વિસનગરના પશુપાલકનો વ્યાજખોરના ત્રાસથી આત્મહત્યાનો પ્રયાસ
રૂા.૨૨ લાખની સામે રૂા.૧ કરોડ આપવા છતા રૂા.૫૬ લાખનો કેસ કર્યો
વિસનગરમાં ગોપાલક સમાજના પશુપાલકે પશુપાલનના વ્યવસાય માટે રૂા.૨૨ લાખ લીધા હતા. જેની સામે રૂા.૧ કરોડ આપવા છતા વ્યાજખોર દ્વારા ઉઘરાણી કરવામાં આવતી હતી. પશુપાલકે બાકીના પૈસા નહી આપતા રૂા.૫૬ લાખનો ચેક રીટર્નનો કેસ કરવામાં આવ્યો હતો. વ્યાજખોરના ત્રાસથી માનસિક કંટાળી ગયેલા ગોપાલકે ડીસ્ટ્રીક્ટ જજને ઉલ્લેખી આપવીતી જણાવતી સ્યુસાઈડ નોટ લખી આત્મહત્યા કરવા ઘેનની ગોળીઓ ખાતા આ બનાવથી ભારે ચકચાર જાગી છે. પોલીસે વ્યાજખોર સામે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
વિસનગરમાં ધરોઈ કોલોની રોડ ઉપર આવેલ કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા અમીભાઈ ગાંડાભાઈ રબારી સવાલા રોડ ઉપરના ખેતરમાં ગાયો ભેસો રાખી પશુપાલનનો વ્યવસાય કરે છે. જેમની ચંદનપાર્ક સોસાયટીમાં રહેતા શાહ કીરીટકુમાર સેવંતીલાલ સાથે મિત્રતા થઈ હતી. અમીભાઈ રબારીએ કીરીટકુમાર શાહના કહેવાથી શેરબજારમાં રોકાણ કરતા રૂા.બે લાખનુ નુકશાન થયુ હતુ. ત્યારબાદ પશુપાલનનો ધંધો કરવાનુ વિચારી કીરીટભાઈ શાહ પાસેથી ૨૦૧૧ થી ૨૦૧૫ સુધી રૂા.૨૨ લાખ લીધા હતા. જેની સામે મહેન્દ્ર કોટક બેંકના ૧૦ કોરા ચેક આપ્યા હતા.
પશુપાલનના વ્યવસાય માટે ઉછીના લીધેલા રૂા.૨૨ લાખ ટુકડે ટુકડે પરત આપવા છતા રૂા.૩૨ લાખ બાકી લેવાના કાઢ્યા હતા. રૂા.૨૨ લાખ આપી દીધા હોવા છતા બાકીના રૂપિયા લેવાનુ કંઈ રીતે કાઢો છો તેવુ પશુપાલકે કહેતા કીરીટભાઈ શાહે જણાવેલ કે રૂા.૨૨ લાખ આપ્યા નથી અને બીજા રૂા.૧૦ લાખ લઈ ગયા છો. આમ કુલ રૂા.૩૨ લાખ લેવાના નિકળે છે. પૈસા આપવાનુ બાકી હોવાની ખોટી વાત કરતા ગોપાલક ડીપ્રેશનમાં આવી ગયા હતા. જેમણે મહેસાણાના ર્ડાક્ટર પાસે સારવાર પણ કરાવી હતી.
ગોપાલકે કોરા ચેક આપ્યા હોવાથી ચેક રીટર્ન કેસ કરવાની વારંવાર ધમકી આપી ટુકડે ટુકડે વ્યાજ વસુલવામાં આવતુ હતુ. પઠાણી ઉઘરાણી કરતા ગોપાલકે રૂા.૧ કરોડ આપ્યા હતા. છતા ચેક પરત આપેલા નહી. વ્યાજખોરે રૂા.૩૨ લાખ લેવાના કાઢી તેમાં વ્યાજ ઉમેરી કોરા ચેકમાં રૂા.૫૬ લાખ ભરી વિસનગર કોર્ટમાં ચેક રીટર્નનો કેસ કર્યો હતો. આમ ઉછીના લીધેલા નાણાંની પાંચ ઘણી રકમ ચુકવવા છતા ચેક રીટર્નનો કેસ કરી વારંવાર ઉઘરાણી કરવાથી માનસિક તણાવ અનુભવતા ગોપાલકે ૩૦ જેટલી ઉંઘની ગોળીઓ ગળી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ગોપાલકે ડીસ્ટ્રીક્ટ જજ ઉપાધ્યાય સાહેબને સંબોધીને એક સ્યુસાઈડ નોટ પણ લખી હતી. ઉંઘની ગોળીઓ ગળતા ચક્કર આવતા ગોપાલકને પ્રથમ વિસનગર સિવિલ હોસ્પિટલમાં ત્યારબાદ ક્રિષ્ણા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ગોપાલકની ફરિયાદ આધારે પોલીસે કીરીટકુમાર સેવંતીલાલ શાહ વિરુધ્ધ ગુનો નોધી તપાસ હાથ ધરી છે.