Select Page

જ્ઞાનના માધ્યમથી દેશનો વિકાસ થાય છે-રાજ્યપાલ આનંદીબેન પટેલ

વિસનગર એમ.એન.કોલેજમાં નવિન વિજ્ઞાન ભવન તથા સેમિનાર હોલનુ ભૂમિપૂજન કરાયુ

  • સયાજીરાવ ગાયકવાડ શિક્ષણપ્રેમી વ્યક્તિ હતા
  • જેમને અમદાવાદથી જયપુર સુધી કોઈપણ જગ્યાએ શિક્ષણની જ્યોત ન હતી ત્યારે વિસનગરમાં શિક્ષણની જ્યોત પ્રગટાવી હતી- મંત્રી ઋષિભાઈ પટેલ
  • ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળની છેલ્લા બે માસની મહેનત લેખે લાગી
    એમ.એન.કોલેજના ૭૫મા વર્ષે અમૃત મહોત્સવની ઉજવણી માટે કોલેજના પ્રિન્સીપાલ આર.ડી.મોઢ, કોલેજના પ્રધ્યાપકો તથા સ્ટાફ સાથે ભુતપુર્વ વિદ્યાર્થી મંડળના પ્રમુખ ઈશ્વરલાલ નેતા આવકાર, સમીરભાઈ દેસાઈ, બાબુભાઈ વાસણવાળા વિગેરે છેલ્લા બે મહિનાથી તનતોડ મહેનત કરી રહ્યા હતા. કાર્યક્રમની સફળતા જોતા અમૃત મહોત્સવની ઉજવણીની મહેનત લેખે લાગી કહેવાય.

વિસનગરમાં ગાયકવાડ સરકારમાં દાતાઓના સહયોગથી બનેલી ઐતિહાસિક એમ.એન.કોલેજને ૭૫ વર્ષ પુર્ણ થતા અમૃત મહોત્સવની ઉજવણી નિમિત્તે ગુરૂવારના રોજ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પ્રથમ પુર્વ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે કોલેજમાં નવનિર્માણ પામનાર વિજ્ઞાનભવન અને સેમિનાર હોલનુ ભૂમિપુજન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે વિસનગર ધારાસભ્ય તથા રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલ, જીલ્લા કલેક્ટર ઉદિત અગ્રવાલ, ડી.ડી.ઓ. ડા.ઓમ પ્રકાશજી, જીલ્લા પોલીસ વડા અચલ ત્યાગી, તરભ વાળીનાથના મહંતશ્રી જયરામગીરી બાપુ, પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રાબેન પટેલ, એમ.એન.કોલેજના દાતાના વારસદાર હંસાબેન દોશી સહિત શહેરના અગ્રગણ્ય નાગરિકો અને કોલેજના વર્તમાન તેમજ ભુતપુર્વ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે જણાવ્યુ હતુ કે, કોઈપણ સમાજસેવાનુ કાર્ય કરવા માટે પૈસા કરતા જ્ઞાનની વધારે જરૂર હોય છે. જ્ઞાનના માધ્યમથી દેશનો દરેકક્ષેત્રે વિકાસ થાય છે. સયાજીરાવ ગાયકવાડે પોતાના જ્ઞાનથી દિર્ઘદ્રષ્ટિ રાખી અનેક જગ્યાએ શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપી લોકોને શિક્ષણ આપવાનુ કાર્ય કર્યુ હતુ. તેઓ શિક્ષણનો વ્યાપ કેવીરીતે વધારી શકાય તેની સતત ચિંતા કરતા હતા. ગાયકવાડ સરકારમાં વર્ષ ૧૯૪૨માં સમગ્ર ઉત્તર ગુજરાતમાં વિસનગરમાં એમ.એન.કોલેજની સ્થાપના થઈ હતી. આ કોલેજમા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મેં પણ શિક્ષણ મેળવ્યુ છે. આ કોલેજે રાજકીય નેતાઓ, અધિકારીઓ, સાહિત્યકારો, વૈજ્ઞાનિકો, ઉદ્યોગપતિઓ જેવા નામી-અનામી વિખ્યાત વિદ્યાર્થીઓ રાષ્ટ્રને આપ્યા છે. આ કોલેજના વિશાળ મેદાનમાં પહેલા અમે ખો- ખો અને કબડ્ડીની રમત રમતા હતા. તે સમયે સમગ્ર ઉત્તર ગુજરાતમા વિસનગરની ટીમ ચેમ્પીયન બનતી હતી. જ્યારે અત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈમોદીના ખેલ મહાકુંભના અભિયાનથી આજે દેશના હજ્જારો વિદ્યાર્થીઓ રમત- ગમત ક્ષેત્રે એવોર્ડ મેળવી રહ્યા છે. આજના વિદ્યાર્થીઓ આધુનિક ટેકનોલોજીના માધ્યમથી દરેક સમસ્યાઓનુ નિરાકરણ લાવી શકે છે. દેશના વૈજ્ઞાનિકો નવી પેઢીને સ્વસ્થ બનાવવા સંશોધનનુ કામ કરી રહ્યા છે. દેશમા શિક્ષણ ક્ષેત્રે પરિવર્તન આવી રહ્યુ છે. કોલેજમા શિક્ષણ સાથે જુદી જુદી રમતોનું પણ મહત્વ આપવામાં આવતા આજે વિદ્યાર્થીઓ રમત-ગમત ક્ષેત્રે ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી રહ્યા છે.
જ્યારે રાજ્યના પ્રજાભિમુખ કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, સયાજીરાવ ગાયકવાડ શિક્ષણ પ્રેમી વ્યક્તિ હતા. જેમને અનેક જગ્યાએ શિક્ષણની જ્યોત પ્રગટાવી શિક્ષણક્ષેત્રે ક્રાન્તિ લાવવાનુ કામ કર્યુ હતુ. અમદાવાદ થી જયપુર સુધી કોઈપણ જગ્યાએ શિક્ષણની જ્યોત ન હતી ત્યારે તેમણે વિસનગરમાં શિક્ષણની જ્યોત પ્રગટાવી હતી. આ સમયે દાતા શેઠશ્રી માણેકલાલ નાનચંદ પરીખે કોલેજ માટે રૂા.૪ લાખનુ માતબર દાન આપ્યુ હતુ. જ્યારે ગોવિંદચકલા અને તળ સમાજના કિસાનોએ જમીન આપી હતી. આમ દાતાઓના દાનથી સમગ્ર ઉત્તર ગુજરાતમાં વિસનગર શહેર શિક્ષણક્ષેત્રે મોટુ હબ બન્યુ છે. જ્યારે એમ.એન.કોલેજના પ્રિન્સીપાલ આર.ડી.મોઢે સ્વાગત પ્રવચનમા જણાવ્યુ હતુ કે, વિસનગરની એમ.એન. કોલેજે દેશમાં અનેક મહાનુભાવો આપ્યા છે. આ કોલેજ ઉત્તર ગુજરાતનુ નાક સમાન છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આ કોલેજના નવિન સાયન્સ બિલ્ડીંગના નિર્માણ માટે રૂા.૩૧.૨૫ કરોડ તેમજ સેમીનાર હોલના નિર્માણ માટે રૂા.૨.૮૭ કરોડ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ કોલેજના અભૂતપૂર્વ વિકાસથી અત્યારે આર્ટસ અને સાયન્સના વિદ્યાર્થીઓને સામાન્ય ફી માં કોર્પોરેટ કોલેજ કરતા સારૂ શિક્ષણ મળી રહ્યુ છે. જે બદલ સરકારનો હું આભાર માનું છું. આ પ્રસંગે તરભ વાળીનાથ અખાડાના મહંતશ્રી જયરામગીરી બાપુએ આર્શિવચન પાઠવ્યા હતા. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે એમ.એન. કોલેજના ઈતિહાસની ઝાંખી રજુ કરતા માણિકયમ્‌ વિશેષાંક અંકનુ વિમોચન કરવામા આવ્યુ હતુ. આ પ્રસંગે રાજ્યપાલ આનંદીબેન પટેલ તથા કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલના હસ્તે શિક્ષણ અને રમત-ગમત ક્ષેત્રે ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરનાર કોલેજના વિદ્યાર્થી તથા વિદ્યાર્થીનીઓનું ગોલ્ડ મેડલ અને પ્રમાણપત્ર આપી બહુમાન કરવામા આવ્યુ હતુ.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us