Select Page

વિસનગરમાં BLO પ્રાથમિક શિક્ષકોને ન્યાય આપવા મામલતદારને આવેદન

વિસનગરમાં BLO પ્રાથમિક શિક્ષકોને ન્યાય આપવા મામલતદારને આવેદન

તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા

વિસનગર તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે પ્રાથમિક શિક્ષકોને બી.એલ.ઓ.ની કામગીરી સોંપવાના મુદ્દે ગત શનિવારના રોજ પ્રાન્ત અધિકારી અને મામલતદારને આવેદનપત્ર આપ્યુ હતુ. જેમાં શૈક્ષિક સંઘના હોદ્દેદારોએ સરકારની સુચના મુજબ પ્રાથમિક શિક્ષકો સાથે ૧૨ કેડરના કર્મચારીઓને બી.એલ.ઓ.ની કામગીરી સોંપવાની માગણી કરી હતી. જોકે આજે મોટી વગ ધરાવતા આળસુ શિક્ષકો બી.એલ.ઓ.ની કામગીરીથી છટકતા હોવાથી એકના એક શિક્ષકને વારંવાર બી.એલ.ઓ.ની કામગીરી સોંપી અન્યાય કરવામાં આવે છે.
ચુંટણી પંચના આદેશથી વિસનગર મામલતદાર કચેરી દ્વારા તાલુકાના પ્રાથમિક શિક્ષકો તેમજ અન્ય કેડરના કર્મચારીઓને બી.એલ.ઓ.ની કામગીરી સોંપવામાં આવે છે. જેમાં છેલ્લા ૨૨ વર્ષથી મોટેભાગે માત્ર પ્રાથમિક શિક્ષકોની જ બી.એલ.ઓ તરીકે નિમણુક થાય છે. જ્યારે અન્ય કેડરના કર્મચારીઓની નિયમોનુસાર નિમણુક થતી નથી. અન્ય કેડરના કર્મચારીઓને જવલ્લેજ બી.એલ.ઓ.ની કામગીરી સોંપવામાં આવતા પ્રાથમિક શિક્ષકોમાં ભારે રોષ ઉભો થયો છે. આ બાબતે વિસનગર તાલુકા પ્રાથમિક શૈક્ષિક સંઘે તા. ૫-૭-૨૦૨૫ના રોજ મામલતદાર એફ.ડી. ચૌધરીને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી. જેમાં શૈક્ષિક સંઘના હોદ્દેદારોએ એવી રજુઆત કરી હતી કે, સરકારના પરિપત્ર પ્રમાણે પ્રાથમિક શિક્ષકો સહિત અન્ય ૧૨ કેડરના કર્મચારીઓની બી.એલ.ઓ. તરીકે નિમણુક કરવાની સુચના છે. છતાં છેલ્લા ૨૨ વર્ષથી ફક્ત પ્રાથમિક શિક્ષકોની જ બી.એલ.ઓ. તરીકે નિમણુક થાય છે. અન્ય કેડરના કર્મચારીઓઓની નિયમોનુસાર નિમણુક થતી નથી. જોકે ચુંટણી પંચના નિયમ પ્રમાણે પ્રાથમિક શિક્ષકોને કાયમી ધોરણે બી.એલ.ઓ.ની કામગીરી સોંપી શકાય નહી. છતાં ઘણા વર્ષોથી શિક્ષકોને વારંવાર બી.એલ.ઓ.ની સતત ચાલતી મતદાર યાદીની કામગીરી સોંપવામાં આવે છે જેની અસર શિક્ષણની ગુણવત્તા ઉપર પડે છે. સરકારે શિક્ષકો ઉપરાંત અન્ય ૧૨ કેડરના કર્મચારીઓને બી.એલ.ઓ.ની કામગીરી સોંપવાનો આદેશ કર્યો હોવા છતાં તેનો કોઈ અમલ થતો નથી. રોટેશન પધ્ધતિ મુજબ દર ત્રણ વર્ષે બી.એલ.ઓ. બદલવાની સુચના હોવા છતાં એકના એક શિક્ષકને બી.એલ.ઓની કામગીરી સોંપી અન્યાય કરવામાં આવે છે. જો કોઈ શિક્ષક વધુ સમય બી.એલ.ઓ.ની કામગીરી કર્યા બાદ તેમાંથી મુક્ત થવા અરજી આપે તો મામલતદાર કચેરીમાંથી અન્ય શિક્ષકનું નામ માગવામાં આવે છે. જેના કારણે શિક્ષકો વચ્ચે મનદુઃખ ઉભુ થાય છે. આ ઉપરાંત શાળાના આચાર્ય, પગાર કેન્દ્રના આચાર્ય અને ગંભીર બિમારીવાળા શિક્ષકોને બી.એલ.ઓની કામગીરીમાંથી મુક્ત કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે. રજુઆતમાં ગુજરાત રાજ્ય શૈક્ષિક મહાસંઘના કોષાધ્યક્ષ ચિરાગભાઈ પટેલ, વિસનગરના અધ્યક્ષ ભરતભાઈ પટેલ, શૈક્ષિક મહાસંઘના મંત્રી જશુભાઈ ચૌધરી સહિત સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા.
અત્રે નોંધપાત્ર બાબત છે કે, તાલુકાના કેટલાક આળસુ પ્રાથમિક શિક્ષકો મોટી વગના જોરે યેનકેન પ્રકારે બી.એલ.ઓ.ની કામગીરીનો ઓર્ડર રદ કરાવી છટકી જાય છે. જેના કારણે નિષ્ઠાવાન શિક્ષકોના માથે શૈક્ષણિક કાર્યની સાથે બી.એલ.ઓ.ની કામગીરીનુંસતત ભારણ રહે છે. ત્યારે મામલતદાર અને પ્રાન્ત અધિકારીએ બી.એલ.ઓની કામગીરીમાંથી વારંવાર છટકતા શિક્ષકોને શોંધી તેમના ઓર્ડર કાઢવા જોઈએ.