રસ્તા માટે વહેળામાં પાઈપો મુકવી ગેરકાયદેસર-નાયબ મુખ્યમંત્રી
વિસનગર શહેરનુ વરસાદી પાણી રોકતી પ્રવૃત્તિ સામે લાલ આંખ
રસ્તા માટે વહેળામાં પાઈપો મુકવી ગેરકાયદેસર-નાયબ મુખ્યમંત્રી
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની અધ્યક્ષતામાં જીલ્લામાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાતા તેની સમીક્ષા માટે એક મીટીંગ યોજાઈ હતી. જેમાં નાયબ મુખ્યમંત્રીએ વરસાદી પાણીના નિકાલના વહેળામાં રસ્તા માટે પાઈપો મુકવાની પ્રવૃત્તિને ગેરકાયદેસર ગણાવી હતી. આ મીટીંગમાં હાજર ધારાસભ્ય ઋષિભાઈ પટેલે શહેરમાં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે રજુઆત કરી હતી. જ્યારે શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ પટેલે શહેરના વહેળામાં બીલ્ડરો દ્વારા પાઈપો મુકવામાં આવતા તેની સામે કાર્યવાહી કરવા રજુઆત કરી હતી.
મહેસાણા જીલ્લામાં ભારે વરસાદ થતાં પાણી ભરાતા સર્જાયેલ પરિસ્થિતિની સમીક્ષા માટે તા.૨૪-૮ના રોજ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની અધ્યક્ષતામાં મીટીંગ મળી હતી. આ મીટીંગમાં કલેક્ટર એચ.કે.પટેલ, જીલ્લાના અન્ય અધિકારીઓ, વિસનગર ધારાસભ્ય ઋષિભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ પટેલ, પ્રાન્ત ઓફીસર સી.સી.પટેલ, ચીફ ઓફીસર અશ્વીનભાઈ પાઠક તથા પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીએ હાજરી આપી હતી. આ મીટીંગમાં વરસાદી પાણી ભરાવા માટેનુ કારણ જણાવ્યુ હતું કે, શહેરના વરસાદી પાણીના નિકાલ કરતા વહેળામાં બીલ્ડરો દ્વારા રસ્તા માટે પાઈપો મુકવામાં આવે છે. જે પાઈપો વરસાદી પાણીનુ ગળતર નહી કરતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય છે. ત્યારે નાયબ મુખ્યમંત્રીએ વહેળામાં પાઈપો મુકવાની પ્રવૃત્તિને ગેરકાયદેસર ગણાવી હતી. આવી રીતે વહેળામાં પાઈપો મુકી હોય તો યોગ્ય કાર્યવાહી કરવા સુચન કર્યુ હતુ.
આ મીટીંગમાં ધારાસભ્ય ઋષિભાઈ પટેલે રામદેવપીર મંદિરથી કાંસા થઈ પુદગામ નદી સુધી વરસાદી પાણીના નિકાલ માટે ખુલ્લી કેનાલ બનાવવા, ગંજબજારથી કાંસા ચાર રસ્તા સુધી ભરાતુ વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવા, ગ્રામ્ય વિસ્તારના ખરાબ થયેલા રોડ ઝડપી રીપેરીંગ કરવા, સવાલા દરવાજાથી એમ.એન.કોલેજ રોડ ઉપર ભરાતા વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવા તથા ગ્રામ્ય વિસ્તારના રોડની આજુબાજુ વધેલા બાવળ કટીંગ કરવા રજુઆત કરી હતી.
આ મીટીંગમાં ઉપસ્થિત વિસનગર શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ પટેલ દ્વારા નાયબ મુખ્યમંત્રી સમક્ષ રજુઆત કરવામાં આવી હતી કે, વિસનગર શહેરની મધ્યમાંથી પસાર થતાં વરસાદી પાણીના વહેળામાં મહેસાણા રોડ ઉપરની સંસ્કૃતિ બંગ્લોઝ આગળ પાઈપો મુકવામાં આવી છે. સંસ્કૃતિ બંગ્લોઝના રસ્તા માટે વહેળા ઉપર આર.સી.સી.નો રસ્તો બનાવવામાં આવ્યો છે તે પણ નાનો છે. ભારે વરસાદમાં પાણીનુ ગળતર કરી શકે તેમ નથી. આ પ્રવૃત્તિ ચલાવી લેવામાં આવશે તો સંસ્કૃતિ બંગ્લોઝની આગળ પણ જે સ્કીમો બનશે તેમાં બીલ્ડરો પાઈપો નાખશે કે આર.સી.સી.ના રસ્તા બનાવશે. તો ભારે વરસાદમાં પાણી ભરાતા નીચાણવાળા વિસ્તારો ડુબમાં જશે. જેમાં નાયબ મુખ્યમંત્રીએ જીલ્લા તંત્રને ઓર્ડર કર્યો હતો કે, પાઈપો કે ભૂંગળા તો મુકવાજ નહી. વહેળા ઉપર રસ્તો બનાવવો હોય તો પાલિકા ચીફ ઓફીસર અને માર્ગ મકાન વિભાગને સાથે રાખી પાણી કેટલુ વહન થાય છે તેની ટેકનીકલ ગણતરી કરીનેજ આર.સી.સી.નાળુ બનાવવુ. નાયબ મુખ્યમંત્રીના આ ઓર્ડર બાદ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ પટેલે માર્ગ મકાન વિભાગના ઓફીસરને સાથે રાખી સંસ્કૃતિ બંગ્લોઝ આગળના વહેળામાં જે પુરાણ કરી પાઈપો મુકવામાં આવી છે તેની માહિતી મેળવવા સ્થળ તપાસ કરી હતી. જેમાં સરકારી વહેળામાં દબાણ થયુ હોવાનુ પણ જણાયુ હતુ. વિજયભાઈ પટેલે પ્રચારને જણાવ્યુ હતું કે, સરકાર પાસે સરકારી વહેળાનુ જે માપ હશે તેટલો વહેળો ખુલ્લો કરવા કાર્યવાહી કરવામાં આવશે. ૧૯૯૭ નુ પુર યાદ કરતા જણાવ્યુ હતું કે, આ પુરમાં કોમર્શિયલ સેન્ટર નીચેના ભોયરામાં ઉપરના ભાગે અડીને પાણી જતુ હતુ. સંસ્કૃતિ બંગ્લોઝ આગળ આર.સી.સી.નુ નાળુ બનાવ્યુ છે તેમાંથી પુર હોનારતમાં પાણીનો નિકાલ થાય નહી. આજ પરિસ્થિતિ રહે તો પાંચ દસ વર્ષે જ્યારે પણ ભારે વરસાદ પડે ત્યારે અડધુ શહેર ડુબમાં જશે. નાયબ મુખ્યમંત્રીશ્રીએ કરેલા ઓર્ડર પ્રમાણે વહેળાના ભાગે આવી પાઈપો હશે તે કાઢવાની કડક કાર્યવાહી કરવામાં આવશે.