પાલિકા જંતુનાશક દવાઓનો ઉપયોગ નહી કરે તો ડેન્ગ્યુ મેલેરીયાનો ભય
વરસાદી પાણી ભરાવાથી મચ્છરોનો ઉપદ્રવ વધ્યો
ચોમાસામાં વિસનગરમાં એવી અનેક જગ્યાઓ છેકે જ્યા પાણી ભરાયેલુ જોવા મળે છે. જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. પાલિકા જંતુનાશક દવાઓનો છંટકાવ નહી કરે તો શહેર ડેન્ગ્યુ અને મેલેરીયાના ભરડામાં આવી જશે. આરોગ્ય તંત્ર પાણી ભરાવાના કારણે વેપારીઓ અને રહેણાંક વિસ્તારના લોકોને નોટીસ આપે છે. જ્યારે રસ્તા ઉપર ભરાયેલા પાણીનો નિકાલ કરવાની જેની જવાબદારી છે તે પાલિકા તંત્ર વિરુધ્ધ કાર્યવાહી કરવામાં આવતી નથી.
વિસનગર શહેરના મધ્યમાંથી ઉમિયા માતાના મંદિરથી મહેસાણા ચાર રસ્તા સુધી ખુલ્લી કેનાલના કારણે બારેમાસ મચ્છરોનો ઉપદ્રવ રહે છે. કેનાલમાંથી કચરો દુર કરવામાં નહી આવતા બારેમાસ ગંદકી અને દુર્ગંધનો લોકો સામનો કરી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં ચોમાસામાં પાણી ભરાઈ રહેવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ ખુબજ વધી ગયો છે. શહેરના ગૌરવપથ રોડ ઉપર અન્ય જાહેર માર્ગો તેમજ સોસાયટી વિસ્તારમાં એવી અનેક જગ્યાઓ છેકે જ્યાં ચોમાસુ પાણી ભરાયેલુ જોવા મળે છે. ખુલ્લા પાણીમાં મચ્છરોના જુંડ જોવા મળે છે. આવા સમયેજ વિસનગર પાલિકાએ દવાનો છંટકાવ કરવા પુરતી કાળજી લેવાની જરૂર છે.
વિસનગર પાલિકા દ્વારા વર્ષે લાખ્ખો રૂપિયાના ખર્ચે ગેમેક્સીન પાવડર તથા અન્ય જંતુનાશક દવાઓ ખરીદવામાં આવે છે. પરંતુ ચુકવાયેલા બીલ પ્રમાણે પુરતો દવાનો જથ્થો આવતો નથી કે પછી આવેલી જંતુનાશક દવાઓ પગ કરી જાય છે તે સમજાતુ નથી. પાલિકા દ્વારા અત્યારે જરૂર છે ત્યારે જાહેર માર્ગો ઉપર કે ભરાયેલા વરસાદી પાણીમાં ક્યાય દવાનો છંટકાવ કરવામાં આવતો નથી. પાલિકા પાસે ફોગીંગ મશીન પણ છે. ત્યારે ચોમાસાના રોગચાળાના સમયે ફોગીંગ મશીનનો પણ ઉપયોગ કરવામાં આવતો નથી. વરસાદી પાણી ભરાવાના કારણે ચારેબાજુ ગંદકી અને મચ્છરો જોવા મળે છે. સ્વચ્છતા સમિતિના ચેરમેન રંજનબેન પરમાર ક્યા ખોવાઈ ગયા છે. અત્યારના રોગચાળાના સમયેજ પાલિકાના સ્વચ્છતા વિભાગના કર્મચારીઓને સાથે રાખી જંતુનાશક દવાનો છંટકાવ, ચોમાસુ ભરાયેલા પાણીનો નિકાલ તથા અન્ય કામગીરી કરવાની હોય છે. ત્યારે સ્વચ્છતાના ચેરમેન નિષ્ક્રીય જોવા મળે છે.
નોધપાત્ર બાબત છેકે વિસનગરમાં જો કોઈ ભાજપના અદના નેતા આવવાના હોય તો જે માર્ગ ઉપરથી પસાર થવાના હોય તે માર્ગ ઉપર સફેદ ચાદર પાથરી હોય એટલો દવાનો છંટકાવ કરવામાં આવે છે. જ્યારે જે લોકો પાલિકામાં ટેક્ષ ભરે છે તે વિસનગરના લોકોના આરોગ્ય માટે દવાનો છંટકાવ કરવામાં આવતો નથી. પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ, ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલ, ચીફ ઓફીસર પાર્થ ત્રીવેદી, સ્વચ્છતા ચેરમેન રંજનબેન પરમાર શહેરમાં ફરીને ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ કરે, જરૂર હોય ત્યાં દવાનો છંટકાવ કરાવે અને લોકોને ડેન્ગ્યુ અને મેલેરીયામાંથી બચાવે તે ખુબજ જરૂરી છે.
વી.આઈ.પી.ઓની સરભરા માટે દવાનો છંટકાવ થાય છે ત્યારે શહેરના લોકો માટે કેમ નહી