Select Page

રિધ્ધિ સિધ્ધિ ફ્લેટના રહિસોનો પ્રશ્ન-બીયુ કયા આધારે આપ્યુ

રિધ્ધિ સિધ્ધિ ફ્લેટના રહિસોનો પ્રશ્ન-બીયુ કયા આધારે આપ્યુ

પાલિકાની ફાયર સેફ્ટીની નોટીસ આપી સીલ મારવાની કાર્યવાહીથી રોષ

રિધ્ધિ સિધ્ધિ ફ્લેટના રહિસોનો પ્રશ્ન-બીયુ કયા આધારે આપ્યુ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
રિધ્ધિ સિધ્ધિ એપાર્ટમેન્ટના બીલ્ડરો ફ્લેટ માલિકોને પઝેશન આપતા નથી. મેઈન્ટેનન્સ પેટે ઉઘરાવેલ ડિપોઝીટ આપતા નથી. મેઈન્ટેનન્સ માટે માસિક હપ્તો આપવો પડે છે. આવા સંજોગોમાં ફાયર સેફ્ટીના સાધનો મુકવામાં નહી આવતા પાલિકા દ્વારા સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવતા ફ્લેટના રહિસો રોષે ભરાયા છે. ફ્લેટના રહિસોનો એકજ પ્રશ્ન છેકે બીલ્ડરને બીયુ પરમિશન કયા આધારે આપવામાં આવ્યુ. જે તે વખતના ચીફ ઓફીસર તેમના મળતીયા કર્મચારીઓ તથા બીલ્ડરની સાંઠગાંઠથી અત્યારે ફ્લેટના રહિસોને સહન કરવાનો વારો આવ્યો છે.
વિસનગરમાં દિપરા દરવાજા વિસ્તારમાં આવેલ રિધ્ધિ સિધ્ધિ એપાર્ટમેન્ટના રહિસો ઉપર એક પછી એક આફત આવી રહી છે. આ ફ્લેટના રહિસોની દશા જોઈ બહારના શાહુકાર કરતા ઘરનો ચોર સારો તે કહેવત સાચી ઠરી છે. બહારગામના બીલ્ડરો દ્વારા ફ્લેટની સ્કીમ બનાવી જે રીતે ફ્લેટ માલિકોને ફસાવ્યા છે તે જોતા હવે આવનાર સમયમાં વિસનગરમાં બહારગામના બીલ્ડર દ્વારા મુકવામાં આવેલી સ્કીમમાં કોઈ વિશ્વાસ નહી મુકે તે ચોક્કસ વાત છે. આ ફ્લેટના બીલ્ડરો દ્વારા સ્કીમ પુરી કરવામાં આવી નથી. મેઈન્ટેનન્સ પેટે ફ્લેટ દીઠ રૂા.૨૫૦૦૦/- લેવામાં આવ્યા હતા. જે લાખ્ખોની રકમ બીલ્ડર ચાઉ કરી જતા આપતા નથી. ફ્લેટ માલિકોને મેઈન્ટેનન્સ પેટે માસિક રૂા.૬૦૦/- ખર્ચ ભોગવવો પડે છે. આવા સંજોગોમાં ફ્લેટના રહિસો ઉપર ફાયર સેફ્ટીની નવી આફત આવીને પડી છે. પાલિકા દ્વારા ફ્લેટના તમામ બીલ્ડીંગમાં ફાયર સેફ્ટી માટેના સાધનો લગાવવા નોટીસ આપવામાં આવી હતી. ફ્લેટમાં રહેતા મધ્યમ વર્ગના રહિસોને ફાયર સેફ્ટી માટે રૂા.૨૦ થી ૨૫ લાખનો ખર્ચ પોષાય તેમ નથી.
ફ્લેટમાં ફાયર સેફ્ટીના સાધનો લગાવવામાં નહી આવતા પાલિકા દ્વારા બીલ્ડીંગ સીલ કરવાની નોટીસ આપવામાં આવી હતી. આ સ્કીમના સાત ટાવરમાં ૧૧૨ ફ્લેટ આવેલા છે. જેમાં મોટાભાગના ફ્લેટમાં પરિવારોનો વસવાટ છે. ત્યારે પાલિકા દ્વારા ફ્લેટને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવતા ફ્લેટ માલિકોમાં ભારે રોષ ફેલાયો હતો. બીલ્ડર સામે કાર્યવાહી કરવામાં પુંછડી દબાવનાર પાલિકા તંત્ર ફ્લેટના રહિસો સામે લાલ આંખ કરતા આ કાર્યવાહીથી ફ્લેટ માલિકોએ પાલિકામાં ભારે હોબાળો મચાવ્યો હતો. જેતે વખતના ચીફ ઓફીસર અને મળતીયા પાલિકા કર્મચારીઓની બીલ્ડર સાથેની સાંઠગાંઠના કારણે બી.યુ. પરમિશન આપવામાં આવ્યુ હતુ. જે બી.યુ. પરમિશન આધારે ફ્લેટ ખરીદાયા હતા. અને હવે ફાયર સેફ્ટી માટેની કાર્યવાહીથી ફ્લેટ માલિકોનો રોષ હતો કે બી.યુ. કયા આધારે આપવામાં આવ્યુ હતુ. જેમાં ફ્લેટના રહિસો દ્વારા આર.ટી.આઈ. પણ કરવામાં આવી છે.