Select Page

કિલો શાક, કિલો સફરજન, ચા-પાણીના પૈસા મળતા હોવાની વાયકા… માસ્કની રૂા.૧૦૦૦ ની પાવતી ફાડવાની મહેનત શા માટે!

કિલો શાક, કિલો સફરજન, ચા-પાણીના પૈસા મળતા હોવાની વાયકા… માસ્કની રૂા.૧૦૦૦ ની પાવતી ફાડવાની મહેનત શા માટે!

કિલો શાક, કિલો સફરજન, ચા-પાણીના પૈસા મળતા હોવાની વાયકા…
માસ્કની રૂા.૧૦૦૦ ની પાવતી ફાડવાની મહેનત શા માટે!
તંત્રી સ્થાનેથી
કોરોના રોગનો વ્યાપ દિવસે દિવસે વધી રહ્યો છે. તંત્ર પાસે નથી તેની કોઈ રસી કે રોગને રોકવાની શક્તિશાળી દવા. ફક્ત એક માસ્ક એવી ચીજ છે જે કોરોના સામે બચાવ કરી શકે છે. જેથી તંત્ર માસ્ક પહેરવા માટે વધારેમાં વધારે ભાર મુકી રહ્યુ છે. જોકે લોકો માસ્કની વધારેમાં વધારે અવગણના કરે છે. કેન્દ્ર સરકારે માસ્ક ન પહેરનાર માટે ૫૦૦/- રૂા. દંડની જોગવાઈ કરી તે સામે રાજ્ય સરકારે માસ્ક નહીં પહેરનારને રૂા.૧૦૦૦/- ના દંડની જોગવાઈ કરી અખબારોમાં મોટા મોટા હેડીંગથી સી.એમ.રૂપાણી અને મંત્રી મંડળના વખાણ થયા પણ માસ્કનો રૂા.૧૦૦૦/- દંડ ભરવા કોઈ સંમત ન થાય તો પોલીસ તંત્ર ઉપર એવી કોઈ સુચના કે આનો કોઈ પરિપત્ર નથી કે દંડ ન ભરનાર સામે કઈ કાર્યવાહી કરવી, કઈ કલમ લાગુ પડે. આવુ ને આવુ પાલિકા તંત્ર માટે છે. પાલિકા અધિકારી, કર્મચારીઓને સુચના આપી દે છેકે, માસ્ક ન પહેરનારને દંડ કરો. પણ દંડ ભરવા માટે એટલી માથાકુટ થાય છે કે પાલિકા કર્મચારીઓ થાકી જાય છે. એમની પાસે આવી દંડ વસુલવાની કોઈ સીધી સત્તા નથી. બજારમાં લારીવાળા, કેટલીક દુકાનોવાળા અને મોટાભાગના ગામડેથી આવતા રાહદારીઓ માસ્ક વિના જોવા મળે છે. તે સાબીત કરે છેકે માસ્કવાળા ૧૦૦૦/- રૂા.ના કાયદાનો કોઈની કોઈ જગ્યાએ દુરઉપયોગ થાય છે કે તેનો અમલ નથી. અમદાવાદમાં મોટા મોટા મોલ માટે પોલીસ તંત્ર અને એએમસીના કર્મચારીઓ માસ્ક નહીં પહેરવાના તથા સોશીયલ ડીસ્ટન્સ નહી જાળવવાના કારણે મોલ, મોટી દુકાનો સીલ કરી શકે છે. વિસનગર શહેરમાં કોઈપણ શાકભાજીની લારીવાળા માસ્ક પહેરતા નથી અને માસ્ક ન પહેર્યુ હોય તેવા ગ્રાહકોને કોઈની પરવા કર્યા વિના બિન રોકટોક શાકભાજી આપી વેપાર કરે છે. તો અમદાવાદના મોલને જેમ સીલ કરાય છે તેમ પોલીસવાળા અને પાલિકા તંત્રના કર્મચારીઓ માસ્ક ન પહેર્યુ હોય તે અને લારી ઉપર સોશીયલ ડીસ્ટન્સ ન જળવાતુ હોય એવી લારીઓ જપ્ત કરી શાકભાજી ગાયોને ખવડાવવામાં આવે તો, એકાદ-બે લારીવાળા દંડાય બાકીના આપોઆપ માસ્ક પહેરતા થઈ જાય. અત્યાર સુધી નગરપાલિકાએ જે લારીઓ જપ્ત કરી તે લારીઓ ફાયર સ્ટેશને જઈ ૧૦૦/- રૂા. દંડ અને ૧૦૦/- રૂા. પેનલ્ટી એકની પાવતી આપવાની અને એકની નહી તેવી કાર્યવાહી કરી તેવુ કહેવાય છે. આમા ફક્ત કાયદાનો દુરઉપયોગ કરી કેટલાક પાલિકા અને પોલીસ કર્મચારીઓ દંડના બદલામાં શાકભાજી, ફ્રૂટ અને રોકડ લેવાની કાર્યવાહી થતી હોવાની ચર્ચા છે. ચર્ચા મહદ્‌ અંશે સાચી છે. કેમ કે કોઈને ૧૦૦૦/- રૂા. દંડ થયાની માહિતી મળતી નથી કે દંડ કર્યો હોય તેવુ ચર્ચામાં સંભળાતુ નથી. કદાચ કોઈ થોડા ઘણા બતાવવા પૂરતા દંડ કર્યા પણ હોય. વિસનગર પાલિકા ચીફ ઓફીસર તેમના હાથ નીચેના કર્મચારીઓને સુચના આપે કે, રોજના માસ્ક વિનાના ચોક્કસ સંખ્યામાં દંડ કરી આટલા હજાર રૂપિયા ભેગા કરવા અથવા શાકભાજી, ફ્રૂટની લારીઓ જપ્ત કરો. વિસનગર પી.આઈ. પણ તેમના સ્ટાફને સુચના આપે કે, જીલ્લામાંથી ટાર્ગેટ મલે છેકે, દારૂ જુગારના આટલા કેસ કરો જેથી સાચા ખોટા પણ કેસ થાય છે. તેમ પી.આઈ.શ્રી માસ્ક માટેનો દંડ કરવા માટે તાબાના કર્મચારીઓને સુચના આપે કે રોજના માસ્ક વિનાના કેસ ચોક્કસ કરો. આવો ટાર્ગેટ અપાય તોજ લોકો માસ્ક પહેરતા થશે અને તોજ કોરોનાનું સંક્રમણ અટકશે. લોકવાયકા મુજબ બન્ને પી(પોલીસ અને પાલિકા)ને રોજનુ કિલો શાક, કિલો ફ્રૂટ અને ચા-પાણીના પૈસા મળી જતા હોય તો શા માટે સરકારનો ૧૦૦૦/- રૂા. ના દંડની પાવતી ફાડવી. લોકચર્ચા એવી પણ છેકે કર્મચારીઓ દ્વારા કરાયેલુ ઉઘરાણું, શાકભાજી ઉપરના અધિકારીઓ સુધી પણ પહોંચતુ હોય.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us