Select Page

વિસનગર-વડનગર-ખેરાલુ-સતલાસણા તાલુકાનો અભૂતપૂર્વ વિકાસ થશે

કેન્દ્ર સરકાર દ્વારા તારંગા-અંબાજી-આબુ રોડ રેલ્વેલાઈન મંજુર કરાતા

  • પાણી પુરવઠા અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, પાટણ સાંસદ ભરતસિંહ ડાભી અને ખેરાલુ ધારાસભ્ય અજમલજી ઠાકોરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જાહેર આભાર માન્યો
  • તારંગા – અંબાજી – આબુરોડ રેલ્વે લાઈન મહેસાણા, બનાસકાંઠા, અને રાજસ્થાનના શિરોહી જિલ્લામાંથી પસાર થશે
  • તારંગા-અંબાજી-આબુરોડ રેલ્વે લાઈન અંદાજે રૂા.૨૭૯૮.૧૬ કરોડ ખર્ચે થશે
  • રેલ્વે લાઈનની લંબાઈ ૧૧૬.૬૫ કિ.મી.
  • ૫૪ મોટા પુલ અને ૧૫૧ નાના પુલ બનશે
  • રોડ ઓવરબ્રિજ ૮ બનશે, રોડ અંડરબ્રિજ ૫૪ બનશે, સુરંગો ૧૧ બનશે
  • વર્ષ-૨૦૨૬-૨૭ માં પૂર્ણ થશે
  • ૪૦ લાખ માનવ દિવસ રોજગારીનું સર્જન કરાશે

ગુજરાતના પનોતાપુત્ર અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કેન્દ્રની કેબિનેટ મિટીંગમાં તારંગા-અંબાજી-આબુરોડની બ્રોડગેજ લાઈનની તા.૧૩-૭-૨૦૨૨ ના રોજ મંજુરી આપવાના સમાચારો ટીવી માધ્યમથી જાણવા મળતા વિસનગર, વડનગર, ખેરાલુ, સતલાસણા, દાંતા વિસ્તારમાં આનંદ છવાયો હતો. તારંગા-મહેસાણા બ્રોડગેજ રેલ્વેલાઈન માટે આંદોલન કરનારા આગેવાનો રીતસર ઝુમી ઉઠ્યા હતા. આખો દિવસ લોકો માત્રને માત્ર તારંગા-અંબાજી-આબુ રોડ રેલ્વે લાઈનની વાતોજ કરતા સાંભળવા મળ્યા હતા. પાટણ સાંસદ ભરતસિંહ ડાભી ૨૦૧૯ માં સાંસદ તરીકે ચુંટણી લડતા હતા ત્યારે જાહેર મંચ ઉપરથી ભાષણોમાં તારંગા-અંબાજી-આબુરોડ રેલ્વે લાઈન શરુ કરવા વચન આપ્યુ હતુ. જે વચન અત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પૂર્ણ કરાયુ છે.
તારંગા-અંબાજી-આબુરોડ રેલ્વેલાઈન મંજુર થતા કૃષિ અને સ્થાનિક(મિનરલ્સ) ઉત્પાદનોમાં તેજી લાવશે. કેન્દ્રીય મંત્રી મંડળના આ રેલ્વેલાઈનના નિર્ણયથી અમદાવાદથી આબુરોડ વચ્ચેનો વધારાનો વૈકલ્પીક માર્ગ બનશે. પાણી પુરવઠા અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે ખુશી વ્યક્ત કરતા જણાવ્યુ હતું કે, તારંગા-અંબાજી-આબુરોડ રેલ્વેલાઈનથી વડાપ્રધાનનું પ્રસિધ્ધ યાત્રાધામોને રેલ્વે લાઈન દ્વારા જોડાવાના સ્વપ્ન આધારે શક્ય બન્યુ છે. અંબાજી ૫૧ શક્તિપીઠો પૈકીનુ એક શક્તિપીઠ છે. અંબાજીમાં દર વર્ષે લાખોની સંખ્યામાં ભક્તો માઁ અંબાના દર્શને ઉમટે છે. જેમના માટે યાત્રા આસાન રહેશે. તારંગા હિલ ખાતે દુર દુરથી સમગ્ર દેશમાંથી શ્રધ્ધાળુઓ અજીતનાથ મંદિર કે જૈનોના ૨૪ તીર્થકરોમાંથી એક છે. તેમના દર્શનમાં ખુબજ સરળતા રહેશે. આબુરોડ ખાતે બ્રહ્માકુમારી સંસ્થામાં ઉત્તર ગુજરાતના લોકોને પહોંચવામાં સરળતા રહેશે. આ યોજના આશરે રૂા.૨૭૯૮.૧૬ કરોડમાં બનશે. જેની લંબાઈ ૧૧૬.૬૫ કિલોમીટર છે. જેમાં ૫૪ મોટા પુલ, ૧૫૧ નાના પુલ, ૮ રોડ ઉપરના ઓવરબ્રિજ, ૫૪ રોડ અંડરબ્રિજ બનશે. જેમાં અંબાજીથી આબુરોડ વચ્ચે ૧૧ સુરંગો બનશે. આ યોજના વર્ષ ૨૦૨૬-૨૭ સુધીમાં પૂર્ણ થશે તેવુ મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યુ હતું. મંત્રી ઋષિભાઈ પટેલે વધુમાં જણાવ્યુ હતું કે, આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ રેલ્વે લાઈન મંજુર કરાતા વિસનગર, વડનગર, ખેરાલુ, સતલાસણા અને દાંતા તાલુકામાં ઉદ્યોગ ધંધા વધતા અભૂતપૂર્વ વિકાસ થશે. આ રેલ્વે લાઈનથી લોકોની ધાર્મિક અને આર્થિક ઉન્નતિ થશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનીએ તેટલો ઓછો કહેવાય.
પાટણ સાંસદ ભરતસિંહ ડાભીએ તારંગા-અંબાજી-આબુરોડ રેલ્વેલાઈન મંજુર થતા ખુશી સાથે જણાવ્યુ હતુ કે, ઉત્તર ગુજરાતના લોકો દ્વારા છેલ્લા ૧૦૦ વર્ષથી એટલે કે દેશ આઝાદ થયો તે પહેલાની આ રેલ્વે લાઈનની માંગણી હતી. ઉત્તર ગુજરાતના ઘણા બધા રેલ્વે એસોશિયેશનો તથા પ્રજાના પ્રતિનિધીઓની જે રજુઆત હતી તે કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકારે અને વડનગરના પનોતાપુત્ર અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ વાત સાંભળી અને કેબિનેટમાં ૧૦૦ વર્ષની માંગણી પૂર્ણ કરતા વડાપ્રધાનને ખુબ ખુબ અભિનંદન આપુ છું. સાથે સાથે ઉત્તર ગુજરાતમાં રેલ્વે લાઈન નંખાતા મહેસાણાથી દિલ્હીની ડાયરેક્ટ પ્રજાને કનેક્ટીવીટી મળશે. આ રેલ્વે લાઈનથી નાના મોટા ઉદ્યોગોને પણ પ્રોત્સાહન મળશે. વર્ષો જૂનો પ્રશ્ન હલ કર્યો છે. વડાપ્રધાન અને કેન્દ્ર સરકારનો આભાર માન્યો હતો.
ખેરાલુ ધારાસભ્ય અજમલજી ઠાકોરે ખુબજ હર્ષ સાથે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને તેમની કેબિનેટને ખુબ ખુબ અભિનંદન આપતા જણાવ્યુ હતું કે, ઉત્તર ગુજરાતની વર્ષો જૂની માંગણી સંતોષાઈ છે. તારંગા અજીતનાથ તીર્થકર તથા અંબાજીને તારંગા-અંબાજી-આબુરોડ રેલ્વે લાઈનથી વિશેષ લાભ મળશે. આ રેલ્વે લાઈનના કારણે ઉદ્યોગ ધંધાનો અભૂતપૂર્વ વિકાસ થશે અને દિલ્હી જવા માટે ટુંકો રેલ્વે માર્ગ બનશે. આ રેલ્વે લાઈન ઉપર બે યાત્રાધામોનો પણ અભૂતપૂર્વ વિકાસ થશે. અંબાજીના વિકાસ પ્રોજેક્ટ સાથે ધરોઈ ડેમ ઉપર પણ અભૂતપૂર્વ વિકાસ થઈ રહ્યો છે. જેના કારણે ટુરીસ્ટોની અવરજવર વધશે. હોટલ-ઉદ્યોગ, ખાણ-ખનીજ સહિત અનેક ઉદ્યોગોનો વિકાસ થશે. આમ સમગ્ર વિસ્તારનો વિકાસ થશે. ખેરાલુ ૨૦ વિધાનસભા વતી પનોતા પુત્ર આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર માન્યો હતો.
ખેરાલુ વિધાનસભા ક્ષેત્ર માટે સોનાનો સુરજ ઉગ્યો છે. કારણ કે ખેરાલુ તાલુકામાંથી બે નેશનલ હાઈવે મંજુર થયા છે. જેમાં પાલનપુર, વડગામ, ચાણસોલ, ખેરાલુ, વાવથી બનાસકાંઠાને જોડતો નેશનલ હાઈવેમાં ખેરાલુથી વાવ સુધીનું રૂા.૧૨૧ કરોડનું ટેન્ડર ૨૦-૬-૨૨ ના રોજ ખુલી ગયુ છે. તેમજ મહેસાણા, વિસનગર, વડનગર, વે-વેઈટ ચોકડી થઈ વલાસણા થઈ ઈડર તરફ જતો નેશનલ હાઈવે પણ મંજુર થઈ જતા જમીન સંપાદનની કામગીરી શરુ કરવામાં આવી છે. ત્યારે તારંગા-અંબાજી-આબુરોડ રેલ્વે લાઈન મંજુર થતા સૌથી વધુ વિકાસ વિસનગર, વડનગર, ખેરાલુ અને સતલાસણા તાલુકાનો થશે. આ વિસ્તારના ઉદ્યોગ ધંધા વધશે. ગુજરાતમાં મોટાભાગના શહેરોનો વિકાસ જુઓ તો નદી કિનારે કે બ્રોડગેજ રેલ્વેલાઈનો પસાર થતી હોય, નેશનલ હાઈવે હોય ત્યાંજ થયો છે. આગામી વર્ષોમાં આ વિસ્તારની આર્થિક સમૃધ્ધિ વધશે તે નિશ્ચિત છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us