Select Page

ખાનગી લેબમાં પોઝીટીવ રીપોર્ટ બાદ ત્રણ નેગેટીવ રીપોર્ટ

ખાનગી લેબમાં પોઝીટીવ રીપોર્ટ બાદ ત્રણ નેગેટીવ રીપોર્ટ

વિસનગરના વેપારીને દુબઈ જવા ખાનગી લેબમાં કોરોના રીપોર્ટ કઢાવતા કડવો અનુભવ થયો

ખાનગી લેબમાં પોઝીટીવ રીપોર્ટ બાદ ત્રણ નેગેટીવ રીપોર્ટ

ખોટા રીપોર્ટ આપી કોરોનાનો હાઉ ઉભો કરવામાં આવતો હોવાનો યુવાન વેપારીના સબંધીનો આક્ષેપ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
કોરોના પોઝીટીવ રીપોર્ટ આવતાજ સમગ્ર પરિવારમાં ચીંતા ફરી વળે છે. કન્ટેન્મેન્ટ થશે તો બાકીના સભ્યોની હાલત શુ થશે? પરિવારમાંથી બીજા કેટલાને પોઝીટીવ આવશે? હોસ્પિટલમાં જગ્યા મળશે કે નહી? સારવાર કેવી મળશે? જેવી અનેક ચીંતાઓના વાદળો પરિવાર ઉપર ઘેરાઈ જાય છે. ત્યારે વિસનગરના એક વેપારીને દુબઈ જવાનુ હોવાથી ખાનગી લેબમાં રીપોર્ટ કરાવતા કોરોના પોઝીટીવ હોવાનો રીપોર્ટ આવ્યો હતો. ત્યારબાદ ગભરાયા વગર ત્રણ જગ્યાએ ટેસ્ટ કરાવતા રીપોર્ટ નેગેટીવ આવતા વેપારીના સબંધીએ આક્ષેપ કર્યો છેકે, ખોટા પોઝીટીવ રીપોર્ટ આપી કોરોનાનો હાઉ ઉભો કરવામાં આવી રહ્યો છે.
વિસનગર ગોવિંદચકલા વિસ્તારમાં પટેલનગર સોસાયટીમાં રહેતા ૨૫ વર્ષના યુવાન હર્ષ કનુભાઈ પટેલ દુબઈમાં ગોલ્ડ રીફાઈનરીના ભાગીદાર છે. જેઓ લોકડાઉન દરમ્યાન દુબઈથી વિસનગર આવ્યા હતા. જેમણે દુબઈ જવા ટીકીટ લેતા બોમ્બે એરપોર્ટ પરથી સુચના મળી હતી કે, કોવીડ-૧૯ નો નેગેટીવ રીપોર્ટ હોય તોજ મુસાફરી કરવા મળશે. આ યુવાને પ્રથમ વિસનગરમાં અર્બન હેલ્થમાં તા.૧૮-૮-૨૦ ના રોજ રીપોર્ટ કરાવતા કોરોના નેગેટીવ રીપોર્ટ આવ્યો હતો. ગવર્નમેન્ટમાં રીપોર્ટ બાદ કોઈ સર્ટીફીકેટ આપવામાં આવતુ નહી હોવાથી લેખીત રીપોર્ટ આપતી ખાનગી લેબમાં કોરોના ટેસ્ટ કરાવવા સુચના મળી હતી. ર્ડાક્ટરની પ્રીસ્ક્રીપ્શન બાદ સ્ટર્લીંગ એક્યુરીસ ડાયગ્નોસ્ટીક મહેસાણા દ્વારા તા.૧૯-૮ ના રોજ આર.ટી.પી.સી.આર.નુ સેમ્પલ લેવામાં આવ્યુ હતુ. જેમાં બીજા દિવસે કોરોના પોઝીટીવ રીપોર્ટ આપવામાં આવ્યો હતો. સરકારના અર્બન હેલ્થમાં નેગેટીવ રીપોર્ટ બાદ ખાનગી લેબનો પોઝીટીવ રીપોર્ટ આવતા હર્ષ પટેલનો પરિવાર ચીંતામાં આવી ગયો હતો. દુબઈની ટીકીટ કરાવી હતી. જવાની તૈયારીઓ થઈ ગઈ હતી. પોઝીટીવ રીપોર્ટ આવ્યો તો ઘરને કન્ટેન્મેન્ટ કરાશે. ઘરમાં બીજા કેટલાને પોઝીટીવ આવશે વિગેરે ચીંતાઓ પરિવારને સતાવવા લાગી હતી. કન્ટેન્મેન્ટ કરવા તથા પરિવારના અન્ય સભ્યોના આરોગ્યની પુછપરછ માટે આરોગ્ય વિભાગના ફોન પણ શરૂ થઈ ગયા હતા.
અર્બન હેલ્થનો નેગેટીવ રીપોર્ટ હોવાથી હર્ષ પટેલના સબંધી સુભાષભાઈ પટેલ(ફય્ઇ) એ સલાહ આપી હતી કે, બીજા ખાનગી લેબમાં રીપોર્ટ કરાવો તો સાચો ખ્યાલ આવે. હર્ષ પટેલે અમદાવાદની ન્યુબર્ગ સુપરટેક લેબોરેટરીમાં રીપોર્ટ કરાવતા કોરોના નેગેટીવ રીપોર્ટ આવ્યો હતો. ત્યારબાદ હેલ્થ સર્ટીની જરૂરીયાત જણાતા જી.એમ.ઈ.આર.એસ. વડનગર મેડિકલ હોસ્પિટલમાં તમામ ટેસ્ટ કરાવતા તેમાં પણ કોવીડ-૧૯ ના કોઈ લક્ષણો નહી હોવાનુ હેલ્થ સર્ટીમાં જણાવ્યુ હતુ. નેગેટીવ રીપોર્ટ અને હેલ્થ સર્ટી આધારે હર્ષ પટેલ દુબઈ પહોચતા ત્યાંની સરકાર દ્વારા કોરોના ટેસ્ટ કરવામાં આવતા તે રીપોર્ટ પણ નેગેટીવ આવ્યો હતો.
હર્ષ પટેલના મિત્ર તથા ભાગીદાર સુભાષભાઈ પટેલ(ફય્ઇ) દ્વારા સમાજને અપીલ કરવામાં આવી છેકે, હાલમાં ખાનગી લેબોરેટરી દ્વારા કોરોનાના જે પોઝીટીવ રીપોર્ટ આપવામાં આવે છે તેને સાચા માનવાની કોઈ જરૂર નથી. સુભાષભાઈ પટેલે આક્ષેપ કર્યો હતો કે ખાનગી લેબ દ્વારા પોઝીટીવ રીપોર્ટ આપી મહામારીમાં ખોટો હાઉ ઉભો કરવામાં આવી રહ્યો છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us