વિસનગરમા પાણીનો બગાડ અટકાયતી ચીફ ઓફીસરની કામગીરીને આવકાર કપાયેલા કનેકશન દંડ ભર્યા વગર જોડાશે તો રૂા.ર૦૦૦ દંડ
વિસનગરમા કેટલાક કનેકશન ધારકો પાણીનો પુષ્કળ બગાડ કરતા કોટ વિસ્તારના એવા ઘણા રોડ હતા જે બારેમાસ ભીના જોવા મળતા હતા. પરંતુ પાલિકા ચીફ ઓફીસર પાર્થકુમાર ત્રિવેદી વહેલી સવારે પાંચ વાગે પાલિકા ટીમસાથે ચેકીંગ કરી પાણીનો વ્યય કરનારના કનેકશન કાપતા અત્યારે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. ગુંદીખાડથી માયા બજાર સહીતના રોડ પાણી વગર સ્વચ્છ જોવા મળી રહ્યા છે. જેમના કનેકશન કાપ્યા છે તેમને ચીફ ઓફીસરે ચીમકી આપી છેકે દંડ ભર્યા વગર જો કનેકશન જોડેલુ જણાશે તો રૂા.ર૦૦૦ દંડ કરવામા આવશે.
વિસનગરમા માયાબજાર સહીતના એવા ઘણા જાહેર માર્ગ હતા કે વારંવાર ઉભરાતી ગટર કે પાણીના વ્યયથી ગંદકી સાથે ભીના જોવા મળતા હતા. ટ્રાફીક અંતર્ગત કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલની અધ્યક્ષતામા મળેલ મીટીંગમા માયાબજારના રોડ ઉપર પાણી વહેતા ગંદકી થી વેપારીઓ હેરાન થતા હોવાની ચર્ચા થઈ હતી. મીટીંગના બીજાજ દિવસથી પાલિકા ચીફ ઓફીસર પાર્થકુમાર ત્રિવેદી વહેલી સવાર સાડા પાંચ વાગે પાલિકા ટીમ સાથે ચેકીંગ કરવાનુ શરૂ કર્યુ હતુ. જેમા જે રહેણાંક મકાનમાંથી પાણીનો વ્યય થતો જણાયો તે કનેકશન કાપવામા આવ્યા હતા. અત્યાર સુધીમા લગભગ ૧૦૦ ઉપરાંત કનેકશન કાપવામા આવ્યા છે. ચીફ ઓફીસરની દેખરેખમા શહેરમા પ્રથમ વખત આટલા લાંબા દિવસો સુધી પાણીનો વેડફાટ અટકાવવા ચેકીંગ ચાલી રહ્યુ છે. પાણીના વ્યય સામેની ઝુંબેશ હજુ પણ ચાલુ છે. ચીફ ઓફીસરની શેહ શરમ રાખ્યા વગરની આ કડક ઝુબેશની જાહેર માર્ગો અત્યારે ચોખ્ખા જોવા મળતા શહેરના લોકો પાલિકાની આ કામગીરીને બીરદાવી રહ્યા છે.
માહિતી આપવામા આવશે તો કનેકશનમાથી ડાયરેક્ટ મોટરથી પાણી ખેચનાર સામે તેમજ પાણીનો વ્યય કરનાર સામે કાર્યવાહી થશે
આ ઝુંબેશ બાબતે ચીફ ઓફીસરે જણાવ્યુ છે કે પાલિકાની અપીલથી કનેકશનમા મોટર જોડી ડાયરેકટ પાણી ખેંચનાર અને પાણીનો બગાડ કરનારની જાગૃત લોકો માહિતી આપી રહ્યા છે. માહિતી આપનારનુ નામ ગુપ્ત રાખવામા આવશે. ચીફ ઓફીસરે વધુમા એ પણ જણાવ્યુ છે કે જે પણ કનેકશન કાપવામા આવ્યા છે તે કનેકશન ધારકની પાણીનો વ્યય કરતી ફોટોગ્રાફી અને વીડીયોગ્રાફી કરવામા આવી છે. અત્યાર સુધીમા ૧૦૦ જેટલા કનેકશન કાપવામા આવ્યા છે. જેમના કનેકશન કાપ્યા છે તે જો દંડ ભર્યા વગર કનેકશન જોડશે તો રૂા.ર૦૦૦ દંડ વસુલવામા આવશે. પાણીનો વ્યય અટકાવતી ડ્રાઈવ ચાલુ જ રહેશે.