Select Page

વિસનગર ગ્રાહક સુરક્ષાની મહેનતથી ચાર કેસમાં વળતર

વિસનગર ગ્રાહક સુરક્ષાની મહેનતથી ચાર કેસમાં વળતર

પશુપાલકને વિમા રકમ મળી-ફાયનાન્સ કંપનીમાં અટવાયેલ ડિપોઝીટ મળી-અકસ્માતે મૃત્યુમાં બેંકનો વિમો મળ્યો

વિસનગર તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળની મહેનતથી જુદા જુદા ચાર કેસમાં અરજદારોને વળતરનો લાભ મળ્યો છે. ગ્રાહક સુરક્ષાના માર્ગદર્શનમાં કરવામાં આવેલ કેસમાં જીલ્લા ગ્રાહક ફોરમે ઈન્સ્યુરન્સ કંપનીને બે ભેંસના મૃત્યુમાં વળતર આપવા હુકમ કર્યો છે. જ્યારે ગ્રાહક સુરક્ષા મંડળની નોટીસથી ક્રેડીટ સોસાયટીએ થાપણદારને ડિપોઝીટ પરત આપી છે. જ્યારે બેંકે અકસ્માતે મૃત્યુમાં વારસદારને વિમાનુ વળતર આપ્યુ છે. જે બદલ અરજદારોએ ગ્રાહક સુરક્ષાના પ્રમુખ ભરતભાઈ પટેલ તથા સભ્યોનો આભાર માન્યો છે.
વિસનગર તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ અન્યાયનો ભોગ બનેલ અરજદારને ન્યાય આપવામાં કોઈ કચાસ રાખતુ નથી. નોટીસ આપ્યા બાદ સમાધાન ન થાય તો અરજદારને ધક્કા ખાવા ન પડે તે માટે વિસનગર તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં કેસ કરવામાં આવે છે. ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ભરતભાઈ પટેલ, મંત્રી એચ.એમ. પટેલ, કારોબારી સભ્ય અમરતભાઈ પટેલની નિયમિત હાજરી તથા કેસ પાછળ સતત ધ્યાન રાખવાના પરિણામે અરજદારોને વળતર સાથે ન્યાય મળી રહ્યો છે.
વડનગરમાં પશુપાલન કરતા કરશનભાઈ હરજીભાઈ રબારીએ શ્રીરામ જનરલ ઈન્સ્યુરન્સ કં.લી.માં એક ભેંસ દીઠ રૂા.૧૯૨૦૦/- નુ પ્રીમીયમ ભરી પશુ વિમો લીધો હતો. વિમા પોલીસી ચાલુ હતી દરમ્યાન તબેલામાં બાંધેલી બે ભેંસનુ મૃત્યુ થયુ હતુ. જેનો વિમા કંપનીમાં ક્લેમ કરવામા આવતા નામંજુર કરવામાં આવ્યો હતો. જે બાબતે કરશનભાઈ રબારીએ વિસનગર તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળમાં અરજી કરવામાં આવી હતી. ગ્રાહક સુરક્ષા મંડળના માર્ગદર્શનમાં જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં એક ભેંસનુ રૂા.૫૨૦૦૦/- વ્યાજ સાથે વળતર ચુકવી આપવા દાદ માગવામાં આવી હતી. બે ભેંસના બે વિમા ક્લેમ માટે અલગ અલગ દાદ માગવામાં આવી હતી. જેમાં જીલ્લા ગ્રાહક સુરક્ષા ફોરમ બન્ને કેસમાં ફરિયાદ દાખલ કરી તે તારીખથી રૂા.૫૦,૦૦૦/- રકમની ચુકવણી થાય ત્યા સુધી ૭% વ્યાજ સાથે દિન-૩૦ માં ચુકવી આપવા તથા માનસિક ત્રાસના રૂા.૨૦૦૦/- અને અરજી ખર્ચના રૂા.૧૦૦૦ ચુકવી આપવા વિમા કંપનીને હુકમ કર્યો છે.
ત્રીજા એક કેસમાં વિસનગર કાંસા એન.એ.ગુરૂકુળ રોડ ઉપર સત્યનારાયણ સોસાયટીમાં રહેતા રાજેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ઝાલાએ અમદાવાદ આશ્રમ રોડ ઉપર આવેલ યુનિક એસ.એમ.સી.એસ.લી.માં છ વર્ષ ડબલની સ્કીમમાં ડીપોઝીટ કરાવેલ. જે પાકતી તા.૨૧-૭-૨૦૨૧ ના રોજ રૂા.૫૦૭૫૦/- થતા હતા. રાજેન્દ્રસિંહ ઝાલા તથા તેમના અન્ય સ્નેહી મળી કુલ ૬ વ્યક્તિઓએ આ સ્કીમમાં ડીપોઝીટ કરાવી હતી. જેમાંથી પાંચ ડિપોઝીટરોને પાકતી મુદતે રકમ આપી હતી. જ્યારે રાજેન્દ્રસિંહ ઝાલાને પાકતી મુદતે ડિપોઝીટ પરત આપવામાં આવી નહોતી. જેમાં ન્યાય મેળવવા વિસનગર તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળની અરજી કરતા ગ્રાહક સુરક્ષા મંડળે યુનિક એસ.એમ.સી.એસ.લી.ને નોટીસ આપી હતી. ગ્રાહક સુરક્ષાની નોટીસ મળતા યુનિક એસ.એમ.સી.એસ. દ્વારા રાજેન્દ્રસિંહ ઝાલાને પાકતી મુદતના રૂા.૫૦૭૫૦/- ની રકમ આપવામાં આવી છે.
ચોથા એક કેસમાં વિસનગર તાલુકાના કડા ગામના હેમલકુમાર પ્રવિણભાઈ ધોબીનુ બરોડા ગ્રામીણ બેંક કડા શાખામાં એકાઉન્ટ હતુ. જેમના ખાતામાંથી વડાપ્રધાન વિમા યોજનામાં દર વર્ષે ઓટોમેટીક પ્રિમિયમની રકમ કપાતી હતી. તા.૬-૬-૨૦૨૧ ના રોજ હેમલકુમાર ધોબી કડાથી રાઠોડીપુરા જવાના રસ્તે આવેલ તળાવમાં ન્હાવા પડતા મૃત્યુ થયુ હતુ. મૃતક યુવાનના પિતા પ્રવિણભાઈ વિઠ્ઠલભાઈ ધોબીએ બેંકમા વિમા ક્લેમ માટે અરજી કરતા ખાતામાંથી પ્રિમિયમ કપાયુ નથી. લેવડ દેવડ થઈ નહી હોવાથી ખાતુ બંધ થઈ ગયુ છે વિગેરે બહાના બતાવી વિમાની રકમ ચુકવવા ઈન્કાર કર્યો હતો. જેમાં પ્રવિણભાઈ ધોબી દ્વારા વિસનગર તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળમાં અરજી કરવામાં આવી હતી. ગ્રાહક સુરક્ષા મંડળે નોટીસ આવતાજ બેંક દ્વારા મૃતક યુવાનના વારસદાર પિતાને બે લાખ રૂપિયાની વિમા ક્લેમની રકમ ચુકવી આપવામાં આવી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us