Select Page

વિસનગરમાં ૧.૮૭ લાખ ૧૮+ લાભાર્થીઓને બુસ્ટર ડોઝ અપાશે

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કેન્દ્રીય કેબીનેટની દેશવાસીઓને ભેટ

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત બુસ્ટર ડોઝ દેશવાસીઓ માટે અમૃત સાબીત થશે તેમ જણાવી આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાના નિર્ણયને આવકાર્યો

કેન્દ્રીય કેબીનેટ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા દ્વારા આઝાદીના ૭૫ વર્ષના ઉજવણી પ્રસંગે ૭૫ દિવસ સુધી ૧૮ વર્ષથી ઉપરની ઉંમરના દેશવાસીઓને બુસ્ટર ડોઝ આપવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ખાનગી હોસ્પિટલોમાં લગભગ રૂા.૪૦૦/- ના ખર્ચે બુસ્ટર ડોઝ આપવામાં આવતો હતો. ત્યારે લોકો વિનામુલ્યે બુસ્ટર ડોઝ લઈને કોરોના સામે રક્ષા કવચ મેળવશે. વિસનગર તાલુકાના આરોગ્ય તંત્ર દ્વારા ઉમતામાં યોજાયેલ વંદે ગુજરાત કાર્યક્રમથી બુસ્ટર ડોઝ આપવાના શ્રીગણેશ કર્યા છે. તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રાબેન પટેલ તથા તાલુકા પંચાયતના સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન અંકીતભાઈ પટેલે સૌપ્રથમ બુસ્ટર ડોઝ લઈને કેન્દ્રના નિર્ણયને આવકાર્યો છે.
સમગ્ર વિશ્વને હચમચાવનાર કોરોના આપણી વચ્ચેથી ગયો નથી. સમય અંતરે પોઝીટીવ કેસ વધતા લોકોના જનજીવન અને માનસ ઉપર અસર વર્તાઈ રહી છે. સરકાર દ્વારા કોરોનાના બન્ને ડોઝ અપાયા બાદ ત્રીજા બુસ્ટર ડોઝ માટે ખાનગી હોસ્પિટલને છુટ આપવામાં આવતી હતી. જેમાં વેક્સીનની કિંમત રૂા.૨૫૦/- અને હોસ્પિટલના અન્ય ચાર્જ સાથે લગભગ રૂા.૪૦૦/- જેટલો ખર્ચ થતો હતો. ગરીબ અને મધ્યમ વર્ગની આબાદી વાળા દેશમાં લોકો ખર્ચ કરીને બુસ્ટર ડોઝ લઈ શકે તેમ નહોતા. ત્યારે આઝાદી કા અમૃત મહોત્સવ ૭૫ મા વર્ષની ઉજવણી પ્રસંગે કેન્દ્રીય કેબીનેટ દ્વારા ૧૮ વર્ષથી ઉપરના તમામ લોકોને વિનામૂલ્યે બુસ્ટર ડોઝ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ૧૫ મી જુલાઈથી શરૂ થયેલ આ યોજનામાં ૭૫ દિવસ સુધી ત્રીજો બુસ્ટર ડોઝ આપવામાં આવશે.
વિસનગર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા ૧૫ મી જુલાઈના રોજ ઉમતા ખાતે યોજાયેલ વંદે ગુજરાત કાર્યક્રમથી બુસ્ટર ડોઝ આપવાની શુભ શરૂઆત કરી દીધી છે. તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રાબેન પટેલ, તાલુકા પંચાયતના સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન અંકીતભાઈ પટેલ, જીલ્લા પંચાયત સદસ્ય અમીષાબેન પરમારના પતિ રાજુભાઈ પરમાર, તાલુકા ભાજપ મહામંત્રી મહેશભાઈ પટેલ સુંશી, ટી.ડી.ઓ.મનુભાઈ પટેલ, જીલ્લા એપેડેમીક ઓફસર ર્ડા.વિનોદભાઈ પટેલ, વિસનગર તાલુકા હેલ્થ ઓફીસર ર્ડા.આર.ડી.પટેલ વિગેરેની ઉપસ્થિતિમાં રીબીન કાપી વિસનગરમાં બુસ્ટર ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી હતી. ગુરૂપૂર્ણિમાના દિવસે કેન્દ્રીય કેબીનેટ દ્વારા બુસ્ટર ડોઝનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલે જણાવ્યુ હતું કે, કેન્દ્રીય કેબીનેટમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ આઝાદી કા અમૃત મહોત્સવ પ્રસંગે બુસ્ટર ડોઝ આપવાનો નિર્ણય કર્યો છે. જે દેશવાસીઓ માટે કોરોના સામે રક્ષા કવચન આપતુ અમૃત સાબીત થશે.
       કોરોના કાળમાં કોરોના નોડલ ઓફીસર તરીકે જેમની યશસ્વી કામગીરી રહી હતી તેવા વિસનગર તાલુકા આરોગ્ય અધિકારી ર્ડા.આર.ડી.પટેલે જણાવ્યુ છેકે, તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અર્બન હેલ્થ સેન્ટર, જનરલ હોસ્પિટલ વિસનગર, સામુહિક આરોગ્ય કેન્દ્ર ઉદલપુરમાં બુસ્ટર ડોઝ ઉપલબ્ધ થશે. બુસ્ટર ડોઝ માટે કોઈ પ્રિ રજીસ્ટ્રેશન કરાવાનુ નથી. વિસનગર શહેર તાલુકામાં ૧૮ વર્ષની ઉપરની ઉંમરના ૧,૮૭,૧૬૨ લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જે તમામ બુસ્ટર ડોઝ લઈ શકશે. હેલ્થ વર્કર, ફ્રન્ટલાઈન વર્કર તથા ૬૦ વર્ષની ઉપરના ૧૭૧૭૩ ને બુસ્ટર ડોઝ આપવામાં આવ્યો છે. બુસ્ટર ડોઝ માટે આરોગ્ય વિભાગ દ્વારા તમામ તૈયારી કરવામાં આવી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us