વિસનગર APMCમાં રક્તની ૨૮૧ બોટલ એકઠી કરાઈ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૨મા જન્મદિન નિમિત્તે
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૨મા જન્મદિન નિમિત્તે વિસનગર એ.પી.એમ.સી. દ્વારા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં રક્તની ૨૮૧ બોટલ એકઠી કરી વોલેન્ટરી બ્લડ બેંકમાં જમા કરાવવામાં આવી હતી. આ પ્રસંગે આરોગ્યમંત્રી ઋષિભાઈ પટેલ તથા દાતા કમલેશભાઈ જીવાભાઈ પટેલ સહિતના હસ્તે રક્તદાન કરનાર રક્તદાતાઓને ૧૦ ગ્રામનો ચાંદીનો સિક્કા સહિત આકર્ષક ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૨મા જન્મદિનની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિસનગર ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલના માર્ગદર્શન અને એ.પી.એમ.સી.ના ચેરમેન પ્રિતેશભાઈ પટેલ સહિત બોર્ડના ડીરેક્ટરોના અથાગ પ્રયત્નોથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૨મા જન્મદિનની દબદબાભેર ઉજવણી કરવામા આવી હતી. આ કેમ્પમાં ૨૮૧ બોટલ એકઠી કરી વોલેન્ટરી બ્લડબેંક વિસનગરને અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે શહેરના દાતા કમલેશભાઈ જીવાભાઈ પટેલ તરફથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલના ફોટા સાથેનો ૧૦ ગ્રામનો ચાંદીનો સિક્કો ભેટ આપી રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જ્યારે એ.પી.એમ.સી. તરફથી ખેડુતોને રાહતદરે રૂા. ૫૦૦મા ચાર્જીંગ બેટરી તથા વડાપ્રધાનના સ્વચ્છ અને સ્વસ્થ ભારત અભિયાનને વેગ આપવા વડાપ્રધાનની પ્રતિકૃતિવાળી સારી ક્વોલીટીની કાપડની બેગ (થેલી) અને ૨૦ લીટર પાણીનો જગ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે સ્વામિ વિવેકાનંદ યુવક બોર્ડ વિસનગર દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશહિતમાં લીધેલા ઐતિહાસિક નિર્ણયોની ઝાંખી રજુ કરતી રંગોળી બનાવી લોકોને આકર્ષિત કર્યા હતા. વિસનગર આરોગ્ય વિભાગના તાલુકા અધિકારી ડા.આર.ડી.પટેલ, ડા.ચિરાગભાઈ જોષીની દેખરેખ હેઠળ સરકારની ઁસ્ત્નછરૂ યોજનામાં ૨૫૧ લાભાર્થીઓને સ્થળ ઉપર કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા. તેમજ ૨૩૦ વ્યક્તિઓનુ કોરોના રસીકરણ કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં વિસનગર સિવિલ અધ્યક્ષ ડા.પારૂલબેન પટેલ, ડા.ગાર્ગીબેન પટેલ સહિત તાલુકા હેલ્થ ઓફિસનો સ્ટાફ ખડેપગે હાજર રહ્યા હતા. આ ઉજવણીમાં તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રાબેન પટેલ, પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ, વિસનગર શહેર- તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો અને શહેર- તાલુકા યુવા મોરચાના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે એ.પી.એમ.સી.ના ચેરમેન પ્રિતેશભાઈ પટેલ, વાઈસ ચેરમેન હરેશભાઈ ચૌધરી, સેક્રેટરી કમલેશભાઈ પટેલ સહિત ડીરેક્ટરશ્રીઓ અને સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.