Select Page

પોલીસની રહેમ નજરથી વિસનગર ઉડતા પંજાબ

એસ.ઓ.જી.એ ૧૩.૮૯૪ કિલો ગાંજા સાથે બેને દબોચ્યા

વિસનગર ગાંજાના જથ્થાબંધ વેપારનુ પીઠુ બની ગયુ છે. નશીલા પદાર્થોના છુટથી થતા વેપારના કારણે શૈક્ષણિક નગરીનું યુવાધન નશા તરફ ધકેલાઈ રહ્યુ છે. ત્યારે શહેરને ઉડતા પંજાબ તરફ લઈ જતો નશીલા પદાર્થોનો કાળો કારોબાર સ્થાનિક પોલીસને દેખાતો નથી. મહેસાણાના સ્પેશ્યલ ઓપરેશન ગૃપના સ્ટાફે ૧૩.૮૯૪ કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે બે શખ્સોને દબોચી શહેરમાં નશીલા પદાર્થના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. પોલીસે કુલ રૂા.૧,૬૯,૦૧૦/- ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી તાજમહંમદ ઉર્ફે તાજીયો ટીફીન જાનમહંમદ ફકીર તથા જાનમહંમદ ઉર્ફે જાનુબાપુ લીયાકતઅલી ફકીર તેમજ સુરતના બે શખ્સ વિરુધ્ધ નાર્કોટીક્સ એક્ટ મુજબ કાર્યવાહી કરી છે.
વિસનગર સીટી પોલીસ સ્ટેશનના પી.આઈ. એસ.એસ.નિનામા એક તરફ શહેરમાંથી અસમાજીક પ્રવૃત્તીઓ ડામવા માટે ચાપતી નજર રાખી રહ્યા છે. ત્યારે તેમના હાથ નીચેના ડી.સ્ટાફના રહેમનજર તળે શહેરનો વડનગરી દરવાજા વિસ્તાર નશીલા પદાર્થોના વેચાણનુ કેન્દ્ર બની ગયો છે. મહેસાણા એસ.ઓ.જી. પી.આઈ.બી.એચ. રાઠોડ, પી.એસ.આઈ.એસ.આર. ચૌધરી, વી.એન.રાઠોડ, એ.એસ.આઈ.પારખાનજી સુરાજી વિગેરે એસ.ઓ.જી.ઓફીસમાં હાજર હતા. ત્યારે બાતમી મળી હતી કે વિસનગર મસ્તાનનગરમાં રહેતો ફકીર તાજમહંમદ ઉર્ફે તાજીયો ટીફીન જાનમહંમદ તથા ફકીર જાનમહંમદ ઉર્ફે જાનુબાપુ લીયાકતઅલી બન્ને ગેરકાયદેસર ગાંજાના જથ્થા સાથે એસ.ટી.બસમાં આવી રહ્યા છે અને સવાલા દરવાજા બસ સ્ટેન્ડ ઉતરવાના છે. એસ.ઓ.જી. સ્ટાફ બે સરકારી વાહનમાં બેસી વિસનગર આવી આદર્શ વિદ્યાલય પાસે વૉચ ગોઠવી હતી. પોલીસની આવતી જતી બસો તથા ખાનગી વાહનો ઉપર બાજ નજર હતી. ત્યારે કમાણા રોડ ઉપરથી બે ઈસમો ખભે થેલો ભરાવી આવતા જણાતા પોલીસે દબોચ્યા હતા.

• વડનગરી દરવાજા નશીલા પદાર્થોનુ વેચાણ કેન્દ્ર
• આસાનીથી મળતા ડ્રગ્સ, ચરસ, ગાંજાથી નશા તરફ ધકેલાતુ શૈક્ષણિક નગરીનુ યુવાધન

તાજમહંમદ ફકીર તથા જાનમહંમદ ફકીરની પાસે રહેલા થેલામાં તપાસ કરતા સેલોટેપ મારેલા પેકેટ હતા. પેકેટ તોડતા અંદર માદક પદાર્થ જોવા મળ્યો હતો. પોલીસે આ બન્ને ઈસમોને આદર્શ વિદ્યાલયમાં લઈ જઈ તપાસ શરૂ કરી હતી. એફ.એસ.એલ.ટીમને બોલાવી લેબોરેટરી ટેસ્ટ કરતા ગાંજો હોવાનુ જણાયુ હતુ. નજીકમાંથી તોલાટને બોલાવી વજન કરતા ૧૩ કિલો ૮૯૪ ગ્રામ ગાંજાનો જથ્થો હતો. પોલીસે ગાંજો બે મોબાઈલ તથા રોકડ મળી કુલ રૂા.૧,૬૯,૦૧૦/- ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પુછપરછમાં સુરતમાં રાજુ નામના ઈસમનો સંપર્ક કરતા અશ્વીનીકુમાર રોડ ઉપર ટીકો નામનો ઈસમ ગાંજાના પેકેટ આપી ગયો હોવાનુ જણાવ્યુ હતુ. એસ.ઓ.જી. પી.એસ.આઈ. એસ.આર. ચૌધરીની ફરિયાદ આધારે વિસનગર સીટી પોલીસ સ્ટેશનમાં તાજમહંમદ ઉર્ફે તાજીયો ફકીર, જાનમહંમદ ફકીર, રાજુ અને ટીકો એમ ચાર વિરુધ્ધ એન.ડી.પી.એસ.એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો હતો.
નોધપાત્ર બાબત છેકે તાજમહંમદ ઉર્ફે તાજીયો તથા જાનમહંમદ ફકીર અગાઉ પણ ગંભીર ગુનામાં સંડોવાયેલા છે. આ પિતા પુત્રની અસમાજીક પ્રવૃત્તિઓના કારણે મસ્તાનનગર બદનામ બસ્તી બની ગયુ છે. જાનમહંમદ ફકીર અગાઉ પણ ગાંજાના જથ્થા સાથે ઝડપાયો હતો. શહેરના લાલ દરવાજા જુની એસ.બી.આઈ. બેંક પાસેથી તેમજ વડનગરી દરવાજા વિસ્તારમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો હતો. વિસનગર જથ્થાબંધ ગાંજાના વેપારનુ પીઠુ બની ગયુ છે. ત્યારે પી.આઈ.નો ડી.સ્ટાફ કયા કારણોસર આવી નશાખોરી પ્રવૃત્તીઓ સામે આંખ મીચામણા કરી રહ્યો છે તે ચર્ચાનો વિષય બન્યો છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us