વિસનગરમાં અઢી ઈંચ વરસાદથી જળબંબાકાર
વરસાદી પાણી નિકાલનું યોગ્ય આયોજન નહી થાય તો તારાજી સર્જાશે
વિસનગરમાં અઢી ઈંચ વરસાદથી જળબંબાકાર
• પાલિકાની પ્રિમોન્સુન કામગીરીની ફજેતી ઉડી
• રેલ્વેની હદમાંથી વરસાદી પાણી નિકાલનો માર્ગ બંધ થતા નવો વિકલ્પ ઉભો કરવો પડશે
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં ગત અઠવાડીયે પડેલા ભારે વરસાદના કારણે શહેરના નિચાળવાળા વિસ્તારોમા પાણી ભરાયા હતા. આ વર્ષ અભય શોપીંગ સેન્ટરથી ગંજબજાર સુધીના રોડ ઉપર બબ્બે ફુટ પાણી ભરાતા લોકો અચરજ પામ્યા હતા. રેલ્વેની હદમાંથી વરસાદી પાણીનો જે નિકાલ થતો હતો તે બંધ થતા ગંજબજારમાં પણ પાણી ઘુસી ગયુ હતુ. ઠેરઠેર પાણી ભરાતા પાલિકાની પ્રીમોન્સુન કામગીરીની ફજેતી જોવા મળી હતી.
વિસનગર પાલિકા દ્વારા કરોડાના ખર્ચ વિકાસ કામ કરવામા આવે છે. પરંતુ વરસાદી પાણી નિકાલ માટે દિર્ધદ્રષ્ટી રાખી યોગ્ય આયોજન નહી કરતા અઢી ઈંચ વરસાદમાં ઠેરઠેર પાણી ભરાયા હતા. વિસનગરમાં તા.રર-૮ શનિવારે ૬૮ એમ.એમ. તા.ર૩-૮ રવિવારે પ૬ એમ.એમ. તા.ર૪-૮ સોમવાર ૧૮ એમ.એમ તથા તા.રપ-૮ મંગળવારે ૧૬ એમ.એમ.વરસાદ પડયો હતો. શનિ અને રવિ એમ બે દિવસ બેથી અઢી ઈંચ વરસાદ થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આ વર્ષે અઢી ઈંચ વરસાદમાં અભય શોપીંગ સેન્ટર શહીદવીર ભગતસિંહના બાવલાથી ગંજબજારના મેઈન ગેટ સુધી બે બે ફુટ પાણી ભરાયા હતા. અગાઉ આ વિસ્તારનું વરસાદી પાણી સદાવિજય હોટલ પાસે રેલ્વેની જગ્યામાંથી ગાયત્રી મંદિર તરફ થઈ એમ.એન.કોલેજ ફાટક તરફ જતુ હતુ. ત્યારે બ્રોડગ્રેજ લાઈનના કારણે માટી પુરાણ કરવામા આવતા પાણીનો માર્ગ બંધ થતા સમગ્ર વિસ્તારમાં પાણી ભરાઈ ગયુ હતુ. દર વર્ષે પાલિકા દ્વારા સુખડીયા સ્વીટ માર્ટ આગળના નાળા સાફ કરવામા આવતા નાળામાંથી કેનાલ દ્વારા ઉમિયા માતાના મંદિર પાસેના વહેળામાં પાણીનો નિકાલ થતો હતો. ત્યારે આ વર્ષે પાલિકા દ્વારા નાળા કે કેનાલની સફાઈ કરવામા નહી આવતા વરસાદી પાણીનો આ માર્ગ પણ બંધ થઈ ગયો હતો. ગંજ બજારની આ દુકાનોમાં પાણી ફરી વળ્યુ હતુ. આટલા વરસાદમાં ગંજ બજાર પણ વરસાદી પાણીમાં ગરકાવ થતા વેપારીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. વધારે વરસાદ પડયો હોતતો ગંજ બજારની દુકાનોમાં પાણી ઘુસી ગયા હોતતો મોટુ નુકશાન થવાનું હતુ. આ સીવાય પંડયાના નાળાની બન્ને બાજુ સવાલા દરવાજા, ડોસાભાઈ બાગ આગળ, આદર્શ વિદ્યાલયની બાજુમાં, મહેસાણા ચાર રસ્તાથી કમાણા ચાર રસ્તા વચ્ચે વિગેરે વિસ્તારો વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. વિસનગરમાં મૌસમનો ૪૮ર એમ.એમ.(૧૮.૯૭ ઈંચ) વરસાદ થતા આ પરિસ્થિતિ સર્જાઈ હતી ત્યારે વિચારો કે જે વખતે ચારથી પાંચ ઈંચ સામટો વરસાદ પડશે તે વખતે શું હાલત થશે. વિસનગર પાલિકાની પ્રિમોન્સુન કામગીરી ફક્ત કાગળ ઉપર જ હોય છે. ખાસ કરીને ગંજ બજાર વિસ્તારમાં ભરાતુ પાણી અને શહેરના જે વિસ્તારોમાં પાણી ભરાય છે તેના નિકાલ માટે યોગ્ય આયોજન નહી થાય તો ભારે વરસાદમાં શહેરમાં મોટી તારાજી સર્જાવવાની પુરેપુરી શક્યતા છે.