ફકત મહિલાઓ અને યુવતીઓ માટેના લેડીઝ જીમને મળી રહેલો અભૂતપૂર્વ આવકાર
ફકત મહિલાઓ અને યુવતીઓ માટેના
લેડીઝ જીમને મળી રહેલો અભૂતપૂર્વ આવકાર
(પ્ર.ન્યુ.સ.) વિસનગર, રવિવાર
વિસનગર શહેરમાં નવીન શરૂ થયેલ મહિલા જીમમાં પહેલા દિવસથી જ સ્વાસ્થ્ય પ્રેમી મહિલાઓનો ભારે પ્રતિસાદ મળી રહ્યો છે. મુસ્લિમ તથા મલાજા રાખતા સમાજની મહિલાઓએ જીમમાં ભારે રસ દાખવ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ વિસનગર એમ.એન.કોલેજ રોડ ઉપર હરીહર સોસાયટીમાં ફક્ત મહિલાઓ માટેજ મહિલા સંચાલીત મહિલાઓના સમયાનુસાર મહિલા જીમ પ્રિતીબેન બ્રહ્મભટ્ટ દ્વારા ચાલુ કરવામાં આવ્યુ છે. પ્રવર્તમાન બેઠાળુ જીવનવાળા સંજોગોમાં મહિલાઓ અને યુવતીઓ સ્વાસ્થ્યની જાળવણી માટે જાગૃત થઈ છે. વિસનગર શહેરમાં અનેક મોટા જીમ છે. તેમાં પુરુષો અને મહિલાઓને પ્રવેશ અપાય છે. કોઈ કોઈ જીમમાં મહિલાઓની અલગ બેચ રાખવામાં આવે છે પણ ટ્રેનર પુરુષજ હોય છે. જીમની કેટલીક અંગ કસરતો કરતાં પુરુષોની હાજરીમાં મહિલાઓ ક્ષોભ અનુભવે છે. આવા અનુભવને લઈ અને મહિલાઓની માગણીના કારણે પ્રિતીબેન બ્રહ્મભટ્ટે મહિલા જીમ ચાલુ કર્યુ છે. કેટલીક મલાજા વાળી કોમો અને મુસ્લિમ સમાજની મહિલાઓ આવા જનરલ જીમોમાં ક્ષોભ અનુભવે છે. આવી મહિલાઓની મુશ્કેલીને લક્ષમાં રાખી મહિલા જીમ શરૂ કરાયુ છે. પ્રિતીબેન બ્રહ્મભટ્ટના મહિલા જીમમાં મુસ્લિમ મહિલાઓ અને મલાજાવાળી યુવતીઓએ સારો રસ દાખવ્યો છે. ઉદ્ઘાટનના બીજા દિવસથી જ મુસ્લિમ મહિલાઓએ જીમમાં આવવાની શરૂઆત કરી છે. પ્રિતીબેન ગૃહિણી હોવાથી મહિલાઓને કયો સમય ફાજલ મળી શકે તે દૃષ્ટિ સમક્ષ રાખી સવારે ૮ થી ૯, બપોરે ૨ થી ૩ અને સાંજે ૫ થી ૬ ની બેચો શરૂ કરી છે. દરેક બેચમાં મહિલાઓ આવી રહી છે. પ્રિતીબેને જણાવ્યુ છેકે, જીમ તેમનો શોખ છે, વ્યવસાય નથી. તેમણે એરોબીક અને ડાયેટ કન્ટ્રોલનું શિક્ષણ પણ મેળવ્યું છે. જે મહિલાઓ માટે ઉપયોગી છે. વધુ માહિતી માટે પ્રિતીબેન બ્રહ્મભટ્ટનો મો.નં.૯૩૨૭૧ ૧૩૫૧૧ ઉપર સંપર્ક સાધી શકાશે.