કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલે નિયામકનો ઉધડો લીધો
પી.એમ.એ.વાય.શાખાના કર્મચારીઓને કારણ વગર છુટા કરી મળતીયાઓની નિમણુક કરતા હોબાળો
- મહેસાણા નિયામક એચ.એમ.ચાવડા પોતાના મળતીયા લગતા વળગતા લોકોને ગોઠવવા કોઈપણ બ્હાને કર્મચારીઓને છુટા કરતા હોવાની ચર્ચાઓ થઈ રહી છે
મહેસાણા જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના શાખાના જીલ્લાના આઠ (૮) આઉટસોર્સ કર્મચારીઓને શૈક્ષણિક લાયકાતના મુદ્દે છુટા કરવામાં આવતા સમગ્ર જીલ્લામાં ભારે ચકચાર જાગી છે. છુટા કરેલા કર્મચારીઓમાં પોતાના મળતીયા ત્રણ કર્મચારીઓની નિમણુક કરતા આ બાબતે કર્મચારીઓએ ગાંધીનગર કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલને રજુઆત કરી હતી. જેમાં મંત્રી ઋષિભાઈ પટેલે અગાઉની જેમ કોઈપણ બહાને આઉટશોર્સ કર્મચારીઓને રાતોરાત છુટા કરવાનો તખ્તો ગોઠવતા નિયામક એચ.એમ.ચાવડાનો બરાબરનો ઉધડો લીધો હતો.
ભાજપ સરકાર શિક્ષિત બેરોજગાર લોકોને રોજગારી આપવાના સતત પ્રયત્નો કરે છે. ત્યારે કેટલાક અધિકારીઓ પોતાની સત્તાનો દુર ઉપયોગ કરી યેનકેન પ્રકારે નાના કર્મચારીઓની રોજગારી છીનવી રહ્યા છે. જેમાં મહેસાણા જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એચ.એમ.ચાવડાએ તો જાણે જીલ્લાના આઉટસોર્સ કર્મચારીઓને છુટા કરવાનો ટાર્ગેટ લીધો હોય તેમ કોઈપણ બહાને કર્મચારીઓને રાતોરાત નોકરીમાંથી છુટા કરી રહ્યા છે. જ્યારે પોતાના મળતીયા કર્મચારીઓને છાવરી રહ્યા છે. વિધાનસભાની ચુંટણીમાં મિશન મંગલમ યોજના શાખાના એક મહિલા કર્મચારીએ ભાજપ સરકાર વિરોધી પ્રવૃતિ કરી હોવાનુ નિયામક જાણતા હોવા છતાં તેમને મહિલા કર્મચારી સામે કોઈ પગલા લેતા નથી. આમ આ નિયામકની ભેદભાવ ભરી નિતિથી અન્ય શાખાના કર્મચારીઓ પણ ત્રાસી ગયા છે. કેટલાક કર્મચારીઓએ તો કંટાળીને નોકરીમાંથી રાજીનામાં પણ આપ્યા હોવાનું ચર્ચાય છે. અગાઉ રાજ્યમાં મિશન મંગલમ્ યોજના શાખાના પાટણ અને ગાંધીનગર જીલ્લા સિવાય કોઈ જીલ્લાના નિયામકે આઉટસોર્સ કર્મચારીઓને છુટા કર્યા ન હતા. ત્યારે આ નિયામકે ગુજરાત સરકારના એક કદાવર કેબિનેટમંત્રીની ભલામણ હોવા છતાં તેમને ગુમરાહ કરી ડી.ડી.ઓના નામે આઉટસોર્સ કર્મચારીઓને નોકરીમાંથી છુટા કર્યા હતા. હજુ આ વાતને ત્રણ મહિના પણ થયા નથી. ત્યાં ફરીથી આ નિયામકે પ્રધાનમંત્રી આવાસ યોજના શાખાના જીલ્લાના ૮(આઠ) આઉટસોર્સ કર્મચારીઓને તા.૩૧-૭ના રોજ શૈક્ષણિક લાયકાતના મુદ્દે નોકરીમાંથી છુટા કર્યા. જેમાંથી કડી, વિજાપુર અને સતલાસણા તાલુકાના પોતાના લાગતા વળગતા ત્રણ કર્મચારીની બીજા દિવસે નિમણુંક કરી હતી. ત્યારે છુટા કરેલા કર્મચારીઓએ મંગળવારના રોજ ગાંધીનગર પહોંચી કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલને રજુઆત કરી હતી. જેમાં કર્મચારીઓએ મંત્રીશ્રીને કહ્યુ કે સાહેબ અમે છેલ્લા પાંચ-છ વર્ષથી પી.એમ.એ.વાય.શાખામાં આઉટસોર્સ કર્મચારી તરીકે ફરજ બજાવીએ છીએ. અમારો પગાર માત્ર ૭૮૦૦/- જ છે. અમે નોકરી માટે ઈન્ટરવ્યુ આપ્યુ ત્યારે શૈક્ષણિક લાયકાત અને અનુભવના પુરાવા રજુ કર્યા હતા. પરંતુ અત્યારે નિયામક સાહેબે અમે શૈક્ષણિક લાયકાત ધરાવતા નથી, મહેકમ નથી તેવુ કારણ જણાવી નોકરીમાંથી છુટા કર્યા છે. કર્મચારીઓની વાત સાંભળી મંત્રી ઋષિભાઈ પટેલે કોઈપણ બ્હાને કર્મચારીઓની રાતોરાત રોજગારી છીનવતા નિયામક એચ.એમ. ચાવડાનો ઉધડો લઈ કર્મચારીઓને ન્યાય આપવાનું આશ્વાસન આપ્યુ હતુ. જોકે આ નિયામકની ખોટી હેરાનગતીથી કંટાળેલા હંગામી કર્મચારીઓ હવે નોકરીની પરવા કર્યા વગર તેમના વિરૂધ્ધ ભાજપના ટોચના નેતાઓને રજુઆત કરી રહ્યા છે.