ખરવડા ગ્રામજનો ઋષિભાઈ પટેલની પડખે છે અને રહેશે
ગામના આગેવાનોનો રોષ-કેટલાક તત્વોએ ભાજપને ચેતવણી આપતુ બોર્ડ લગાવી ઈમેજ ખરાબ કરી છે
વિસનગર તાલુકાના ખરવડા ગામમાં ભાજપને જાહેર ચેતવણી આપી બહિષ્કારનુ બોર્ડ સોશિયલ મીડિયામાં વાયરલ થતા તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ખરવડા ગામના ચૌધરી સમાજના ચૌધરી કાનજીભાઈ લવજીભાઈ, ચૌધરી વિષ્ણુભાઈ મોતીભાઈ, ચૌધરી મેઘરાજભાઈ રામજીભાઈ, ચૌધરી ગણેશભાઈ શામજીભાઈ, ચૌધરી અશ્વીનભાઈ બબાભાઈ, ચૌધરી રણછોડભાઈ બબુભાઈ તથા ચૌધરી ભગવાનભાઈ ફલજીભાઈએ ગ્રામજનો વતી ભાજપનો બહિષ્કારના બોર્ડ વાયરલ કરવાના બનાવને વખોડતા જણાવ્યુ છેકે, ખરવડા ગામના તમામ સમાજના ગ્રામજનો વર્ષોથી ભાજપની સાથે છે. ભાજપની સરકારમાં અમારો અવાજ સંભળાય છે અને ઋષિભાઈ પટેલ ગામના વિકાસ કાર્યો માટે હંમેશા પોઝીટીવ રહ્યા છે. જેના કારણે ખરવડા ગામ હંમેશા ભાજપ તથા ઋષિભાઈ પટેલની સાથેજ છે અને ભવિષ્યમાં પણ રહેશેજ.
કેટલાક વ્યક્તિઓ પોતાના હિત ખાતર સમગ્ર સમાજ અને ગામડાઓને બદનામ કરતા હવે લોકો જાગૃત બન્યા છે. વિસનગર તાલુકાના ખરવડા ગામમાં ભાજપનો બહિષ્કાર કરતુ બેનર લગાવી વાયરલ કરવામાં આવતા આ કૃત્યને ગ્રામજનોએ સખત શબ્દોમાં વખોડ્યુ છે. જે બનાવ બાદ ખરવડા ગામના આગેવાનો તથા ગ્રામજનોએ પોતાના પ્રતિભાવ આપતા ખરવડા ગામના કાનજીભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સમગ્ર ગુજરાત અને ભારતમાં અભૂતપૂર્વ વિકાસના કામો થયા છે. જેના કારણે ગુજરાતમાં દશકાઓથી ભાજપની સરકાર સાશનમાં આવે છે. ખરવડા ગામમાં પણ ભાજપના મતોમાં સમયની સાથે ઉત્તરોત્તર વધારો થયો છે. આજે પણ અમારું ગામ અકબંધ ભાજપની સાથે જ છે. ગામની એકતાને તોડવા માટે કોઈ અજાણ્યા વ્યક્તિઓએ ગામ બહાર બોર્ડ લગાવી ફોટા પાડીને ઉતારી લીધા પછી ફોટા સોશીયલ મીડિયામાં મૂકી અમારા ગામની છબી ખરાબ કરવાનો પ્રયત્ન કર્યો છે.
કાનજીભાઈ ચૌધરીએ વધુમાં જણાવ્યુ હતું કે, ઋષિકેશભાઈના પ્રયત્નોથી અમારા ગામમાં કોમ્યુનિટી શેડ બનાવવા લગભગ ૩૫ લાખ રૂપિયા જેટલી માતબર રકમ સરકારમાંથી ફાળવીને બાંધકામ કરી આપ્યું છે. જેના કારણે સમગ્ર ગામમાં કોઈપણ ગ્રામજનને ત્યાં પ્રસંગ હોય તો એના ૫૦,૦૦૦ થી લાખ રૂપિયાનો મંડપનો ખર્ચો બચી જાય છે. આવા તો અનેક લોકો ઉપયોગી કાર્યો ઋષિકેશભાઈ એ કરેલા છે અને એટલા માટે જ અમે એમને ફૂલે પૂજીએ છીએ.
જ્યારે ગણેશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, ખરવડા ગામમાં સતત વિકાસના કામો થઈ રહ્યા છે. ઋષિભાઈ પટેલના ધારાસભ્ય બન્યા પછી એમાં ઓર વધારો થયો છે. જેના કારણે અમારું ગામ એકસંપ થઈને દરેક ચુંટણીમાં ભાજપનું સમર્થન કરે છે. અમારા ગામમાં ભાજપને ચેતવણી આપતાં બોર્ડ લાગ્યા હોવાની વાત અમને પણ મળી હતી. અમે ગામના આગેવાનોએ સાથે મળી તપાસ કરી, પરંતુ અમારા ગામમાં આવું કોઈ બોર્ડ લાગેલું નથી. સોશીયલ મીડિયામાં ખરવડાના નામથી જે ફોટો મુકેલો છે, એ કોઈ અસામાજીક તત્વોએ વાડ પર બોર્ડ ભરાવી ફોટો પાડી લીધો હોય તેવો દેખાય છે. આ રીતના બોર્ડમાં અમારા ગામનું નામ લખી ખરવડા ગામની ઈમેજ ખરાબ કરવાવાળા તત્વોની હરકતને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને આવું કૃત્ય કરવાવાળાને છોડવાના નથી. ખરવડા ગામ અને ખરવડાના ગ્રામજનો હંમેશા ભાજપની સાથે હતું, છે અને કાયમ રહેશે. ભાજપની સરકારમાં અને ધારાસભ્ય ઋષિકેશભાઈના શાસનમાં અમારા ગામનો ખુબજ સારો વિકાસ થયો છે. જેના કારણે સમગ્ર ખરવડા ગામના તમામ સમાજના લોકોમાં ઋષિકેશભાઈ પટેલ ખુબજ લોકપ્રિય છે. અને એટલેજ ખરવડા ગામના તમામ ગ્રામજનો ખોબલે ખોબલે ભાજપને મત આપે છે.
ખરવડાના વિષ્ણુભાઈ ચૌધરીના જણાવ્યા મુજબ ખરવડા ગામમાં રોડ રસ્તા, પીવાના પાણીની વ્યવસ્થા, સિંચાઈ અને પશુઓના પીવાના પાણી માટે તળાવ ભરવાની વ્યવસ્થા એવા અનેક કામો ઋષિભાઈના ધારાસભ્યપદ સમયમાં થયા છે. અમારા ગામના દરેક નાગરિકને તેમની ઉપર ખૂબજ પ્રેમ છે. અમારું આખું ગામ ઋષિભાઈની સાથે છે અને તેમને જ્યારે પણ જરૂર પડે એક અવાજે તેમની તરફેણમાં તૈયાર છે.
મેઘરાજભાઈ ચૌધરીએ ઋષિકેશભાઈની કાર્યપદ્ધતિને બિરદાવતા કહ્યું હતું કે, અમારા ખરવડા ગામમાં આજે જે વિકાસ દેખાય છે તે ઋષિકેશભાઈને આભારી છે. ઋષિકેશભાઈએ કોઈપણ જાતના ભેદભાવ રાખ્યા સિવાય પોતાના મત વિસ્તારના દરેક ગામના વિકાસને પ્રાધાન્ય આપ્યું છે. અમારા ચૌધરી સમાજ સહિત આખું ગામ કાયમ ભાજપની સાથે રહે છે અને આવનાર સમયમાં આના કરતાં પણ વધુ મજબુત રીતે ભાજપની સાથે રહેશે.
ખરવડા ગામના ભગવાનભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, અત્યારે અમારા ગામનું નામ ખરાબ કરવાવાળા તત્વો કાન ખોલીને સાંભળી લે કે, વિસનગરમાં ઋષિભાઈ જેવો કાર્યક્ષમ અને લોકપ્રિય ધારાસભ્ય બીજો કોઈ થયો નથી અને થવાનો નથી. અમારું સમસ્ત ગામ ભાજપની સાથેજ છે અને આવી હરકતો કરવાવાળા તત્વોને અમે સબક શીખવાડીનેજ રહીશું.
• ગામની એકતા તોડવા અજાણ્યા વ્યક્તિઓએ બોર્ડ લગાવી સોશિયલ મીડિયામાં મુકી ગામની છબી ખરાબ કરવાનો પ્રયત્ન કર્યો છે-કાનજીભાઈ ચૌધરી
• ખરવડા ગામમાં સતત વિકાસના કામો થઈ રહ્યા છે અને ઋષિભાઈ પટેલ ધારાસભ્ય બન્યા પછી વિકાસ કામમાં વધારો થયો છે-ગણેશભાઈ ચૌધરી
• રોડ રસ્તા, પીવાનુ પાણી, પાણીનો નિકાલ, સીંચાઈ, પશુઓના પીવાના પાણી માટે તળાવો ભરવાની વ્યવસ્થા જેવા અનેક કામ ઋષિભાઈ પટેલના ધારાસભ્ય કાળમાં થયા છે-વિષ્ણુભાઈ ચૌધરી
• ઋષિભાઈ પટેલે કોઈપણ જાતનો ભેદભાવ રાખ્યા સીવાય મત વિસ્તારના દરેક ગામમાં વિકાસને પ્રાધાન્ય આપ્યુ છે-મેઘરાજભાઈ ચૌધરી
• વિસનગરમાં ઋષિભાઈ પટેલ જેવા કાર્યક્ષમ અને લોકપ્રીય ધારાસભ્ય બીજા કોઈ થયા નથી અને થવાના નથી-ભગવાનભાઈ ચૌધરી