૧૦ ટકાથી ઉંચા ૨૯૬ લાખના પાંચ ટેન્ડરની RCMમાં દરખાસ્ત
પાલિકા કારોબારીની મીટીંગમાં એક ટેન્ડર રદ – બે મંજુર કરાયા જ્યારે
- ટેન્ડરની કિંમત કરતા ૧૦ ટકા સુધીના વધુ ભાવ હોય તો મંજુર કરવાની પાલિકાને સત્તા
વિસનગર પાલિકા દ્વારા કરવામાં આવેલ ટેન્ડરીંગમાં કોન્ટ્રાક્ટરોએ રસ દાખવી ટેન્ડર ભર્યા હતા. આવેલા ટેન્ડરમાં કોન્ટ્રાક્ટરો સાથે કારોબારીની મીટીંગમાં નેગોશિએશન કરવામાં આવ્યુ હતુ. જેમાં બે કોન્ટ્રાક્ટર ભાવ ઓછા કરવા સંમતી આપતા ટેન્ડર મંજુર કરવામાં આવ્યા હતા. જ્યારે રૂા.૨૯૬ લાખના પાંચ ટેન્ડરની મંજુરી માટે પ્રાદેશીક કમિશ્નરમાં દરખાસ્ત કરવાની તજવીજ હાથ ધરાઈ છે. પ્રાદેશીક કમિશ્નરની મંજુરી મળ્યા બાદ વર્કઓર્ડર આપવામાં આવશે.
વિસનગર પાલિકામાં ભાજપનુ શાસન આવ્યુ ત્યારથી વિકાસ કામમાં એક પછી એક ઉપાદી આવી રહી છે. પ્રથમ કોરોના કાળ આવ્યો, ત્યારબાદ મટેરીયલના ભાવ વધતા એસ.ઓ.આર. રેટને લઈ કોન્ટ્રાક્ટરો હડતાલ ઉપર ઉતર્યા. વચ્ચે પાલિકામાં સત્તાની સાઠમારીનો વિવાદ નડ્યો અને હવે ટેન્ડરની કિંમતના ૧૦ ટકા કરતા ઉંચા ભાવ હોય તો પ્રાદેશીક કમિશ્નર એટલે કે આર.સી.એમ.ની મંજુરીનો પ્રશ્ન આવીને ઉભો છે. કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના પ્રયત્નો અને પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલની મહેનતથી વહિવટી તથા તાંત્રીક મંજુરી તો ક્યારનીય મળી ગઈ છે. પરંતુ ટેન્ડરના ભાવ ઉંચા આવતા હવે તેની જટીલ પ્રક્રિયામાં પાલિકા તંત્ર મથામણ કરી રહ્યુ છે.
વિસનગર પાલિકાના વિકાસ કામના આઠ ટેન્ડરની ચર્ચા માટે કારોબારી ચેરમેન આશાબેન પટેલની અધ્યક્ષતામાં મીટીંગ મળી હતી. જેમાં કારોબારી સભ્ય આર.ડી.પટેલ, અમાજી ઠાકોર, કિરીટભાઈ પરમાર, મેહુલભાઈ પટેલ, ઉત્તમભાઈ પટેલ તથા જયેશકુમાર પંડ્યાએ હાજરી આપી હતી. ચાર સભ્યો ગેરહાજર રહ્યા હતા. મીટીંગમાં ટેન્ડર ભરનાર કોન્ટ્રાક્ટરો સાથે નેગોશિયેશન કરવામાં આવ્યુ હતુ. જેમાં (૧) રૂા.૩.૪૮ લાખના સી.સી.રોડ પેવર બ્લોકનુ ટેન્ડર ૩૪.૯૨ ટકા ઉંચુ આવતા કોન્ટ્રાક્ટરે ૪.૯૨ ટકા ભાવ ઓછા કર્યા હતા. (૨) વાલ્વ સપ્લાય, ફીટીંગ તથા પંચશીલ દિપરા હેડવર્કસમાં ચડતી ઉતરતી ડી.આઈ. પાઈપલાઈન નાખવાનુ રૂા.૨૯.૩૫ લાખનુ ટેન્ડર ૭૧.૮૬ ટકા ઉંચુ આવતા રદ કરવામાં આવ્યુ હતુ. (૩) જુદી જુદી જગ્યાએ સી.સી. રોડ માટે રૂા.૬૧.૭૧ લાખનું ટેન્ડર ૧૭.૮૯ ટકા ઉંચુ આવ્યુ હતુ. જેમાં કોન્ટ્રાક્ટર ભાવ ઓછા કરવા અસંમત થયા હતા. (૪) સી.સી. રોડ, પેવર બ્લોક, પ્રોટેક્શન વૉલ, કેનાલ, સ્લેબ, સ્મશાનની કામગીરીનું રૂા.૮૯.૪૫ લાખનું ટેન્ડર ૨૫.૭૪ ટકા ઉંચુ આવ્યુ હતુ. જ્યારે (૫) સી.સી.રોડ પેવર બ્લોક, ટોયલેટ, પ્રોટેક્શન વૉલ, સ્લેબ નાળા તથા ઓવરફ્લો ગેટની કામગીરીનું રૂા.૯૮.૪૪ લાખનું ટેન્ડર રૂા.૨૫.૭૪ ટકા ઉંચુ આવ્યુ હતુ. જે બન્ને ટેન્ડરમાં એકજ કોન્ટ્રાક્ટર છે અને ૦.૭૪ ટકા ઓછા કરવા સંમતી આપી હતી. (૬) લાલ દરવાજા વોટર વર્કસમાં ૨૦ લાખ લીટર કેપેસીટીનો ભૂગર્ભ સંપ બનાવવા માટે રૂા.૫૬.૭૯ લાખનું ટેન્ડર ૧૪.૨૫ ટકા ઉંચુ આવ્યુ હતુ. જેમાં કોન્ટ્રાક્ટર ૪.૫ ટકા ભાવ ઓછા કરતા મંજુર કરવામાં આવ્યુ હતુ. (૭) ધર્મશાળા રિનોવેશન કામગીરીનું રૂા.૪૩ લાખનુ ટેન્ડર ૧૪.૪૨ ટકા ઉંચુ આવ્યુ હતુ. જેમાં કોન્ટ્રાક્ટરે ભાવ ઘટાડવાનો ઈન્કાર કર્યો હતો. જ્યારે (૮) પી.વી.સી.પાઈપ તથા પી.વી.સી. ફીટીગ્સ માલ-સામાન ખરીદીના ભાવ ૯.૩૧ ટકા ઉંચા હોવાથી આ ટેન્ડર મંજુર કરવામાં આવ્યુ હતુ.
ટેન્ડરની કિંમતથી ૧૦ ટકા સુધીનુ ઉંચુ ટેન્ડર હોય તો પાલિકાને મંજુર કરવાની સત્તા આપવામાં આવી છે. તેનાથી ઉંચુ ટેન્ડર હોય તો આર.સી.એમ.માં દરખાસ્ત કરી મંજુરી લેવાની થાય છે. કારોબારીની મીટીંગ બાદ રૂા.૨૯૬ લાખના પાંચ ટેન્ડર આર.સી.એમ.માં મંજુરી માટે દરખાસ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.