Select Page

ખોટા વિરોધથી ચૌધરી સમાજનેજ નુકશાન-રામાભાઈ ચૌધરી

ખોટા વિરોધથી ચૌધરી સમાજનેજ નુકશાન-રામાભાઈ ચૌધરી

• કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ અને અશોકભાઈ ચૌધરીના વિરોધમાં ગુમરાહ કરાઈ રહ્યા છે
• ઋષિભાઈ પટેલે ચૌધરી સમાજના ગામોમાં સારામાં સારો વિકાસ કર્યો છે. જ્યારે અશોકભાઈ ચૌધરીએ પશુપાલકોના હિતમાં દુધના ભાવમાં વધારો કરી આપ્યો છે

સત્તા કાયમ કોઈની પાસે રહી નથી. અને કોઈપણ વ્યક્તિ સંસ્થાનો ધણી થઈ શકતો નથી. છતાં દૂધસાગર ડેરીના વિવાદમાં વિપુલભાઈ ચૌધરી દ્વારા કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ અને ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીનો વિરોધ કરવામાં આવતા ચૌધરી સમાજ ચર્ચામાં આવ્યો છે. ત્યારે ચૌધરી સમાજના આગેવાનો મન ખોલીને બહાર આવી રહ્યા છે. વિસનગર તાલુકાના રામપુરા(લાછડી) ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ ચૌધરી રામાભાઈ કાળાભાઈએ વેદના વ્યક્ત કરી છેકે, વિપુલભાઈ ચૌધરી પોતાની રાજકીય મહત્વકાંક્ષા સંતોષવા સમાજને ગુમરાહ કરી રહ્યા છે. સમાજમાં ભાગલા પાડવાનુ કામ કરી રહ્યા છે. ખોટા વિરોધથી ચૌધરી સમાજનેજ નુકશાન થવાનુ છે. નોધપાત્ર બાબત તો એ છેકે પૂર્વ સરપંચ રામાભાઈ ચૌધરીએ ક્યારેય આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલનો લાભ લીધો નથી, કોઈ હોદ્દો લીધો નથી, ક્યારેય ફોટા પડાવ્યા નથી છતાં તાલુકાના સાંપ્રત સમયને અનુલક્ષી સમાજનો ચિતાર રજુ કર્યુ છે.
દૂધસાગર ડેરીની ચુંટણીના રાજકીય દ્વેષભાવમાં વિપુલભાઈ ચૌધરીએ સમગ્ર ચૌધરી સમાજને ચર્ચાના ચગડોળે ચડાવ્યો છે. વિધાનસભાની ચુંટણી આવી રહી છે. ત્યારે અર્બુદા સેના ઉભી કરી ફક્ત ચૌધરી સમાજના ગામોમાં સભાઓ કરી વિસનગરના ધારાસભ્ય તથા કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ તેમજ ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીને ટાર્ગેટ કરી વિરોધમાં ભાષણો કરી રહ્યા છે. આ વિવાદમાં સમગ્ર ચૌધરી સમાજ ખોટી રીતે વગોવાતા હવે ચૌધરી સમાજના આગેવાનો ખુલીને બહાર આવી રહ્યા છે. અગાઉ વિસનગરમાંથી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજુભાઈ ચૌધરી તથા ડેરીના ડીરેક્ટર એલ.કે.પટેલ દ્વારા વિપુલભાઈ ચૌધરીના ખોટા વિરોધ સામે અવાજ ઉઠાવ્યો હતો. હવે વિસનગર તાલુકાના રામપુરા(લાછડી) ગામના પૂર્વ સરપંચ રામાભાઈ કાળાભાઈ ચૌધરીએ સમાજ પ્રત્યે લાગણી વ્યક્ત કરતા જણાવ્યુ છેકે ચૌધરી સમાજ શિક્ષિત અને મહેનતુ સમાજ છે. દૂધસાગર ડેરીમાં ચૌધરી સમાજના પશુપાલકોનુ મહત્વનુ યોગદાન છે. અન્ય સમાજના પશુપાલકોનુ પણ યોગદાન રહ્યુ છે. આ સંસ્થાના ડેરીના પૂર્વ ચેરમેન વિપુલભાઈ ચૌધરીએ ૧૫ વર્ષ સુધી વહીવટ કર્યો હતો. પરંતુ સમય થતા ડેરીમાં સત્તા પરિવર્તન આવ્યુ. જોકે ડેરીના ચેરમેન તો ચૌધરી સમાજના અશોકભાઈ ચૌધરીજ બન્યા છે. ત્યારે વિપુલભાઈ ચૌધરી ચેરમેન અશોકભાઈ ચૌધરી તથા કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલનો કેમ વિરોધ કરી રહ્યા છે તે સમજાતુ નથી. અશોકભાઈ ચૌધરીનો વહીવટ ખરાબ હશે તો દૂધ ઉત્પાદકોજ આવનારી ચુંટણીમાં પરિણામ આપશે. અશોકભાઈ ચૌધરીએ સત્તા સંભાળ્યાના એક વર્ષ પણ થયુ નથી. પછી તેઓ ખોટા છે તેવુ અત્યારથી કેવી રીતે કહી શકાય. કોઈપણ સત્તા કાયમી હોતી નથી. પરિવર્તન સંસારનો નિયમ છે. ત્યારે વિપુલભાઈ ચોધરી ચેરમેન અશોકભાઈ ચૌધરી તથા કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલનો જાહેરમાં વિરોધ કરી પોતાનુ રાજકીય કદ ઓછુ કરી રહ્યા છે. વિપુલભાઈ ચૌધરી અને અશોકભાઈ ચૌધરી જાહેરમાં એકબીજાનો વિરોધ કરી સમાજની એકતા તોડી રહ્યા છે. ચૌધરી સમાજનુ સંગઠન ખુબજ મજબુત હતુ. તેના ભાગલા પાડી સમાજને નુકશાન કરી રહ્યા છે. કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ ચૌધરી સમાજના સહકારથી ગત વિધાનસભાની ચુંટણીમાં જીત્યા. ત્યારે ઋષિભાઈ પટેલે તેનુ પૂરેપુરૂ સમાજને વળતર આપી ચૌધરી સમાજના ગામોમાં વિકાસ કર્યો છે. ગત વિધાનસભાની ચુંટણી બાદ ઋષિભાઈ પટેલની આસપાસ ચૌધરી સમાજના આગેવાનોજ હતા. ત્યારે વિપુલભાઈ ચૌધરીએ ઉભી કરેલી પરિસ્થિતિ બાદ વિકાસ કામ માટે ચૌધરી સમાજના આગેવાનો ઋષિભાઈ પટેલ જોડે જતા ખચકાઈ રહ્યા છે.
રામાભાઈ ચૌધરીએ વધુમાં જણાવ્યુ હતું કે, ઋષિભાઈ પટેલે ભેદભાવ વગર સારામાં સારો વિકાસ કર્યો છે. જ્યારે ડેરીના ચેરમેન બન્યા બાદ અશોકભાઈ ચૌધરીએ દૂધમાં ભાવ વધારો આપીને પશુપાલકોના હિતમાં નિર્ણય કર્યો છે. ત્યારે વિપુલભાઈ ચૌધરી પોતાનો રાજકીય રોટલો શેકવા ચૌધરી સમાજને હાથો બનાવી સમાજમાં ભાગલા પાડવાનુ કામ કરી રહ્યા છે. વિપુલભાઈ ચૌધરીની વાતોમાં આવી ભરમાવાથી ફક્તને ફક્ત સમાજનેજ નુકશાન થવાનુ છે. પાટીદાર અનામત આંદોલનના વાવાઝોડામાં ચૌધરી સમાજ ઋષિભાઈ પટેલની પડખે રહ્યો ત્યારે લોકો ચૌધરી સમાજની એકતાની પ્રશંસા કરતા હતા. હાલમાં ચૌધરી સમાજ ઋષિભાઈ પટેલનો વિરોધ કરી સમાજની રાજકીય તાકાત બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. પણ જો પાટીદાર તથા અન્ય સમાજના લોકો ઋષિભાઈ પટેલના પડખે રહ્યા તો તાલુકામાંથી ચૌધરી સમાજનુ રાજકીય વર્ચસ્વ ઘટી જશે. તે ચોક્કસ વાત છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts