ઋષિભાઈ પટેલ સરકારમાં ત્રીજાથી પાંચમા સ્થાને-લોકચાહના અકબંધ
સ્નેહમિલન, સત્કાર સમારંભ અને જન્મદિને લોકપ્રિયતા જોવા મળી
ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં સત્તાધારી સરકારમાં મંત્રી મંડળમાં ધરમૂળમાંથી ફેરફાર કરી સૌને ચોકાવ્યા છે. જેમાં વિસનગરના ધારાસભ્ય તેમજ કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલને સરકારમાં ત્રીજામાંથી પાંચમુ સ્થાન મળતા ‘કહી ખુશી કહી ગમ’ ની ચર્ચાઓ જોવા મળી હતી. મંત્રી મંડળમાં ફેરફાર બાદ મત ક્ષેત્રમાં પણ વિરોધ હોવાનો એક હાઉ ઉભો કરવામાં આવ્યો હતો. ત્યારે નવા વર્ષનુ સ્નેહમિલન, સત્કાર સમારંભો અને જન્મદિને શહેર અને તાલુકાના આગેવાનો, કાર્યકરો તથા લોકોનો કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ પ્રત્યે સન્માન તેમજ આદરનો ભાવ જોઈ લોક વિરોધની ચર્ચાનો ફુગ્ગો ફૂટી ગયો હતો. સરકારની મહત્વની જવાબદારી હોવા છતા શહેર અને તાલુકાના વિકાસ માટે સતત ચિંતા, નાનામાં નાના સમાજ પ્રત્યેનો આદર તેમજ નાત જાતના ભેદભાવ વગર વિકાસ કરવાના પરિણામે લોકોમાં કેબીનેટ મંત્રી ઋષિભાઈ પ્રત્યે હજુ પણ એજ આદરભાવ હોવાનુ નવા વર્ષ પછીના કાર્યક્રમોમાં જોવા મળ્યુ હતુ.
નરેન્દ્રભાઈ મોદી જેવા જવલ્લેજ નેતા હોય છેકે જેમની રાજકારણમાં એકધારી ચડતી જોવા મળે છે. બાકી રાજકારણમાં ચડતી અને પડતીનો તો મોટાભાગના નેતાઓએ અનુભવ કર્યો છે. સૌનો સાથ અને સૌનો વિકાસની નેમ સાથે વિસનગરના ધારાસભ્ય તેમજ કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલનુ રાજકીય કદ એટલુ મોટુ થઈ ગયુ છેકે, પ્રદેશ ભાજપ પ્રમુખ કે મુખ્યમંત્રી બદલવાની ચર્ચા હોય ત્યારે ઋષિભાઈ પટેલનુ નામ ચર્ચામાં આવ્યા વગર રહેતુ નથી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં વિસનગરના ધારાસભ્ય ઋષિભાઈ પટેલ આરોગ્ય અને પરિવાર કલ્યાણ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, તબીબી શિક્ષણ, કાયદો અને ન્યાય જેવા મહત્વના વિભાગો સાથે મંત્રી મંડળમાં ત્રીજા નંબરનુ સ્થાન ધરાવતા હતા. કેન્દ્રીય નેતાગીરીના ઈશારે મંત્રી મંડળમાં ફેરબદલની ચર્ચાઓ ઘણા સમયથી હતી. જેમાં પણ ઋષિભાઈ પટેલનુ મુખ્યમંત્રીની રેસમા નામ ચર્ચાતુ હતુ. ત્યારે મંત્રી મંડળના ફેરબદલમાં ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ, વૈધાનિક અને સંસદીય બાબતોના વિભાગ સાથે ઋષિભાઈ પટેલ પાંચમા ક્રમે આવી જતા વિસનગરના મોટાભાગના અગ્રણીઓએ આંચકો અનુભવ્યો હતો. જોકે વિભાગ બદલાયા છે પરંતુ રાજકીય મહત્વ યથાવત રહ્યુ છે. ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ ગુજરાતના ઔદ્યોગિક અને આર્થિક ગતિવિધિઓ માટે કરોડરજ્જુ સમાન છે. રાજ્યમાં વિજળીનુ ઉત્પાદન અને વિતરણ, ખનીજ તેલ અને ગેસ સબંધીત નીતિઓનુ પાલન હવે ઋષિભાઈ પટેલના અનુભવી નેતૃત્વ હેઠળ થશે. આ ઉપરાંત્ત પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગની જવાબદારી સાથે ગ્રામ વિકાસના ક્ષેત્રે કામ કરવાની પણ તક મળી છે.
ગુજરાતના મંત્રી મંડળમાં ઋષિભાઈ પટેલ ઉતરતા ક્રમે આવી જતા હવે રાજકીય કારકિર્દિ ખતમ થઈ જશે. ૨૦૨૭ મા પણ હવે ટીકીટ નથી. લોકોમાં પણ ભારે વિરોધ છે તેવી વિરોધી જૂથને ચર્ચા કરવાની તક મળી હતી. મંત્રી મંડળમાં ફેરબદલ બાદ ઋષિભાઈ પટેલ વિસનગર આવતા જ ધારાસભ્ય કાર્યાલયમાં આતશબાજી અને પુષ્પવર્ષા સાથે ભવ્ય સ્વાગત થયુ હતુ. બેસતા વર્ષના દિવસે માર્કેટયાર્ડના હૉલમાં સ્નેહમિલન કાર્યક્રમમાં શહેર અને તાલુકાના આગેવાનો, કાર્યકરો તથા નાગરિકો મોટી સંખ્યામાં ઉમટી કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલને શુભેચ્છા પાઠવી હતી. બેસતા વર્ષ બાદ તાલુકાના મોટા ગામડામાં કેબીનેટ મંત્રીની અધ્યક્ષતામાં સ્નેહમિલન કાર્યક્રમો યોજાયા હતા. જ્યા દરેક ગામમાં વાગતા ઢોલે સામૈયા સાથે સ્વાગત કરાયુ હતુ. તા.૩૦-૧૦-૨૦૨૫ ના રોજ કેબીનેટ મંત્રીના ૬૫ મા જન્મ દિને પણ તેમને શુભેચ્છા પાઠવવા લોકોનો ઉમળકો જોવા મળ્યો હતો. આ કાર્યક્રમો થકી વિસનગર વિધાનસભા ક્ષેત્રમાં કેબીનેટ મંત્રીની લોકચાહના અકબંધ હોવાનુ જોવા મળ્યુ હતુ.