વિસનગર તાલુકા ખરીદ વેચાણ સંઘમાં વહીવટદાર રાજ
આઠ મહિનાથી ચાલતા કાયદાકીય અને રાજકીય દાવપેચનો અંત
વિસનગર તાલુકા ખરીદ વેચાણ સંઘમાં વહીવટદાર રાજ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર તાલુકા ખરીદ વેચાણ સંઘની મુખ્ય ઓફીસ તથા ગંજબજારના ગોડાઉન ઉપર જીલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓના આદેશથી સંઘની વ્યવસ્થાપક કમિટીને દુર કરી વહીવટદારની નિમણુંક કરી હોવાની નોટીસ ચોટાડવામાં આવતા સંઘમાં છેલ્લા આઠ મહિનાથી ચાલતા કાયદાકીય અને રાજકીય દાવપેચનો અંત આવ્યો હતો. કારણ ગમે તે હોય પરંતુ સંઘના દુર કરાયેલા હોદ્દેદારો સાથે કોઈજ પ્રકારની લેવડ દેવડ કરવી નહી તેવા નોટીસમાં ઉલ્લેખથી ભારે ચકચાર જાગી હતી.
વિસનગર તાલુકા ખરીદ વેચાણ સંઘના રીઓડીટનો વિવાદ છેલ્લા આઠ માસથી ચાલી રહ્યો છે. આ વિવાદ સંઘના વહીવટદારની નિમણુંક સુધીનો હશે તેવી સંઘના હોદ્દેદારોએ કલ્પના પણ કરી નહી હોય. તાલુકા સંઘ સાથે સંકળાયેલી આઠ મંડળીના ૮ સભાસદો દ્વારા સંઘમાં ગેરવહીવટ ચાલતો હોવાની તથા વહીવટમાં બેદરકારી, નિષ્કાળજી દાખવી હોવાના ૧૩ મુદ્દા સાથે તા.૧-૪-૧૫ થી ૩૧-૩-૧૯ સુધી રીઓડીટની માગણી કરતા સંઘના હોદ્દેદારોના પગતળેથી જમીન સરકી પડી હતી. ખાસ અન્વેષકશ્રી સહકારી મંડળીઓ(વિભાગીય) અમદાવાદ સમક્ષ તા.૨૩-૧-૨૦૨૦ ના રોજ અરજદારો દ્વારા થયેલી અરજી આધારે રીઓડીટનો હુકમ કરવામાં આવતા રીઓડીટ ન થાય તે માટે ભારે ધમપછાડા કરવામાં આવ્યા હતા. એક તરફે સંઘના ચેરમેન કે.કે.ચૌધરી અમે રીઓડીટ માટે તૈયાર છીએ તેવી વાતો કરતા હતા, જ્યારે બીજી બાજુ રીઓડીટના હુકમ સામે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં લાખ્ખોની ફી ખર્ચવામાં આવી હતી. જે કાયદાકીય દાવપેચની લડાઈમાં સુપ્રીમ કોર્ટ તાલુકા સંઘની અપીલ ફગાવતા સંયુક્ત રજીસ્ટ્રાર અને ખાસ અન્વેષકશ્રી સહકારી મંડળીઓ(વિભાગીય) અમદાવાદના આદેશથી તા.૨૭-૫ થી ૮-૬-૨૦૨૦ સુધીમાં ઓડીટ પ્રક્રિયા પુર્ણ કરવામાં આવી હતી. ઓડીટરના અહેવાલમાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયો હતો કે, સંઘના વ્યવસ્થાપક મંડળના સભ્યો દ્વારા તેમને સોપવામાં આવેલ ફરજો બજાવવામાં કસુર કરેલ છે અને નાણાંકીય અનિયમિતતાઓ તથા કાયદાના નિયમો અને પેટા નિયમોનો ભંગ કર્યો છે. સંઘના વ્યવસ્થાપક મંડળ સામે ગુજરાત સહકારી મંડળીઓ અધિનિયમ કલમ-૮૧ અન્વયેની કાર્યવાહી કરવા ઓડીટરે ભલામણ કરી હતી.
ઓડીટરના આ અહેવાલ અન્વયે જીલ્લા રજીસ્ટ્રાર દ્વારા તા.૨૦-૬-૨૦ ના રોજ સંંઘના વ્યવસ્થાપક સમિતિને કારણ દર્શક નોટીસ આપી હતી કે, હોદ્દા ઉપરથી દુર કેમ ન કરવા? ત્યારબાદ સંઘ દ્વારા મુદતો માગવામાં આવતા તા.૧૩-૭-૨૦ અને તા.૨૦-૭-૨૦ નારોજ સુનાવણી રાખવામાં આવી હતી. જેમાં સંઘ દ્વારા એકજ જવાબ આપવામાં આવતો હતો કે, હાઈકોર્ટમાં લીટીગેશન ચાલતુ હોવાથી મુદત આપવી. આ દરમ્યાન સંઘ દ્વારા ૮ અધિકારીઓ દ્વારા રેકર્ડ જપ્તીની જે કાર્યવાહી કરવામાં આવી હતી તે અયોગ્ય ઠેરવવા, નાયબ સચીવ દ્વારા રીઓડીટનો જે હુકમ કરવામાં આવ્યો છે તે પક્ષપાતી હોવાથી રદ કરવા, ઓડીટર કે.ડી.તુરીએ જે અહેવાલ રજુ કર્યો છે તે પક્ષપાતી, ઓછી સમય મર્યાદામાં અહેવાલ આપ્યો છે. યોગ્ય નિર્ણય લીધો નહી હોવાથી અહેવાલ રદ કરવા તથા જીલ્લા રજીસ્ટ્રારે કલમ ૮૧ અન્વયે જે કારણદર્શક નોટીસ આપી છે તે રદ કરવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. પરંતુ છેલ્લે તા.૧૧-૮-૨૦૨૦ ની સુનાવણીમાં સંઘ દ્વારા હાઈકોર્ટમાં કરવામાં આવેલ બન્ને પીટીશનમાં હાઈકોર્ટે કોઈ નોટીસ ઈશ્યુ નહી કરતા કે જીલ્લા રજીસ્ટ્રારની નોટીસ સામે કોઈ મનાઈ હુકમ હોવાના આધાર પુરાવા રજુ નહી કરતા જીલ્લા રજીસ્ટ્રાર દ્વારા સંઘનો વહીવટ ચલાવવા માટે વહીવટદાર તરીકે શ્રી પી.કે.ચૌહાણ સહકારી(બજાર) લગત જીલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ મહેસાણાની એક વર્ષ અથવા ચુંટાયેલી સમિતિ કાર્યભાળ સંભાળે ત્યા સુધીની મુદત માટે નિમણુંક કરવા હુકમ કર્યો હતો.
જીલ્લા રજીસ્ટ્રારના સંઘમાં વહીવટદારની નિમણુંક માટેના હુકમ આધારે વહીવટદાર દ્વારા તા.૧૩-૮ ના રોજ સંઘની મુખ્ય ઓફીસ તથા સંઘના ગંજબજારના ગોડાઉન ઉપર સંઘના હાલની વ્યવસ્થાપક કમિટીને દુર કરી વહીવટદાર તરીકે નિમણુંક કરી હોવાની તા.૧૧-૮-૨૦૨૦ ના રોજ એક તરફી ચાર્જ સંભાળી લીધેલ હોવાની તથા વહીવટદારની સુચના વગર સંઘના દુર કરાયેલા હોદ્દેદારો સાથે કોઈજ પ્રકારની લેવડ દેવડ સહિતની કોઈજ કાર્યવાહી નહી કરવા નોટીસ ચોટાડવામાં આવી હતી.