ફતેહ દરવાજામાં સત્કાર સમારંભ ગોલ્ડમેડલ બરાબર-ઋષિભાઈ
સાતમાંથી છ કામ બે માસમાં પૂર્ણ કરવાની ખાતરી આપી
વિસનગરમાં તમામ સમાજમાં પ્રીય પાત્ર એવા કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલે ફતેહ દરવાજા યુવક મિત્ર મંડળ આયોજીત સત્કાર સમારંભમાં જણાવ્યુ હતું કે, સત્કાર સમારંભ ફતેહ દરવાજામાં થાય તે ગોલ્ડમેડલ મેળવ્યા બરાબર છે. આ વિસ્તારના વિકાસને લગતા સાતમાંથી છ કામ બે માસમાં પૂર્ણ કરવાની ખાતરી આપી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી પોતાના વિસ્તારમાં આવેલા કેબીનેટ મંત્રીને આવકાર્યા હતા.
વિસનગર ફતેહ દરવાજા યુવક મિત્ર મંડળ દ્વારા તા.૧૫-૪-૨૦૨૨ ના રોજ ફતેહ દરવાજા ચોકમાં કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલનો સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો. જે પ્રસંગે માર્કેટયાર્ડના ચેરમેન પ્રિતેશભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ મનીષભાઈ ગળીયા, મહેશભાઈ પટેલ સુંશી, પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ, શહેર ભાજપ મહામંત્રી રણછોડભાઈ દેસાઈ, પાલિકાના પૂર્વ પ્રમુખ ભરતભાઈ પટેલ, કોર્પોરેટર કિરીટભાઈ પરમાર, ભારતીબેન ઠાકોર તથા ફતેહ દરવાજા વિસ્તારના લોકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. ફતેહ દરવાજા યુવક મિત્ર મંડળના ભરતભાઈ કાન્તીલાલ પટેલ પૂર્વ કોર્પોરેટર, હાર્દિકકુમાર રમેશભાઈ પટેલ વસંતા, અનીલભાઈ પટેલ સોનપરી, હર્ષલભાઈ પટેલ એમ.જે.મેડિકલ, કિરીટભાઈ પટેલ, રાજેન્દ્રકુમાર કાન્તીલાલ પટેલ ગાંધી પૂર્વ કોર્પોરેટર, મહેશભાઈ પટેલ સુરભી ઓટો, ખુશાલભાઈ ભરતભાઈ પટેલ તથા મુકેશકુમાર પરષોત્તમદાસ પટેલ પૂર્વ કોર્પોરેટર દ્વારા ફુલહાર પહેરાવી તથા મોમેન્ટો આપી કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલનુ સન્માન કરવામાં આવ્યુ હતુ. કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ કાર્યક્રમ સ્થળે આવતાજ ઉપસ્થિત લોકોએ ઉમળકાભેર સ્વાગત કર્યુ હતુ.
સન્માન કાર્યક્રમ પ્રસંગે બોલતા કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલે જણાવ્યુ હતું કે, ફતેહ દરવાજાનુ પાણી જોશીલુ છે. ઘણી જગ્યાએ સન્માન અને સ્વાગત થયા પરંતુ ફતેહ દરવાજામાં સન્માન થાય એ ગોલ્ડ મેડલ મળ્યા બરોબર છે. વિસનગરે મોટો કર્યો છે. ૨૦૦૭, ૨૦૧૨ અને ૨૦૧૭ માં મને જે જવાબદારી આપી છે તેને નિભાવવાનો પૂરતો પ્રયત્ન કરતો રહ્યો છું. હવે હુ ગ્રેજ્યુએટ થઈ ગયો છું. વિસનગર શહેર અને ગામડામાં આવતા ૨૫ વર્ષ સુધી પીવાના પાણીની તકલીફ ન પડે તેવો પ્રોજેક્ટ તૈયાર થઈ ગયો છે. જુની મામલતદાર ઓફીસમાં પણ સંપ અને ઓવરહેડ ટાંકી માટે જમીન સંપાદન કરવામાં આવી છે. એકજ સમયે પાણી વિતરણ કરી શકાય તે સપનુ પણ પૂરુ કરી શકીશુ.
વિસનગર બાયપાસ રોડ, આરોગ્ય સેતુ કેન્દ્ર, પીંડારીયા રોડથી સેવાલીયા જતા રોડનુ અધૂરુ કામ, હુહુ તળાવથી પીંડારીયા તળાવ સુધી નર્મદાની લાઈન, ઢોર માટેનો ડબ્બો બનાવવો, નર્મદા પાણીની લાઈનમાં ખેડૂતોના ખેતર સુધી કમાન્ડ એરીયા વધારવો તથા સુંશીથી પીંડારીયા તરફના કાચા નેળીયામાં રોડ બનાવવા આ વિસ્તારના વિકાસ માટેની માગણી હતી. ત્યારે કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલે બાયપાસ રોડ સીવાઈની છ માગણીઓ બે માસમાં પૂર્ણ કરવાની ખાતરી આપી હતી.