શહેર માટે બે કરોડ લીટર પાણી આપવામાં આવે છે કે પછી વિતરણમાં ખામી?
- પાણીનો પુરતો પુરવઠો મળતો હોય તો ફ્લોરાઈડયુક્ત ટ્યુબવેલના પાણીમાંથી મુક્તી ક્યારે?
ધરોઈ ડેમ આધારીત ધરોઈ જૂથ પાણી પુરવઠાની હેરાનગતી વિસનગરના લોકોએ વર્ષો સુધી સહન કરી. નર્મદા આધારીત વિસનગર જૂથ પાણી પુરવઠાના લોકાર્પણ બાદ પાણી કાપમાંથી મુક્તી મળશે તેવી આશા હતી. પરંતુ પાણીકાપ નહી ઉઠાવતા કહ્યા પ્રમાણે બે કરોડ લીટર પાણી મળે છેકે પછી વોટર વર્કસની વિતરણ વ્યવસ્થામાં ખામી છે તેવા પ્રશ્નો થઈ રહ્યા છે. શહેરમાંથી એક દિવસનો પાણી કાપ ક્યારે ઉઠાવવામાં આવશે તેવો પ્રશ્ન પાલિકાના પૂર્વ પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીએ કર્યો છે.
નર્મદા આધારીત વિસનગર જૂથ પાણી પુરવઠા યોજનાનુ પાણી શરૂ થયુ ત્યારથી ધરોઈ જૂથ યોજનામાં મહિનામાં બે-ત્રણ દિવસ પાણી કાપ રહેતો હતો તેમાંથી મુક્તી મળી છે. પરંતુ હવે પૂરતુ પાણી મળવા છતા લોકોને એક દિવસના પાણી કાપમાંથી મુક્તી મળી નથી. તા.૬-૬-૨૦૨૨ ના રોજ રૂા.૧૫૭.૬૮ કરોડના ખર્ચે તૈયાર થયેલ જૂથ યોજનાનુ વિસનગરના ધારાસભ્ય તથા પાણી પુરવઠા મંત્રી ઋષિભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરાયુ હતુ. રોજના ૫.૪૦ કરોડ લીટર પીવાનુ પાણી પૂરુ પાડતી આ યોજના છે. જૂથ યોજનાના લોકાર્પણ બાદ પણ ત્રણ માસનો સમય વિતવા છતા પાણીકાપ નહી ઉઠાવતા પાલિકાના પૂર્વ પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીએ જણાવ્યું છેકે, વિસનગર જૂથ પાણી પુરવઠા યોજના એ ફક્ત શહેર અને તાલુકાના ગામડા પૂરતી છે. રોજના ૫.૪૦ કરોડ લીટરની ક્ષમતાનો પ્લાન્ટ છે. સીંચાઈ મંત્રી કહેતા હતા કે જૂથ યોજના કાર્યરત થયા બાદ શહેરને બે કરોડ લીટર પાણી આપવામાં આવશે. આટલુ પાણી મળતુ હોય તો પછી શહેરમાં એક દિવસના કાપની શું જરૂરીયાત છે. શહેરના લોકો ઘણા વર્ષોથી પાણીકાપ સહન કરી રહ્યા છે. ત્યારે વિસનગરની અલાયદી યોજના હોવા છતા પાણીકાપ ઉઠાવવામાં આવ્યો નથી. પાલિકા સંચાલીત ટ્યુબવેલ પણ ચાલુ છે. ટ્યુબવેલના પાણીમાં ટીડીએસની માત્રા ખુબજ છે. ત્યારે જૂથ યોજના શરૂ થયા બાદ પણ ટ્યુબવેલનુ પાણી પીવા માટે આપવામાં આવી રહ્યુ છે. પૂરતુ પાણી મળતુ હોય તો બોર બંધ કરવામાં આવે તો પાલિકામાં લાઈટબીલના ખર્ચનુ ભારણ પણ ઓછુ થાય તેમ છે. પૂરતુ પાણી મળવા છતા શહેરની કેટલીક સોસાયટીઓમાં પૂરતુ પાણી મળતુ નહી હોવાનો કકળાટ છે. બે કરોડ લીટર પાણી મળે છેકે નહી પછી પાણી વિતરણમાં ખામી છે.
આ બાબતે વોટર વર્કસ ચેરમેન જગદીશભાઈ પટેલનો સંપર્ક કરતા તેમણે જણાવ્યુ છેકે, બે કરોડ લીટર પાણી મળતુ નથી. એક સપ્તાહમાં મીટર લગાવવામાં આવશે. મીટર લગાવ્યા બાદ કેટલુ પાણી મળે છે તેની સાચી માહિતી મળશે. પાણીકાપ ક્યારે ઉઠાવવામાં આવશે તે બાબતે જણાવ્યુ હતું કે, મીટર લગાવ્યા બાદ અને પૂરતુ પાણી મળ્યા બાદ વન બાય વન દરેક ઝોનમાંથી પાણીકાપ ઉઠાવી લેવામાં આવશે. જ્યારે વોટર વર્કસ વિભાગમાં તપાસ કરતા જાણવા મળ્યુ હતું કે, અગાઉ ધરોઈ જૂથ યોજનાનુ ૧૬ કલાક પાણી મળતુ હતુ. અત્યારે વિસનગર જૂથ યોજનાનુ ૨૨ કલાક પાણી મળે છે. ધરોઈ જૂથ યોજનાનુ ૮૦ થી ૯૦ લાખ લીટર પાણી મળતુ હતુ. જેનો ધરોઈના અધિકારીઓ રોજે રોજ મેસેજ કરતા હતા. પરંતુ વિસનગર જૂથ યોજનામાંથી કેટલુ પાણી આપવામાં આવે છે તેનો જૂથ યોજનાના અધિકારીઓ કે કર્મચારીઓ કોઈ મેસેજ કે રીપોર્ટ આપતા નથી. હાલમાં દોઢ કરોડ લીટર પાણી પણ મળતુ નથી.