સ્થાનિક ઉમેદવારજ ખેલદિલીથી સ્વચ્છ અને સ્વસ્થ ચુંટણી લડી શકે
પેરાશુટ લઈ ઉતરતા ઉમેદવારોથી ચેતજો
તંત્રી સ્થાનેથી…
ગુજરાત વિધાનસભાની ચુંટણીના જાહેરનામા બાદ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા વિવિધ પક્ષો દ્વારા હાથ ધરવામાં આવી છે. બીજા તબક્કામાં વિસનગર વિધાનસભા સીટની ચુંટણી થશે. જેનુ તા.૫-૧૨-૨૦૨૨ ના રોજ મતદાન થશે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચુંટણીમાં ઉમેદવાર સ્થાનિક હોય છે. જ્યારે વિધાનસભાની ચુંટણીમાં સ્થાનિકમાંથી દમદાર નેતા નહી મળતા ઘણી વખત પેરાશુટ લઈ ઉમેદવાર ઉતરતા હોય છે. સ્થાનિક કાર્યકરો તથા આગેવાનો માટે આ બાબત અપમાનજનક હોય છે. પાંચ વર્ષ સુધી સ્થાનિક કાર્યકરો પાર્ટી માટે આર્થિક અને સમયનુ યોગદાન આપતા હોય છે. શાસક પક્ષની અવગણના સહન કરીને પાર્ટીને વફાદાર રહેતા આગેવાનો અને કાર્યકરો માટે પેરાશુટ ઉમેદવાર કઠતા હોય છે પરંતુ બોલી શકતા નથી. ખરેખર તો દરેક પક્ષે સ્થાનિક આગેવાનનેજ ઉમેદવારીનો લાભ આપવો જોઈએ. ઉમેદવાર સ્થાનિક હોય તોજ ખેલદિલીથી સ્વચ્છ અને સ્વસ્થ ચુંટણી થઈ શકતી હોય છે. વિસનગર વિધાનસભા સીટમાં ભાજપ દ્વારા સ્થાનિક ઉમેદવાર મુકવામાં આવે છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર બહારના હોય છે. કોંગ્રેસના ઉમેદવાર તાલુકાના ગામડાના હોય છે. પરંતુ ચુંટણી સીવાયના પાંચ વર્ષ બહારના શહેરમાં રહેતા હોય છે. આજ રીતે આમ આદમી પાર્ટીમાં પણ બહારગામનો ઉમેદવાર ઠોકી બેસાડવામાં આવે તેવા રાજકીય સમિકરણો જોવામાં આવી રહ્યા છે. વિધાનસભાની ચુંટણીમાં સ્થાનિક ઉમેદવાર એટલા માટે જોઈએ કે, સ્થાનિક રહેતા હોય તો તાલુકાનુ હિત પ્રથમ જોતા હોય છે અને તાલુકાના લોકોની ચીંતા હોય છે. સ્થાનિક ઉમેદવારને ચુંટણીમાં હાર જીત બાદ જ્યા છે ત્યાંજ રહેવાનુ હોય છે. જેમને હરિફ ઉમેદવાર કે હરિફ પાર્ટીના કાર્યકરોનો ક્યાંક તો ભેટો થતોજ હોય છે. જેથી સ્થાનિક ઉમેદવાર એકજ સમાજના બે જુથ વચ્ચે કે બે સમાજ વચ્ચે વૈમનસ્ય ન ફેલાય તેનુ ધ્યાન રાખતા હોય છે. જ્યારે પેરાશૂટ ઉમેદવારોનો તો ફક્ત ચુંટણી લડવાનોજ સ્વાર્થ હોય છે. જે તાલુકામાં પાંચ વર્ષે ચુંટણી સમયેજ દેખાતા હોય છે. ચુંટણી દરમ્યાન તાલુકાનુ જે થવુ હોય તે થાય. એકજ સમાજના બે જુથ કે બે સમાજ વચ્ચે જે થયુ હોય તે થાય, પણ આપણુ હિત સચવાય તેવી માનસિકતામાજ પેરાશુટ ઉમેદવાર ચુંટણી લડતા હોય છે. કારણકે તે જાણતા હોય છેકે ચુંટણી બાદ આપણે ક્યા વિસનગરમાં રહેવાનુ છે. ચુંટણીનુ પરિણામ મેળવવા તાલુકાનુ કે તાલુકાની જનતાનુ જે થવુ હોય તે થાય તેવીજ માનસિકતા પેરાશુટ ઉમેદવારની હોય છે. વિસનગર વિધાનસભા સીટમાં એકમાત્ર કિરીટભાઈ પટેલ ભાજપમાંથી પેરાશુટ ઉમેદવાર બનીને આવ્યા હતા અને ભોળાભાઈ પટેલની સામે જીત્યા હતા. ત્યારબાદ ભાજપ સામે કોંગ્રેસે સ્થાનિક આગેવાનોને અવગણીને પેરાશુટ ઉમેદવારને મુક્યા છે. પરંતુ પરિણામ મેળવી શક્યા નથી. મતદારોએ પણ એ ખાસ ધ્યાન રાખવાનુ છેકે પોતાના ઉમેદવાર પાછળ એટલા બધા ગાંડા ઘેલા ન થતા કે ત્યારબાદના પાંચ વર્ષ સહન કરવુ પડે. વર્ષ-૨૦૧૭ માં વિધાનસભાની ચુંટણીમાં હસનપુરમાં જુથ અથડામણ થઈ હતી. સામ સામે ફરિયાદો થતા અત્યાર સુધી સહન કરવુ પડી રહ્યુ છે. કોર્ટમાં જેટલી પણ મુદતો ભરી તેમાં જેના માટે જનુને ચડ્યા હતા તે કેટલીક વખત મુદતમાં સાથે આવ્યા તે પણ વિચારજો. આવી નોબત ફરીથી ન આવે તેનુ મતદારોએ ખાસ ધ્યાન રાખવાનુ છે. તાલુકાના હિત માટે તાલુકામાં રહેતા વિવિધ સમાજના હિત માટે પક્ષ દ્વારા સ્થાનિક ઉમેદવાર મુકવામાં આવે તે માટે કાર્યકરોએ પાર્ટીમાં રજુઆત કરવી જોઈએ.