ખેરાલુમાં ઈતર સમાજમાં ૧૫ વર્ષે આનંદનો માહોલ
પાલિકા પ્રમુખની ચુંટણીમાં હેમન્તભાઈ શુકલની વરણી થતાં
ખેરાલુમાં ઈતર સમાજમાં ૧૫ વર્ષે આનંદનો માહોલ
(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
ખેરાલુ પાલિકામાં ચૌધરી સમાજે છેલ્લા ૧૫ વર્ષથી એક હથ્થુ શાસન કર્યુ જેના કારણે ઈતર સમાજના તમામ લોકો એવુ ઈચ્છતા હતા કે આ વખતે કોઈપણ સંજોગોમાં ઈતર સમાજનો પ્રમુખ બેસવો જોઈએ. ત્યારે ખેરાલુ નગરપાલિકા પ્રમુખની સામાન્ય સીટમાં હેમન્તભાઈ મહેન્દ્રભાઈ શુકલને ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપતા ખેરાલુ શહેરમાં એક દિવસ માટે દિવાળી જેવો માહોલ થઈ ગયો હતો. હજારોની સંખ્યામાં સોશિયલ મિડીયામાં અભિનંદનની વર્ષા થઈ હતી. ખેરાલુ નગરપાલિકાના ઈતિહાસમાં ૨૦૦૫ પછી એટલે કે ઈતર કોમના નરેશભાઈ બારોટ પાલિકા પ્રમુખ બન્યા તે પછી ૧૫ વર્ષે હેમન્તભાઈ શુકલ ૨૦૨૦ માં પ્રમુખ બન્યા છે. અને પાલિકા પ્રમુખની સામાન્ય સીટમાં જસીબેન રમેશભાઈ પટેલ ૧૯૯૨-૯૩ માં પ્રમુખ બન્યા પછી ૨૮ વર્ષે હેમન્તભાઈ શુકલ પ્રમુખ બન્યા છે.
ખેરાલુ પાલિકા પ્રમુખની રસાકસી ભરી ચુંટણી યોજાવાની હતી પરંતુ ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટથી સંગઠનનો સાચો દાવેદાર ઈતરકોમના વ્યક્તિને પ્રમુખ બનાવવામાં આવ્યો છે. ખેરાલુ પાલિકામાં ચૌધરી સમાજનું શાસન ૧૫ વર્ષ ચાલ્યુ. જેમાં દર પાંચ વર્ષે પ્રથમ ટર્મ ચૌધરી સમાજે જુથબંધી કરી ભાજપ સંગઠન પાસેથી પડાવી લીધી હોય તેવો ઘાટ થતો હતો અને બીજી ટર્મમાં બળવા કે હોબાળા કરી ચૌધરી સમાજ પાલિકા પ્રમુખ પદ છીનવી લેતો હતો. ખેરાલુ પાલિકામાં નરેશભાઈ બારોટ પ્રમુખ બન્યા ત્યારે ધારાસભ્ય પદે રમીલાબેન દેસાઈ હતા. ભાજપની ૧૮ સીટો આવી હતી. જેથી પ્રમુખપદ મળ્યુ ત્યારબાદ નબુબેન દેસાઈ બળવો કરી પ્રમુખપદે બેઠા હતા. ત્યારબાદ પાલિકાની ચુંટણી થઈ જેમાં સી.ડી.દેસાઈ ભાજપના ટેકાથી પ્રમુખ બન્યા હતા. ત્યારબાદ એક મહિના માટે ભરતભાઈ જી.પટેલ પ્રમુખ બન્યા. તેમણે રાજીનામું આપતા કલજીભાઈ પટેલ પ્રમુખ બન્યા. ત્યારબાદ ફરીથી પાલિકાની ચુંટણી આવી જેમાં ભરતભાઈ જી.પટેલ પ્રમુખ બન્યા. બીજી ટર્મમાં રસીકભાઈ કડીયાનુ મેન્ડેટ આવ્યુ હતુ છતાં રાતોરાત મેન્ડેટ ફેરવી ચૌધરી સમાજે સંખ્યાબળ આધારે પ્રેમજીભાઈ દેસાઈને પ્રમુખ બનાવ્યા. પાલિકાની ચુંટણી આવી જેમાં ભાજપને ૧૫ સીટો મળી જેમાં ઈતર સમાજનો વારો હતો છતાં હીરાબેન ભગુભાઈ પટેલને પ્રમુખ બનાવ્યા. હવે ફરીથી બળવો થાય તેવી સ્થિતિ હતી પરંતુ અપક્ષો કે જેમણે ચુંટણી જાહેર થઈ ત્યારથી હેમન્તભાઈ શુકલને ખુલ્લુ સમર્થન જાહેર કર્યુ હતુ. જેથી બળવો ન થયો. ચૌધરી સમાજે આ વખતે પણ પ્રમુખ પદ મેળવવા માટે ભારે ધમપછાડા કર્યા હતા. પરંતુ ભારતીય જનતા પાર્ટીના મોવડીઓએ ઈતરને પ્રમુખપદ આપવા મન બનાવી લીધુ હતુ. જેના કારણે હેમન્તભાઈ શુકલને પ્રમુખ સર્વાનુમતે બનાવ્યા છે.
ઉપપ્રમુખ પદની રેસમાં પણ બહેનો હતી. પરંતુ વસંતીબેન યોગેશભાઈ દેસાઈ પહેલીવાર ચુંટાયા છતાં પ્રમુખપદ મળ્યુ છે. જેનુ મુખ્ય કારણ વસંતીબેન કે તેમના પતિ યોગેશભાઈ ન કોઈને નડવુ કે ન કોઈનો વિરોધ કરવો. વિકાસ કામ પ્રત્યે કાયમ ધ્યાન આપવુ. કોઈપણ વિવાદમાં આવ્યા વગર માત્ર ખેરાલુ શહેરના વિકાસમાં ધ્યાન આપવુ. તમામ સમાજોને સાથે રાખી દરેકને મહત્વ આપવુ. જ્ઞાતિવાદી રાજકારણથી અલગ તરી આવતુ વ્યક્તિત્વ ધરાવતા, ધારાસભ્ય ગ્રુપ કે સાંસદ સભ્ય ગ્રુપમાં પડ્યા વગર બન્ને ગ્રુપો સાથે સબંધ રાખવા જેવા અસંખ્ય ઉદાહરણ આપી શકાય તેવી કાર્યશૈલીને કારણે ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળે પહેલીવાર ચુંટાયેલા વસંતીબેનને ઉપપ્રમુખ જેવો મહત્વનો હોદ્દો આપ્યો છે. ચૌધરી પટેલ સમાજે પ્રમુખ તરીકે હીરાબેન ભગુભાઈ પટેલે પદ ભોગવી લીધુ હતુ. જેથી હવે પ્રમુખ ઈતર સમાજના હેમન્તભાઈ શુકલને બનાવતા ચૌધરી દેસાઈ સમાજના વસંતીબેનને ઉપપ્રમુખ પદ આપી દેસાઈ સમાજને પણ સાચવી લીધો છે. ભારતીય જનતા પાર્ટીના સંગઠનની ઈચ્છા અનુસાર હેમન્તભાઈ શુકલને પ્રમુખ પદ મળ્યુ છે. સમગ્ર ખેરાલુ શહેરમાં પ્રમુખ પદ મળ્યુ તે દિવસે દિવાળી જેવા ઉત્સાહનો માહોલ હતો.