કાંસા રોડની ગંદકીથી ચુંટણી બહિષ્કારનો રોષ
એન.એ.માં સત્તા આમ આદમી પાર્ટીની – નુકશાન ભાજપને
કાંસા એન.એ.થી કાંસા રોડ ઉપર રામાપીર મંદિરના વળાંકમાં રોડ ઉપર ગટરનું પાણી ભરાવાની તથા ગ્રામ પંચાયત દ્વારા ઠલવાતા કચરાથી થતી ગંદકીની સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નથી. વારંવાર રજુઆત કરવા છતા વિસનગર પાલિકા દ્વારા ગટરલાઈન રીપેરીંગ કરવામાં નહી આવતા તેમજ ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતા કરવામાં નહી આવતા આ વિસ્તારની ૨૦ જેટલી સોસાયટીના રહીસોએ આવેદન આપી ચુંટણી બહિષ્કારનો રોષ વ્યક્ત કર્યો હતો.
વિસનગરમાં કાંસા એન.એ. ગ્રામ પંચાયતના સરપંચ તથા તેમના પતિ આમ આદમી પાર્ટીના સમર્થક છે. જ્યારે કાંસા રોડ ઉપરની સોસાયટીના રહીસો ભાજપ સમર્થીત છે. ત્યારે ભાજપ અને આપની ખેચતાણમાં અત્યારે લોકો પીસાઈ રહ્યા છે. વિસનગર નગરપાલિકાની ગટરલાઈન કાંસા રોડ ઉપરથી પસાર થાય છે. રામાપીર મંદિર પાસેના વળાંકમાંથી પસાર થતી ગટરલાઈન ચોકઅપ થતા રોડ ઉપર ગટરનું પાણી ભરાયેલુ રહે છે. કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલે મંદિરથી પુદગામ નદી સુધી વરસાદી પાણીના નિકાલ માટે કેનાલની ગ્રાન્ટ મંજુર કરાવી છે. જે કેનાલ બનશે ત્યારે ગટરના પાણીનો નિકાલ થશે. પરંતુ અત્યારે ભાજપ શાસીત પાલિકા દ્વારા ચોકઅપ ગટરલાઈન સાફ કરવામાં નહી આવતા કાંસા ગામ તથા આ વિસ્તારની સોસાયટીના લોકોને ગંદા પાણીમાંથી પસાર થવુ પડે છે. કાંસા એન.એ. ગ્રામ પંચાયત દ્વારા રામાપીર મંદિરની સામે કચરાનો નિકાલ કરવામાં આવે છે. ગ્રામ પંચાયત એકઠા થયેલા કચરાનો નિકાલ નહી કરતા ખુબજ ગંદકી થઈ છે. એક તરફ ગટરનુ પાણી તો બીજી તરફ કચરાના ઢગલાની ગંદકીના કારણે ભારે દુર્ગંધ ફેલાતા આવન જાવન કરતા લોકો ત્રાહીમામ પોકારી ગયા છે.
તા.૭-૧૧-૨૦૨૨ ના રોજ શ્રીજી બંગ્લોઝ, અક્ષર બંગ્લોઝ, પ્રિન્સ પેલેસ, પ્રમુખ વિલા, સ્વરા બંગ્લોઝ, પ્રતિક્ષા હોમ્સ, શ્રીહરિ ડુપ્લેક્ષ, ગાયત્રી રોયલ હોમ્સ, સનસીટી બંગ્લોઝ, સ્થાપત્ય રેસીડન્સી, મધુરમ ડુપ્લેક્ષ, ગાયત્રી આગમન, ઓરોવિલા વિગેરે ૨૦ જેટલી સોસાયટીના રહીસોનુ એક પ્રતિનિધિ મંડળ કાંસા એન.એ. ગ્રામ પંચાયત સરપંચના પતિ પ્રશાંતભાઈ પટેલને મળ્યુ હતુ. સોસાયટીના રહીસોએ સરપંચ પતિને આવેદન આપીને જણાવ્યુ હતુ કે, ગંદકી દુર કરવામાં નહી આવે તો ગાંધી ચીન્ધ્યા માર્ગે આંદોલન કરીશુ. વારંવર રજુઆત કરવા છતા ગંદકી દુર કરવા કોઈ ઘટતી કાર્યવાહી કરવામાં નહી આવે તો ચુંટણીનો બહિષ્કાર કરવામાં આવશે.