Select Page

પાર્ટી કહેશે તો વિસનગરથી ચુંટણી લડીશ-વિપુલભાઈ ચૌધરી

ખંડોસણમાં ડેરીના પૂર્વ ચેરમેન વિપુલભાઈ ચૌધરીની સભા યોજાઈ

વિસનગર તાલુકાના ખંડોસણ ગામમાં ગત રવિવારના રોજ મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલભાઈ ચૌધરીની ભવ્ય સભા યોજાઈ હતી. જેમાં વિપુલભાઈ ચૌધરીએ આગામી વિધાનસભાની ચુંટણીમાં મારી પાર્ટી કહેશે તો હું વિસનગરથી ચુંટણી લડીશ તેવો હુંકાર કરતા તાલુકાનું રાજકારણ ગરમાયુ છે. જોકે વિપુલભાઈ ચૌધરીએ કોઈ પાર્ટીનુ નામ નહી લેતા વિસનગરમાં ચુંટણી લડવા થનગની રહેલા નેતાઓ પોતાના ગોડફાધરના શરણે દોડતા થયા છે.
મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન અને રાજ્યના પૂર્વ ગૃહમંત્રી વિપુલભાઈ ચૌધરી વિધાનસભાની ચુંટણી પહેલા ફરી સક્રિય થયા છે. મહેસાણા દૂધસાગર ડેરીની ચુંટણી બાદ વિપુલભાઈ ચૌધરીએ અર્બુદા સેનાની સ્થાપના કરી મહેસાણા જીલ્લા સહિત ઉત્તર ગુજરાતના અલગ-અલગ તાલુકા અને ગામોમાં સભાઓ ગજવી ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી તથા રાજ્યના કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ સામે આકરા પ્રહારો કરી રહ્યા છે. વિપુલભાઈની દરેક સભામાં ચૌધરી સમાજના યુવાનો મોટી સંખ્યામાં જોડાતા દુધીયા રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. વિસનગર તાલુકાના ખંડોસણ ગામમાં તા.૧૦-૭ ના રોજ સવારે ૧૦-૦૦ કલાકે ડેરીના પૂર્વ ચેરમેન વિપુલભાઈ ચૌધરીની સભાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં વિપુલભાઈ ચૌધરીએ ડેરીના ચેરમેન સહિતના વહીવટકર્તાઓ સામે ડેરીના વહીવટને લઈને આક્ષેપો કર્યા હતા. આ સાથે દૂધસાગર ડેરીની જનરલ સભાના દિવસે ડેરીના પૂર્વ વાઈસ ચેરમેન મોઘજીભાઈ ચૌધરી તથા તેમના પુત્ર અને ભાણેજ ઉપર થયેલ હુમલાના બનાવમાં ડેરીના સત્તાધિશો સામે રોષ વ્યક્ત કર્યો હતો. જોકે આ સભામાં વિપુલભાઈ ચૌધરીએ મારી પાર્ટી કહેશે તો આવનારી વિધાનસભાની ચુંટણીમાં વિસનગર બેઠક ઉપરથી ચુંટણી લડીશ તેવી તૈયારી દર્શાવતા તાલુકાનુ રાજકારણ ગરમાયુ છે. જોકે વિપુલભાઈએ પાર્ટીનું નામ લીધા વગર વિસનગર બેઠક ઉપરથી ચુંટણી લડવાની તૈયારી બતાવતા વિસનગર બેઠક ઉપર ચુંટણી લડવા થનગની રહેલા નેતાઓ અત્યારથીજ સક્રીય બની પોતાના ગોડફાધરના શરણે દોડી રહ્યા છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us