પ્રવેશોત્સવના નાટક કરતી સરકારની પોલ ખોલતી હકીકત
- બાળકોને દેશનુ ભાવી ગણવામાં આવે છે ત્યારે અભ્યાસ સ્થળે જીવનુ જોખમ
- કેટલીક પ્રા.શાળાઓ ઘણા વર્ષથી બીસ્માર હાલતમાં ત્યારે શૈક્ષણિક સુવિધા પાછળ શિક્ષણ વિભાગનુ દુર્લક્ષ
અવિરત વિકાસની વાતો કરતા વિસનગરના ધારાસભ્ય તથા કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના મત વિસ્તારની સરકારી પ્રાથમિક શાળાઓની હાલત દયનીય છે. મોટેભાગે બક્ષીપંચ સમાજના ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો જર્જરીત સરકારી પ્રાથમિક શાળાઓમાં જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે. વિસનગરની ૨૪ જર્જરીત પ્રા.શાળાના ૧૫૧ ઓરડાનુ કામ વિલંબમાં મુકાતા બાળકો જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે. ભાજપ સરકારના શિક્ષણ વિભાગની નિષ્ફળતાના કારણે સરકારી શાળાઓ અને બાળકોના શિક્ષણની હાલત બાબતે આમ આદમી પાર્ટી દ્વારા જે મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે તે ખોટો નથી.
લાખ્ખો રૂપિયાના ખર્ચે એક રોડ નહી બને કે બીજા વિકાસ કામ નહી થાય તો ચાલશે. પરંતુ સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા એક બાળકનુ શિક્ષણ બગડશે તો તેની આખી જીંદગી ગરીબી અને મજુરીના દોજખમાં ધકેલાશે. ગુજરાતની ભાજપ સરકારમાં શાળા પ્રવેશોત્સવ, ખેલ મહાકુંભ જેવા કાર્યક્રમો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. ત્યારે આજ સરકારમાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોની સુવિધાઓ પાછળ દુર્લક્ષ રાખવામાં આવે છે તે નગ્ન સત્ય છે. સરકારની નિષ્કાળજીને જાણીને અને પારખીને આમ આદમી પાર્ટી દ્વારા જે દાણો દબાવવામાં આવ્યો છે તેનાથી સરકાર દોડતી થઈ ગઈ છે. મતની લાલચમાં રોડ, ગટર, પાણી, તળાવ જેવા વિકાસ કામ કરવામાં આવે છે પરંતુ મતદાનનો હક્ક નથી તેવા બાળકોની સુવિધા માટે સરકાર દ્વારા કોઈ ખર્ચ કરવામાં આવતો નથી તે હકીકત છે.
વિસનગર તાલુકાનીજ વાત કરીએ તો ઘણી એવી સરકારી પ્રાથમિક શાળા છે જે જર્જરીત હાલતમાં છે. વર્ષો જૂની પ્રાથમિક શાળાના પતરા તુટી ગયા છે. દિવાલોમાં તિરાડો પડી છે. બાળકો જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે. પ્રા.શાળાના આચાર્ય અને શિક્ષકો શિક્ષાત્મક કાર્યવાહીના ડરથી બોલી શકતા નથી. શિક્ષણ વિભાગના અધિકારીઓ ઓફીસમાં બેસી રહેતા હોવાથી અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારના બાળકોની હાલત વિશે માહિતી નથી. તાલુકાની ૨૪ શાળાના ઓરડા બીસ્માર હાલતમાં છે. જેમાં ઘણી પ્રાથમિક શાળાઓ તો ઘણા સમયથી જર્જરીત છે. પરંતુ મોટેભાગે ગરીબ અને મધ્યમ વર્ગના બક્ષીપંચ સમાજના બાળકોના ભાવીનુ ઘડતર થાય છે તેવી પ્રાથમિક શાળાઓના ઓરડા નવા બનાવવા માટે કોઈ કાર્યવાહી થતી નથી. તાલુકાના (૧) બેચરપુરા પ્રાયમરી સ્કુલના ૫(પાંચ) ઓરડા (૨) ભાલક પ્રાયમરી કન્યા સ્કુલના ૬ ઓરડા (૩) ભાલક પ્રાયમરી કુમાર સ્કુલના ૬ (૪) ભાન્ડુ અનુપમ પ્રિ.કુમાર સ્કુલના ૯ (૫) ચિત્રોડા મોટા પ્રાયમરી સ્કુલના ૩ (૬) દઢિયાળ અનુપમ પ્રિ સ્કુલના ૧ (૭) ગોઠવા પે સેન્ટર સ્કુલના ૧૬ (૮) ગુંજા પ્રિ કન્યા સ્કુલ ૯ (૯) જેતલવાસણા પ્રાયમરી સ્કુલના ૯ (૧૦) કમાણા પ્રાયમરી સ્કુલ-૨ના ૭ (૧૧) કાંસા પ્રાયમરી સ્કુલ-૧ ના ૮ (૧૨) ખદલપુર પ્રાયમીર સ્કુલના ૭ (૧૩) ખંડોસણ પ્રાયમરી સ્કુલના ૪ (૧૪) પાલડી પ્રાયમરી સ્કુલના ૨ (૧૫) રાલીસણા પ્રાયમરી સ્કુલના ૨ (૧૬) રંડાલા પ્રાયમરી સ્કુલ ૬ (૧૭) રંગાકુઈ પ્રાયમરી સ્કુલના ૧ (૧૮) સદુથલા પ્રાયમરી સ્કુલના ૧ (૧૯) સવાલા પ્રાયમરી સ્કુલના ૧૦ (૨૦) સુંશી અનુપમ પ્રી સ્કુલના ૨ (૨૧) ઉદલપુર પ્રાયમરી સ્કુલના ૧૪ (૨૨) ઉમતા પ્રાયમરી કન્યા સ્કુલના ૮ (૨૩) વિષ્ણુપુરા(ખ) પ્રાયમરી સ્કુલના ૨ તથા (૨૪) વિસનગર પ્રાયમરી સ્કુલ-૨ ના ૧૩ ઓરડા મળી ૨૪ સરકારી પ્રાથમિક શાળાના કુલ ૧૫૧ ઓરડા નવા બનાવવાના છે. જે માટે દરખાસ્ત કરવામાં આવી છે. જેમાં કેટલીક પ્રાથમિક શાળા તો ઘણા વર્ષથી બીસ્માર હાલતમાં છે. જેમાં વિસનગર તાલુકા પ્રાથમિક શિક્ષણ વિભાગના ટી.પી.ઓ.સંગીતાબેન પટેલે જણાવ્યુ છેકે, સવાલા તથા જેતલવાસણા પ્રાથમિક શાળાના નવા ઓરડા બનાવવા ટેન્ડર પાડી વર્કઓર્ડર આપવામાં આવ્યો છે. જ્યારે અન્ય શાળાઓના નવા ઓરડા માટે ટેન્ડરીંગની પ્રક્રિયા ચાલુ છે.