Select Page

ભાજપ રાજ્યમાં ચોમાસાના ખાડા ભાજપનેજ ડુબાડશે

ભાજપ રાજ્યમાં ચોમાસાના ખાડા ભાજપનેજ ડુબાડશે

ભાજપ રાજ્યમાં ચોમાસાના ખાડા ભાજપનેજ ડુબાડશે
તંત્રી સ્થાનેથી
પ્રવર્તમાન વર્ષે વર્ષાઋતુએ મોટી મહેર થઈ છે કોઈ જગ્યાએ ખેડૂત ખુશ છે, કોઈ જગ્યાએ ખેડૂત નારાજ છે. તે સામે લોકો અને વાહન માલિકો અતિ નારાજ છે. ગુજરાતમાં એકપણ શહેર એવું નથી કે જ્યાં રોડ ઉપર ખાડા પડ્યા ન હોય. સ્ટેટ હાઈવેમાં પણ ખાડા પડી ગયા છે. આટલા બધા ખાડા બતાવે છેકે તંત્રની મીઠી નજર નીચે રોડ કોન્ટ્રાક્ટરો મોટામાં મોટો ભ્રષ્ટાચાર કરે છે. જેને લઈને ડામર રોડ ધોવાઈ જાય છે. અંગ્રેજોએ ભારત છોડ્યા પછી અંગ્રેજી ભાષા, ચા અને ડામર પાછળ મૂકતા ગયા છે. જે ભારત વાસીઓ છોડી શકતા નથી. અંગ્રેજો તેમના દેશમાં મોટાભાગે સીમેન્ટના રોડ બનાવે છે. ચા પીતા નથી. ભારતને છોડીને જવાનું છે તે જાણતા હતા. માટે બિન ટકાઉ ડામરના રોડ બનાવતા હતા. ભારતમાં ચોક્કસ હીલ સ્ટેશનો ઉપર તો તેમણે સી.સી.રોડ જ બનાવ્યા હતા. અંગ્રેજોના વખતમાં બનતા હતા તે ડામર રોડ પહેલા ચોમાસે તૂટતા નહતા. અત્યારે તો ચોમાસા પહેલા બનેલો રોડ ચોમાસુ આવે એટલે ધોવાઈ જાય. લાખ્ખો રૂપિયાના રોડનુ આયુષ્ય ચોમાસા સુધીનુંજ. ભાજપના રાજ્યમાં મોટામાં મોટો ભ્રષ્ટાચાર થતો હોય તો તે રોડમાં થાય છે. તથા બનતા ઓવરબ્રીજોમાં થાય છે. અમદાવાદમાં ર્જીંઇ રેટ કરતાં વધારે ભાવે બનાવેલા રોડ પણ આ ચોમાસામાં ધોવાઈ ગયા છે. રાજ્યમાં એકપણ રોડ એવો નથી કે ધોવાયો ન હોય. આના પાછળ રોડ બનાવવામાં ચાલતાં ભ્રષ્ટાચાર કારણભૂત છે. બનાવેલો રોડ એકજ વર્ષમાં ધોવાઈ જાય છતાં કોઈ દંડ કે સજા ન થાય તે બતાવે છેકે તંત્રની કોન્ટ્રાક્ટરો સાથે મીલીભગત છે. ડેપ્યુ.સી.એમ. પાસે માર્ગ અને મકાન વિભાગ છે તે પસાર થતા હોય અને નવા બનેલા પુલ ઉપર સળીયા નીકળેલા દેખાય ત્યારે અધિકારીઓને બોલાવી ધમકાવે છે. સામે કોન્ટ્રાક્ટર ઉપર કોઈ પગલાં ન લેવાય, ભાજપના મંત્રી અખબારમાં નિવેદન આપે કે ૪૦૦ કરોડના રોડ ધોવાયા છે. એટલે એવુ કહેવાય કે આના કરતાં અનેક ઘણા રૂપિયાના રોડ ધોવાયા હશે. રોડ બનાવવામાં તો ભ્રષ્ટાચાર થાય છે. સાથે સાથે રોડ રીપેરીંગમાં પણ ભ્રષ્ટાચાર થશે. રોડના ખાડાના માપ અધિકારી બતાવે તે ગણવાના તેમાં પાછુ ઉપલા અધિકારીનુ માપ ઉમેરાય એટલે રોડના ખાડા પૂરવાનું પણ કરોડોનું બીલ ચુકવાય. આ ભ્રષ્ટાચાર ભાજપના રાજમાં જ વધ્યો છે. કોંગ્રેસના રાજમાં ઘણા ઓછા કામો થતા હતા, ઘણો ઓછો વિકાસ હતો, ટેક્ષો પણ ઘણાં ઓછા હતા. પણ જે કામ થતા હતા તે નક્કર થતા હતા. કોંગ્રેસના રાજમાં બનેલા રોડ ચોમાસામાં ધોવાતા નહતા. રૂપાણીજી અત્યારે ગુનેગારો માટે કડક કાયદો બનાવી રહ્યા છે. તેમને તોફાનો કરી ઓછા લોકોને નુકશાન કરતાં ગુન્ડાઓ દેખાય છે. આખાને આખા રોડ ગળી જઈ હજારો લોકોને હેરાન કરતાં સફેદ ચીટરો માટે કાયદો બનાવવો જોઈએ કે રોડ તૂટે તો કોન્ટ્રાક્ટરે તેના ખર્ચે બનાવી આપે અને દંડ અને જેલની સજાની જોગવાઈ કરાશે તોજ ફૂલેલો ફાલેલો રોડ ભ્રષ્ટાચાર ઓછો થશે. ડામર રોડ બનાવવામાં ભ્રષ્ટાચાર ચાલે છે તેની સાબિતિ છે ટોલ રોડ ડામરના છે. જે પ્રાઈવેટ એજન્સીએ બનાવેલા છે જે વરસાદમાં ધોવાતા નથી. ટોલ રોડ અને સ્ટેટ હાઈવે ડામરના છે તો એક રોડ ધોવાય છે બીજો એક્સપ્રેસ રોડ ધોવાતો નથી. તે સાબિતિ છેકે રોડ બનાવવામાં મોટા ભ્રષ્ટાચાર થાય છે. ગુજરાત મોડલ સમગ્ર ભારતમાં પ્રખ્યાત છે. જ્યારે સમગ્ર દેશને ગુજરાતના ભ્રષ્ટાચારની ખબર પડશે ત્યારે ભાજપ આ રોડના ખાડામાં પડી અસ્તિત્વ ગુમાવશે તો નવાઈ નહી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us