જીલ્લા ફૂડ અધિકારીએ વર્ષમાં રૂા.૧.૪૪ કરોડનો જથ્થો સીઝ કર્યો
લોકોના સ્વાસ્થ્યની ચીંતામાં પ્રમાણિકતા અને નિષ્ઠાથી ફરજ બજાવતા
- ક્યારેક સાયકલ ઉપર રેકી કરી તો ક્યારેક રીક્ષામાં પહોચી જીવના જોખમે એકલા હાથે સ્વતંત્ર રેડ કરી
જવાબદારી મળી છે તો લોકહિતમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા અધિકારીઓ ખુબજ ઓછા છે. ખોટી રીતે પૈસા મેળવવાની લાલચમાં મોટા ભાગના સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ પોતાની નિતિમત્તાને કોરાણે મુકી છે. ત્યારે મહેસાણા જીલ્લા ફૂડ અધિકારીની કામગીરી ભ્રષ્ટાચારી તંત્રમાં અપવાદરૂપ રહી છે. લોકોને શુધ્ધ અને સાત્વીક ખાદ્ય વસ્તુઓ મળી રહે તે માટે આ અધિકારીએ કોઈ પણ શેહ શરમ રાખ્યા વગર મોટી રેડ કરી એકજ વર્ષમાં રૂા.૧.૪૪ કરોડનો જથ્થો સીઝ કરતા લોકહિતમાં એક દબંગ અધિકારીની છાપ ઉપસાવી છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં આવા અધિકારીઓ હોય તો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા ભેળસેળીયા નેસ્તનાબુદ થાય તે ચોક્કસ વાત છે.
મહેસાણા જીલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં ફરજ બજાવતા બાહોશ, પ્રમાણિક અને દબંગ અધિકારી વી.જી.ચૌધરી ડેઝીગ્નેટેડ ઓફીસર દ્વારા બાતમીના આધારે એકલા હાથે એક વર્ષમાં મોટી ૭ રેડ કરી રૂા.૧,૪૪,૧૫,૯૨૨/- ની કિંમતનો અખાદ્ય ભેળસેળીયો જથ્થો સીઝ કર્યો છે. સરકારે જવાબદારી સોપી છે ત્યારે લોકોના સ્વાસ્થ્યની ચીંતામાં આ અધિકારીએ ક્યારેક સાયકલ ઉપર રેકી કરી, તો ક્યારેક રીક્ષામાં પહોચી, ક્યારેક રાત્રે એકલા હાથે સ્વતંત્ર રીતે રેડ કરી મહેસાણા જીલ્લામાં ભેળસેળીયાઓને ખુલ્લા પાડી દીધા છે. બનાવટી જીરૂ, વરીયાળી, ઘી, સીંગતેલ કે મરચુ પકડી ભેળસેળ કરતા તત્વોમાં સોપો પાડી દીધો છે. મહેસાણા જીલ્લામાં ભેળસેળની અસમાજીક પ્રવૃત્તિઓ રોકી અને લોકોને શુધ્ધ તેમજ સાત્વીક ખોરાક મળી રહે તેવા લોકહિતના વિચારો સાથે ફરજ બજાવતા પ્રમાણિક – નિષ્ઠાવાન અધિકારી તથા સ્ટાફની જરૂર છે.
આ અધિકારીએ એક વર્ષમાં કઈ જગ્યાએ રેડ કરી મોટા પ્રમાણમાં જથ્થો સીઝ કર્યો તે જોઈએ તો ઉંઝામાં ગંગાપુર રોડ ઉપર આવેલ પટેલ ધર્મેન્દ્રકુમાર અંબાલાલની ફેક્ટરીમાં તા.૨-૨-૨૦૨૩ ના રોજ રેડ કરી બનાવટી જીરૂ સાથે વપરાતી વસ્તુઓનો રૂા.૧,૦૬,૯૯૦/- ની કિંમતનો ૧૯૯૦ કિલોનો જથ્થો સીઝ કર્યો હતો. તા.૧૮-૩-૨૩ ના રોજ ઉંઝા તાલુકાના દાસજ ગામમાં મંગલમૂર્તિ ગોડાઉનમાં જયકુમાર દશરથભાઈ પટેલના ગોડાઉનમાં રેડ કરી રૂા.૫,૦૪,૦૦૦/- ની કિંમતનું ૩૩૬૦ કિલો લુઝ બનાવટી જીરૂનો જથ્થો સીઝ કર્યો હતો. તા.૮-૫-૨૦૨૩ ના રોજ વિજાપુરમાં હિંમતનગર હાઈવે ઉપર આવેલ ઉમિયા ગોડાઉનમાં મુકેશકુમાર પુનમચંદ મહેશ્વરીના ગોડાઉનમાં રેડ કરી રૂા.૧૦,૪૪,૮૫૮/- ની કિંમતનુ ૪૧૮૯ કિલો બનાવટી મરચા પાઉડરનો જથ્થો સીઝ કર્યો હતો. તા.૧૭-૫-૨૦૨૩ ના રોજ ઉંઝા તાલુકાના સુણોક ગામમાં સુજીતકુમાર ઈશ્વરલાલ પટેલની ફેક્ટરીમાં રેડ કરી રૂા.૨,૬૨,૩૬૦/- ની કિંમતનો બનાવટી જીરૂનો જથ્થો સીઝ કર્યો હતો. તા.૯-૧૦-૨૦૨૩ ના રોજ ઉંઝા તાલુકાના કામલી ગામમાં રજવાડી ડેરી પ્રોડક્ટ્સમાં રેડ કરી રૂા.૧૫,૨૨,૦૦૫/- ની કિંમતનો ૨૭૮૨ લીટર બનાવટી ઘી નો જથ્થો સીઝ કર્યો હતો. તા.૨-૧૧-૨૦૨૩ ના રોજ વિજાપુરમાં ખત્રીકુવા જુના માર્કેટયાર્ડમાં અશોકભાઈ હરેશકુમાર મહેશ્વરીની શીવ ટ્રેડીંગ કંપનીમાં રેડ કરી રૂા.૩,૬૯,૭૧૩/- ની કિંમતનો શંકાસ્પદ ખાદ્યતેલનો જથ્થો સીઝ કર્યો હતો. જ્યારે છેલ્લે તા.૧૧-૧૨-૨૦૨૩ ના રોજ ઉંઝામાં ગંગાપુર રોડ ઉપર આવેલ પટેલ ધર્મેન્દ્રકુમાર અંબાલાલની ફેક્ટરીમાં ૧૦ મહિનામાં બીજી રેડ કરી રૂા.૮૮,૯૭,૬૭૦/- ની કિંમતનો ૩૦૨૭૪ કિલો અને ૬૪૩ લીટરનો બનાવટી જીરૂ અને મટેરીયલનો જથ્થો સીઝ કર્યો હતો. નોધપાત્ર બાબત છેકે જીલ્લામાં આટલી મોટી કિંમતનો જથ્થો સીઝ કરાયો હોવાનો પ્રથમ બનાવ છે. પટેલ ધર્મેન્દ્રકુમાર અંબાલાલ બીજી વખત બનાવટી જીરૂના જથ્થો બાનવતો પકડાયો હતો. વિસનગરમાં એમ.એન.કોલેજ રોડ ઉપર આવેલ ઈશ્વરકૃપા અને ખોડીયાર બેકરીમાં ફૂડ ઈન્સ્પેક્ટરના ચેકીંગ બાદ એક માસમાં પછી જીલ્લા ફૂડ અધિકારી વિપુલભાઈ ચૌધરીએ રેડ કરી ૪૦૦ કિલો અખાદ્ય વસ્તુઓનો નાશ કર્યો હતો.
દુઃખની વાત તો એ છેકે આવા નિષ્ઠાવાન અધિકારી દ્વારા સેમ્પલ લેવાય છે. મોટા પ્રમાણમાં જથ્થો સીઝ કરવામાં આવે છે. પરંતુ સેમ્પલના રીપોર્ટ આવતા નથી કે લોકોના સ્વાસ્થ્ય સાથે ખીલવાડ કરતા ભેળસેળીયા તત્વો સામે કોઈ ફોજદારી કાર્યવાહી થતી નથી.