Select Page

પ્રા.શાળાના રૂમ,રીચાર્જ ટ્યુબવેલ તથા ટ્યુબવેલ માટે રૂા.૨૪ કરોડ મંજુર

પ્રા.શાળાના રૂમ,રીચાર્જ ટ્યુબવેલ તથા ટ્યુબવેલ માટે રૂા.૨૪ કરોડ મંજુર

કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલની વિકાસની પીચ ઉપર છેલ્લી ઓવરોમાં ફટકાબાજી

• રૂા.૧૯.૩૦ કરોડના ખર્ચે ૨૬ ગામની પ્રા.શાળામાં ૧૫૭ રૂમ નવા બનશે
• રૂા.૨.૮૮ કરોડના ખર્ચે ૧૫ ગામમાં ૧૬ રીચાર્જ ટ્યુબવેલ બનશે

ઋષિભાઈ પટેલ કેબીનેટ મંત્રી બન્યા બાદ સરકારના વિવિધ વિભાગોની ગ્રાન્ટ વિસનગર તાલુકામાં વધુમાં વધુ ફળવાય તે માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે. જેના ફળ સ્વરૂપ વિવિધ વિકાસ કામ માટે રૂા.૨૪ કરોડની મંજુરી મળી છે. જેમાં પ્રાથમિક શાળાના રૂમ, રીચાર્જ ટ્યુબવેલ, ટ્યુબવેલ, તળાવ સંરક્ષણ દિવાલ વિગેરે કામ થશે. કોઈપણ પ્રકારના દ્વેષભાવ વગર તાલુકાના દરેક ગામને લાભ મળે તેને પ્રાધાન્ય આપવામાં આવ્યુ છે.
વર્ષ ૨૦૧૭ ની વિધાનસભાની ચુંટણીમાં વિસનગર વિધાનસભા સીટ ઉપરથી ઋષિભાઈ પટેલ વિજયી થયા તેનાથી ઘણાના પેટમાં તેલ રેડાયુ હતુ. ધારાસભ્ય બની ગયા બાદ પણ રાજકીય ઈમેજ વધી ન જાય તે માટે સતત ધ્યાન રાખી વિસનગરનો વિકાસ રૂંધવામાં આવ્યો હતો. પરંતુ રાગદ્વેષ કે ભેદભાવ વગરની રાજનીતીના કારણે ઋષિભાઈ પટેલ કેબીનેટ મંત્રી બનતાજ રૂંધાયેલા વિકાસના દ્વાર ખોલી પોણા ચાર વર્ષ જે અન્યાય થયો હતો તેનુ સાટુ વાળવા સતત પ્રયત્નો કરી રહ્યા છે. જેના ફળ સ્વરૂપ છેલ્લા એક વર્ષમાં તાલુકાના ઈતિહાસમાં પ્રથમ વખત કરોડો રૂપિયા વિસનગર તાલુકામાં ફળવાયા છે.
દેશના ભવિષ્યનુ જ્યા ઘડતર થઈ રહ્યુ છે અને જરૂરીયાતમંદ પરિવારના બાળકો જ્યા અભ્યાસ કરી રહ્યા છે તેવી વિસનગર તાલુકાના ૨૬ ગામની પ્રાથમિક શાળાના ૧૫૭ રૂમ નવા બનાવવા રૂા.૧૯.૩૦ કરોડની મંજુરી મળી છે. ચિત્રોડા મોટા પ્રા.શાળાના ૭, ઉદલપુર પ્રા.શાળાના ૧૪, વિસનગર પ્રા.શાળા નં.૨ના ૧૩, જેતલવાસણા પ્રા.શાળાના ૯ તથા સવાલા પ્રા.શાળાના         ૧૦ રૂમ મળી કુલ ૪૯ રૂમ માટેનુ ટેન્ડર પડી ગયુ છે અને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે. એક રૂમ રૂા.૧૦ લાખના ખર્ચે બનશે. નોધપાત્ર બાબત છેકે બે મહિના પહેલા ૨૬ ગામની પ્રા.શાળાના કુલ ૧૫૭ રૂમ માટે ટેન્ડરીંગ કરાયુ હતુ. જેમાં ૬ પ્રા.શાળાના ૪૯ રૂમ માટેના ટેન્ડર આવ્યા હતા. જ્યારે ૨૧ પ્રા.શાળાની ૧૦૮ રૂમ માટે ટેન્ડર નહી આવતા કામ પેન્ડીંગ રહ્યુ હતુ. ત્યારબાદ સરકાર દ્વારા ટેન્ડરમાં સુધારા વધારા કરી એક રૂમનો એસ્ટીમેટ રૂા.૧૩.૩૪ લાખ કરી નવેસરથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં રૂા.૧૪.૪૦ કરોડના ખર્ચે રંડાલા પ્રા.શાળાના ૬, દઢિયાળ-૧, ખંડોસણ-૪, પાલડી ૨, રંગાકુઈ ૧, સદુથલા ૧, સુંશી ૨, વિષ્ણુપુરા(ખ) ૨, ભાન્ડુ ૯, ભાલક કુમારશાળા ૬, ગુંજા ૯, ગોઠવા ૧૬, રાલીસણા ૨, બેચરપુરા ૫, ઉમતા ૮, કાંસા ૮, કમાણા ૭, ખદલપુર ૭, ભાલક કન્યા શાળા ૬, કાંસા એન.એ. ૧ તથા રામપુર(કાંસા) પ્રા. શાળાના ૫ રૂમ નવા બનશે. મહત્વની બાબત તો એ છેકે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત મહેસાણા જીલ્લામાં સૌથી વધુ વિસનગર તાલુકામાં ૧૫૭ રૂમ નવા બનાવવાની મંજુરી મળી છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભૂગર્ભ જળ સ્તર ઉંડા ન જાય તે માટે દેશના ભવિષ્યનો વિચાર કરી જળ સંચયને પ્રાધાન્ય આપ્યુ છે. સિંચાઈ મંત્રી હોવાના નાતે ઋષિભાઈ પટેલ પાણીની સમસ્યાથી પરિચિત હોઈ વિસનગર તાલુકાની ચીંતા કરી વધુમાં વધુ રીચાર્જ ટ્યુબવેલ બને તે માટે પ્રયત્નો હાથ ધર્યા છે. જેમાં વિસનગર તાલુકાના હસનપુર, ઉમતા, રાજગઢ, છોગાળા, ખદલપુરમાં બે, કાજીઅલીયાસણા, કુવાસણા, ગોઠવા, બાકરપુર, લક્ષ્મીપુરા, રાલીસણા, ખરવડા, દેણપ, બાસણા તથા ચિત્રોડીપુરામાં રીચાર્જ ટ્યુબવેલ બનશે. રૂા.૧૮ લાખના ખર્ચે એક રીચાર્જ ટ્યુબવેલ બનશે. જે માટે કુલ રૂા.૨.૮૮ કરોડની મંજુરી મળી છે.
જ્યારે સિંચાઈ અને પાણી પુરવઠા વિભાગ દ્વારા ઈયાસરા ગામે તળાવની બાજુમાં પ્રા.શાળા તથા મંદિરના પરીસરનુ ધોવાણ અટકાવવા પુર સંરક્ષણ દિવાલ માટે રૂા.૨૩.૭૦ લાખ, સદુથલા ગામે તળાવ (સર્વે નં.૦૩) માં વેસ્ટ વિયર તથા તળાવનુ રીપેરીંગ કામ માટે રૂા.૧૩.૬૨ લાખ, કમાણા ગામે તળાવ (સર્વે નં.૪૩૮)માં ટો વોલ તથા પથ્થર પીચીંગ કામ માટે રૂા.૮.૨૩ લાખ, કમાણા ગામે તળાવ (સર્વે નં.૩૦) માં ટો વોલ તથા પથ્થર પીચીંગ કામ માટે રૂા.૨૧.૦૭ લાખ, કાંસા ગામે તળાવ (સર્વે નં.૦૨)માં ટો વોલ તથા પથ્થર પીચીંગ કામ માટે રૂા.૧૯.૩૨ લાખ, કમાણા ગામે વિર મહારાજના મંદિરના પરીસરમાં ધોવાણ અટકાવવા વહેળામાં સંરક્ષણ દિવાલ કામ માટે રૂા.૫.૯૮ લાખ, સુંશી ગામે મુખ્ય તળાવથી નિકળતા પાણી દ્વારા ગામતળનુ ધોવાણ અટકાવવા વહેળામાં સંરક્ષણ દિવાલ કામ માટે રૂા.૨૦.૨૪ લાખ તથા સુંશી ગામે તળાવ (સર્વે નં.૩૬) માં આઉટલેટ તથા રીપેરીંગ કામ માટે રૂા.૧૦.૭૪ લાખની સૈધ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે.
આ ઉપરાંત્ત પીવાના પાણીની સમસ્યા રહે નહી તે માટે ઉમતામાં રૂા.૨૬.૦૫ લાખના ખર્ચે ટ્યુબવેલ માટે મંજુરી મળી છે જેનુ કામ પ્રગતિમાં છે. જ્યારે કાંસામાં રૂા.૩૧.૨૦ લાખના ખર્ચે તથા રાલીસણામાં રૂા.૨૬.૧૩ લાખના ખર્ચે ટ્યુબવેલ બનાવવા ટેન્ડરીંગ થઈ ગયુ છે. વર્ક ઓર્ડર આપવાનો બાકી છે. વિસનગર તાલુકાના વિકાસની પીચ ઉપર કેબીનેટ મંત્રીની છેલ્લી ઓવરોમાં ફટકાબાજીથી તાલુકાની જનતામાં આનંદની લાગણી ફેલાઈ છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us