ભવાની હાઉસીંગ ઉપર બીલ્ડરની નજર બગડતા પાલિકાનો નોટીસ મારો?
જર્જરીત મકાનો રીપેરીંગ કરવાની નોટીસના બે દિવસ બાદ મકાન ખાલી કરવાની નોટીસથી ફફડાટ
ભવાની હાઉસીંગ ઉપર બીલ્ડરની નજર બગડતા પાલિકાનો નોટીસ મારો?
મોટાભાગના મકાનો રીપેરીંગ કરેલા ત્યારે કોના ઈશારે મકાનો જર્જરીતની વ્યાખ્યામાં આવ્યા
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં મોખાની જગ્યામાં આવેલ ભવાની હાઉસીંગ સોસાયટી ઉપર કોઈ બીલ્ડરની નજર બગડી હોય તેમ જણાય છે. વિસનગર પાલિકા દ્વારા પ્રથમ જર્જરીત મકાનો રીપેરીંગ કરાવવા નોટીસ આપ્યાના બે દિવસ પછી મકાન ખાલી કરવા નોટીસ આપતા કોના ઈશારે આ કાર્યવાહી થઈ રહી છે તે સંદર્ભે ભારે ચકચાર જાગી છે. ભવાની હાઉસીંગમાં ગરીબ તથા મધ્યમવર્ગના લોકો રહે છે ત્યારે ડરાવી-ધમકાવી ખાલી કરાવવા માગતા હોય તેવી જોરશોરથી ચર્ચાઓ ચાલી રહી છે. શહેરના દબાણકારો વિરુધ્ધ ઝડપથી કાર્યવાહી થતી નથી. ત્યારે અસાધારણ ગતીથી નોટીસો આપનાર પાલિકા તંત્ર પણ શંકાના દાયરામાં આવ્યુ છે.
વિસનગર આઈ.ટી.આઈ.કોલેજ સામે આવેલ ભવાની હાઉસીંગ સોસાયટીમાં ૯૬ જેટલા મકાનો છે. બે માળીયા મકાનોની આ સોસાયટી આશરે ૪૦ વર્ષ પહેલા ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા બનાવવામાં આવી હતી. હાઉસીંગ બોર્ડ દ્વારા એક રૂમ રસોડાનુ મકાન આપવામાં આવ્યુ હતુ. સમય જતાં રહીસોએ માર્જીનની જગ્યામાં બાંધકામ કર્યુ હતુ. સોસાયટીમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો રહે છે. જેમાં મોટાભાગના રહીસોએ જરૂરીયાત પ્રમાણે મકાનોનુ રીનોવેશન કરાવી મજબુત કર્યુ છે. રહીશોમાંથી કોઈએ હાઉસીંગ બોર્ડમાં કે પાલિકામાં મકાનો જર્જરીત થયા છે. ભયજનક છે તેવી રજુઆત કરી નથી. તેમ છતાં વિસનગર નગરપાલિકા દ્વારા તા.૧૯-૬-૨૦૨૦ ના રોજ હાઉસીંગ બોર્ડના તમામ રહીસોને દિન-૭ માં જર્જરીત મકાનોનુ રીનોવેશન કરવા નોટીસ આપી છે. પાલિકાની કેમ નોટીસ મળી તેવુ રહીસો વિચારતા હતા અને નોટીસનો જવાબ આપવાની કાર્યવાહી કરતા હતા. દરમ્યાન વિસનગર પાલિકાએ તા.૨૨-૭-૨૦૨૦ ના રોજ તમામ મકાનો જર્જરીત હાલતમાં હોઈ અને વપરાશ યોગ્ય નહી હોવાથી ડિમોલેશન કરવુ જરૂરી હોઈ દિન-૨ માં મકાન ખાલી કરવા બીજી નોટીસ આપતા ભવાની હાઉસીંગ સોસાયટીના રહીસોમાં ફફડાટ ફેલાયો છે. મોખાની જગ્યામાં નવી સ્કીમ બનાવી કરોડો કમાવવાની મેલી મુરાદ રાખતા કોઈ બીલ્ડરના ઈશારે આ કાર્યવાહી થઈ હોય તેવી ભવાની હાઉસીંગના રહીસોની શંકા છે.
વિસનગર પાલિકા દ્વારા ચાર દિવસના અંતરમાં રીનોવેશન કરવાની અને ડિમોલેશન કરવાની બે નોટીસ કેમ આપવામાં આવી તે બાબતે તપાસ કરવા સોસાયટીના પ્રમુખ હર્ષદભાઈ પટેલ(જમ્બો થ્રેશર), મંત્રી મહેન્દ્રભાઈ શાહ, હરેશભાઈ બારોટ સહીતના છ જેટલા સોસાયટીના પ્રતિનિધિ ગાંધીનગર સચીવાલયમાં ગયા હતા. જેઓ પ્રથમ વિસનગરના વતની, ધારાસભ્ય તેમજ હાઉસીંગ બોર્ડના પૂર્વ ચેરમેન વિવેકભાઈ પટેલને મળી પાલિકા દ્વારા થયેલી કાર્યવાહીની જાણ કરી હતી. ત્યારબાદ હાઉસીંગ બોર્ડના ચેરમેનને મળી હર્ષદભાઈ પટેલ સહીતના પ્રતિનિધિઓએ રજુઆત કરી હતી કે, પાલિકાએ પ્રથમ જર્જરીત મકાનો રીનોવેશન કરવા નોટીસ આપી હતી. ત્યારબાદ દિન-૨ માં મકાનો ખાલી કરવા નોટીસ આપતા રહીસોના જીવ તાળવે ચોટી ગયા છે. ગરીબ અને મધ્યમ વર્ગના રહીસો પાલિકાની નોટીસોથી માનસીક આઘાત અનુભવી રહ્યા છે. ભવાની હાઉસીંગના રહીસોની રજુઆત બાદ ગુજરાત હાઉસીંગ બોર્ડના ચેરમેને સત્તા મંડળની સુચનાથી પાલિકાએ નોટીસ આપી હશે તેવુ જણાવી તમામ રહીસોને ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા નવા સુવિધાવાળા મકાનો બનાવી આપવામાં આવશે અને દરેક મકાનમાં ૪૦ ટકા માર્જીનની જગ્યા ફાળવવામાં આવશે તેવુ આશ્વાસન આપ્યુ હતુ. આ કાર્યવાહીથી રહીસોમાં એવી ચર્ચા છેકે, ગુજરાત હાઉસીંગ બોર્ડના ઈશારે પાલિકાએ જે નોટીસ આપી છે તે શંકાસ્પદ છે. મોટાભાગના મકાનો રીનોવેશન થયેલા છે. મકાનો મજબુત છે તો નોટીસો કેમ આપી? કોઈ મોટા બીલ્ડરના ઈશારે આ સોસાયટીની જગ્યા પડાવી લેવા પાલિકા દ્વારા કાર્યવાહી થતી હોવાની પણ રહીસોમાં શંકા ઉપજી છે.