Select Page

ઉદ્યોગોને પુરવઠો ખૂટતો નથી તો જગતના તાત પ્રત્યે ભેદભાવ કેમ?
ખેડૂતોની હાલત કફોડી-વિજ પુરવઠાની અનિયમિતતાથી રોષ

નિયમિત વિજ પુરવઠો નહી મળે તો ખેડૂતોની રેલીઓ,પ્રદર્શન, ધરણાની ચીમકી

જગતનો તાત કુદરતી અને કૃત્રિમ આપત્તીઓથી થાકી ગયો છે. અનિયમિત ચોમાસુ કમોસમી વરસાદ અને વાવાઝોડા જેવી કુદરતી આપત્તીઓના કારણે મંજુરી કરવા છતા ખેત પેદાશ મેળવી શક્યો નથી. ત્યારે અનિયમિત વિજ પુરવઠાની કૃત્રિમ આપત્તીના કારણે ખેતીની નુકશાન થાય તેવી પરિસ્થિતિ ઉદ્‌ભવી છે. કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના તાલુકામાં અનિયમિત વિજ પુરવઠો શરમજનક બાબત છે. ભારતીય કિસાન સંઘ દ્વારા જે બાબતે રજુઆત કરી નિયમિત પુરવઠો નહી થાય તો રેલીઓ, પ્રદર્શન અને ધરણાની ચીમકી આપવામાં આવી છે. ગ્રામ પંચાયતો અને વિધાનસભાની ચુંટણીની ચર્ચાઓ વચ્ચે જગતના તાતને સંતોષ આપવામાં નહી આવે તો ચુંટણી વખતનો અસંતોષ ભાજપને ભારે પડી શકે તેમ છે.
ભાજપ સરકાર દ્વારા ખેડૂતો સમૃધ્ધ તો રાજ્ય અને દેશ સમૃધ્ધના ભાષણો કરવામાં આવે છે. ત્યારે ઉદ્યોગોને ક્યારેય વિજ પુરવઠો ખૂટવા દેવામાં આવતો નથી અને જગતના તાત સાથે વિજ પુરવઠામાં ભેદભાવ રાખવામાં આવે છે. ઉત્તર ગુજરાત સહીત વિસનગર તાલુકાની વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી સળંગ ૮ કલાક વિજ પુરવઠો આપવામાં આવતો નથી. ચાર પાંચ કલાક વિજ પુરવઠો આપ્યા બાદ કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર વિજ પુરવઠો કાપી નાખવામાં આવે છે. આગવી જાણ કર્યા વગર ગમે તે સમયે ફરીથી વિજ પુરવઠો શરૂ કરવામાં આવે છે. આવી પરિસ્થિતિના કારણે ખેડૂતોને ૨૪ કલાક રાહ જોઈને બેસી રહેવુ પડે છે.
ગત ચોમાસુ પાકમાં વરસાદની અનિયમિતતા અને અપૂરતા વરસાદથી ખેડૂતો ઉપજ મેળવી શક્યા નથી. ત્યારબાદ શિયાળુ પાકની આશામાં કમોસમી વરસાદના કારણે મહેનત મજુરી કરવા છતા જોઈએ તેવી ઉપજ મળી નથી. ત્યારે ઉનાળુ પાક સારો થાય તેવી આશા છે તેવા સમયે અનિયમિત વિજ પુરવઠાએ ખેડૂતોની ઉંઘ હરામ કરી દીધી છે. હજુ એક મહિના સુધી ખેતી માટે વિજ પુરવઠાની જરૂરીયાત છે. ત્યારે પૂરતો અને સતત વિજ પુરવઠો આપવામાં નહી આવે તો પાકને ઘણુ નુકશાન થાય તેમ છે.
વિસનગર તાલુકા ભારતીય કિસાન સંઘના પ્રમુખ ડી.જે.પટેલ તથા ઉપપ્રમુખ રમેશભાઈ પટેલ પુરણપુરા દ્વારા વિસનગર વિભાગીય કાર્યપાલક ઈજનેર અમૃતભાઈ પટેલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ વિગેરેને સંબોધી આવેદન આપવામાં આવ્યુ છે. વિસનગર કે મહેસાણા વિજ કંપનીના અધિકારીઓનો સંપર્ક કરતા જવાબ મળે છેકે ઉપરથી કાપ મુકવામાં આપ્યો છે. ઉપર રજુઆત કરો. એક માસ અગાઉ પણ વિજ પુરવઠામાં અનિયમિતતા થઈ હતી. જેમાં ઉગ્ર રજુઆતથી પુરવઠો નિયમિત થયો હતો. ખેડૂતો માટેજ વિજળીના પ્રશ્નો ઉભા કરવા તે વ્યાજબી નથી. કુલ વસ્તીના ૮૦ ટકા ખેડૂતો અને ખેત મજુરો છે. ખેડૂતો ઉગ્ર બનશે તો પરિસ્થિતિને પહોચી વળવુ શક્ય બનશે નહી. વિજ પુરવઠો નિયમિત નહી થાય અને વિજળી ફરીથી ક્યારે શરૂ થશે તેની આગોતરી જાણ નહી થાય તો રેલીઓ, પ્રદર્શનો અને ધરણા કરવાની ફરજ પડશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts