્ડના મહત્વના ઠરાવ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર પાલિકાના આ વખતના બોર્ડમાં સારા કાર્યોમાં પણ જુથવાદમાં રોડા નાખવાના પ્રયત્નો થયા છે. સ્ટેન્ડીંગ કમિટિમાં તાત્કાલીક ખાડા પુરવાના તથા ટ્રી ગાર્ડના મહત્વના ઠરાવ કરવામાં આવનાર હતા. જે મીટીંગનુ કોરમ ન થાય તે માટે હિતશત્રુઓ દ્વારા સભ્યોનો સંપર્ક કરાયો હતો. ત્યારે ચેરમેન જશુભાઈ પટેલના પ્રયત્નો અને કમિટિના સભ્યોના સહકારથી કમિટિમાં આવકારદાયી ઠરાવ કરવામાં આવ્યા છે.
આવનાર પાલિકાની ચુંટણીમાં વિસનગરની પ્રજાએ વિચારવાનુ છેકે, કેવા કોર્પોરેટરો પાલિકામાં ચુંટીને મોકલવાના છે. વિકાસમાં પ્રયત્નશીલ રહેતા કોર્પોરેટરો કે વિકાસમાં રોડા નાખતા કોર્પોરેટરો પસંદ કરવા તે પ્રજાએ વિચાર કરવાનો છે. સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન જશુભાઈ પટેલને તેમના ચેરમેન કાળમાં જુથવાદમાં કમિટિની એક પણ મીટીંગ કરવા દીધી નથી. સ્ટેન્ડીંગ કમિટિની છેલ્લી મીટીંગમાં મહત્વના ઠરાવો કરવાના હતા ત્યારે મીટીંગમાં કોરમ ન થાય તેવા પ્રયત્નો થયા હતા. તેમ છતાં ચેરમેન જશુભાઈ પટેલના પ્રયત્નોથી તેમની અધ્યક્ષતામાં ટીપીની મીટીંગ મળી હતી. જેમાં રાજુભાઈ ગાંધી, પી.સી.પટેલ, જગદીશભાઈ ચૌહાણ, ભરતભાઈ કે.પટેલ તથા ભરતભાઈ એસ.પટેલે હાજરી આપી હતી. આ મીટીંગમાં ચોમાસામાં ઠેર ઠેર ખાડા પડતા શહેરની પ્રજા હેરાન થતી હોવાથી સવાલા દરવાજાથી એમ.એન.કોલેજ રોડ, કાંસા ચાર રસ્તાથી લાલ દરવાજા, ત્રણ ટાવરથી પટેલવાડી સુધી રોડ ઉપર પડેલ ખાડા તાત્કાલીક પુરવા ઠરાવ કરવામાં આવ્યો હતો. શહેરમાં ગત અઠવાડીયે પાલિકાએ વેટ મીક્સ નાખી ખાડા પુર્યા તે સ્ટેન્ડીંગ કમિટિના ઠરાવનો પ્રતાપ હતો.
આ સીવાય પાલિકા દ્વારા હલકી ગુણવત્તાના અને પ્લાસ્ટીકના ટ્રી ગાર્ડ લગાવવામાં આવતા વળી જતા હોવાથી તેમજ ગાયો આવા ટ્રી ગાર્ડ ઉખાડી નાખતી હોવાથી મજબુત લોખંડના ટ્રી ગાર્ડ લગાવી તેની ઉપર જાહેરાતનો કોન્ટ્રાક્ટ આપી ટ્રી ગાર્ડના ૫૦ ટકા ખર્ચ જાહેરાત લગાવનાર એજન્સી પાસેથી વસુલવાનો ખુબજ મહત્વનો ઠરાવ કરાયો હતો. જો આ ઠરાવનો અમલ થાય તો ટ્રી ગાર્ડનો ૫૦ ટકા ખર્ચ નીકળી જાય અને લોખંડના મજબુત ટ્રી ગાર્ડ હોય તો વૃક્ષો પણ મોટા થાય. શહેરના પ્રવેશ માર્ગો ઉપર વિસનગર પાલિકા આપનુ હાર્દિક સ્વાગત કરે છે તેવા ૬ ટ ૪ ના બોર્ડ લગાવી જાહેરાત એજન્સીને બોર્ડ નીચે જાહેરાતની છુટ આપવામાં આવે તો બોર્ડ લગાવવાનો ૫૦ ટકા ખર્ચ નીકળી જાય. સોસાયટીઓમાં ઝાડ કાપવામાં આવે તેનો કચરો ઉઠાવવાની પાલિકા પાસે કોઈ વ્યવસ્થા નથી. ત્યારે કાપેલા વૃક્ષોના ડાળખા અને પાદડાનો કચરો ઉઠાવવા ફરિયાદ રજીસ્ટર નિભાવી તેનો ક્રમશઃ નિકાલ કરવા ઠરાવ કરવામાં આવ્યો હતો. દુકાનો આગળની માટી સફાઈ કર્મચારીઓ સાફ નહી કરતાં આવી માટી જામી જવાથી ચોમાસામાં કીચ્ચડ જેવી પરિસ્થિતિ સર્જાય છે. જે માટી ઉખાડીને સાફ કરવાનો ઠરાવ પણ કરવામાં આવ્યો હતો. સોસાયટી વિસ્તારમાં નાગરિકોને બેસવા માટે વોર્ડ દીઠ ૫૦ બાકડા મુકવા માટે ૫૦૦ બાકડા ખરીદવાનો પણ ઠરાવ કરાયો હતો. સ્ટેન્ડીંગ કમિટિમાં આવા લોકહિતના ઠરાવ હતા. ત્યારે કેટલાક દ્વારા આ કમિટિની મીટીંગમાં કોરમ ન થાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. પરંતુ ચેરમેન જશુભાઈ પટેલ તથા કમિટિના સભ્યોના સહકારથી આ મહત્વના ઠરાવ કરવામાં આવ્યા હતા.