Select Page

સાંસદ જુગલસિંહ ઠાકોરે રપ એમ્બ્યુલન્સ માટે રૂા.ર.૮ કરોડ ફાળવ્યા છતા
જિલ્લા આરોગ્ય તંત્રની સતલાસણા તાલુકા સાથે કિન્નાખોરી

સતલાસણા તાલુકો જિલ્લાના છેવાડે આવેલો તાલુકો છે. ડુંગરાળ પ્રદેશ, જંગલ, વાંધા કોતરો તેમજ પાણીની અછતવાળો તાલુકો છે. સતલાસણા તાલુકામાં મોટાભાગના લોકો ખેતીવાડી અને પશુપાલન ઉપર નિર્ભર રહે છે. મધ્યમ અને ગરીબ વર્ગના લોકો વધુ રહે છે. સતલાસણા તાલુકાનો વિસ્તાર ખુબ જ મોટો છે. સતલાસણા તાલુકો ૩૧૦.૩૩ સ્કેવર કિલો મીટરમાં ફેલાયેલો જિલ્લાનો વિસ્તારની દ્રષ્ટીએ સૌથી મોટો તાલુકો છે. સતલાસણા તાલુકાનો વિસ્તાર ખુબ જ મોટો હોવાથી દર સ્કેવર કીલો મીટરમાં માત્ર ર૮૯ લોકોનો વસવાટ છે. ર૦૧૧ની વસ્તી ગણત્રી પ્રમાણે ૮૯પ૪૬ લોકો સતલાસણા તાલુકામાં વસે છે. સતલાસણા તાલુકામાં કુલ ૭૧ ગામડા છે જેમાં છ ગામડા ઉજ્જડ (માનવ વસાહત) વગરના છે. જેથી ૬પ ગામોમાં લોકો રહે છે. સમુદ્ર તલથી ઉંચાઈ ૭૬૮ ફુટ છે. જેથી સિંચાઈની કોઈ વ્યવસ્થા હજુ સુધી કોઈપણ સરકાર કરી શકી નથી. સતલાસણા તાલુકાની ભૌગોલિક પરિસ્થિતિ ખુબજ વિષમ છે. સતલાસણા તાલુકામાં જંગલી પશુઓના ભયથી લોકો ખેતરોમાં રહેણાંક બનાવતા નથી. છતા સરકાર દ્વારા દિવસે ખેતીની લાઈટ આપવા માટે બનાવેલી કિસાન સુર્યોદય યોજનાનો અમલ કરાતો નથી. મોટાભાગના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આરોગ્યની સગવડ પુરતી મળતી નથી. આંતરીયાળ વિસ્તાર હોવાથી સારા ડૉકટરો મળતા નથી. પ્રાથમિક સારવાર મેળવવાના પણ સતલાસણા તાલુકામાં ફાંફાં છે. જે બાબતે જિલ્લા પંચાયત આરોગ્ય તંત્ર સંપુર્ણ વાકેફ હોવા છતા રાજ્યસભાના સાંસદ જુગલસિંહ ઠાકોર દ્વારા પોતાની ગ્રાન્ટમાંથી રૂા. ર.૮ કરોડના ખર્ચે રપ એમ્બ્યુલન્સો મહેસાણા જિલ્લામાં ફાળવી ત્યારે સતલાસણા તાલુકાને બાકાત રાખવામા આવ્યો છે. પણ કેમ ?
ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી કે સાંસદ ભરતસિંહ ડાભી પોતાની ગ્રાન્ટમાંથી સતલાસણા તાલુકાને એમ્બ્યુલન્સ અપાવી શકશે ખરા?
સતલાસણા તાલુકો વર્ષોથી કોંગ્રેસનો ગઢ કહેવાતો હતો પરંતુ છેલ્લા ત્રણ વિધાનસભાથી સતલાસણા તાલુકો ભાજપની સાથે પડછાયાની જેમ ઉભો રહે છે. ગત વિધાનસભાની ચુંટણીમાં ભારે રસાકસી ભર્યો જંગ હતો. સતલાસણા તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું શાસન છે. જેથી મોટાભાગના લોકો સાથે રાજકીય પંડીતો એવુ માનતા હતા કે સતલાસણા તાલુકામાં કોંગ્રેસ લીડ લેશે પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની લોકચાહનાને કારણે સતલાસણા તાલુકાએ ભાજપને ૪પર૭ મતોની લીડ આપી હતી. તેની સામે ખેરાલુ તાલુકાએ પ૪૯૬ મતની લીડ કોંગ્રેસને આપી હતી. વડનગર તાલુકાએ ૪૯૩૩ મતની લીડ ભાજપને આપી હતી. આમ ખેરાલુની લીડને કાપવામા સતલાસણા અને વડનગર તાલુકાએ મહત્વની ભુમિકા ભજવી હતી. જેથી ભાજપના સરદારભાઈ ચૌધરીને ૩૯૬૪ મતની લીડ મળી હતી.
સરદારભાઈ ચૌધરીની જીત માટે મહત્વની ભુમિકા ભજવનાર સતલાસણા તાલુકાને ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી ભુલી ગયા હોય તેમ જિલ્લા આરોગ્ય વિભાગે સાંસદની ગ્રાન્ટમાંથી એમ્બ્યુલન્સ ન ફાળવતા સતલાસણા તાલુકાના લોકોમાં ભારે રોષ જોવા મળે છે. હિન્દુ સમાજમાં નાનપણથી બાળકોને શિખવવામાં આવે છે કે આપણને મદદ કરનારનો ઉપકાર કયારેય ભુલવો ન જોઈએ. આ હિન્દુ સમાજના સંસ્કાર છે. ત્યારે સતલાસણા તાલુકાએ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીનો ઉપકાર કર્યો છતા એમ્બ્યુલન્સ ફાળવાઈ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે સરદારભાઈ ચૌધરીને ખેરાલુ તાલુકાના ડભોડા ગામના કુલ વોટીંગમાંથી માત્ર ૪.ર૩ ટકા મત મળ્યા છે. કોંગ્રેસને માત્ર પ.૧૧ ટકા મત મળ્યા છે. જયારે અપક્ષને કુલ મતદાનના ૯૦.૬૬ ટકા મત મળ્યા હોય અને ડભોડા ગામને એમ્બ્યુલન્સ મળે છે તેના ઉપરથી એવુ સ્પષ્ટ લાગે છે કે પાટણ સાંસદ ભરતસિંહ ડાભીનું વર્ચસ્વ જરાય ઓછુ થયુ નથી. ધારાસભ્ય સાથે સતલાસણા તાલુકા ભાજપના નેતાઓનું પણ સરકારમાં કાંઈ ઉપજતુ નથી તેવા આક્ષેપો થઈ રહ્યા છે. સતલાસણા તાલુકા સાથે આવી કિન્નાખોરી કયાં સુધી ચલાવી લેવાનું તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યુ છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts