Select Page

વિસનગરમાં અદ્યતન તાલુકા પંચાયત ભવનનુ કામ શરૂ

વિસનગરના ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલના અથાગ પ્રયત્નોથી સરકાર દ્વારા શહેરના મધ્યે લાખ્ખો રૂપિયાના ખર્ચે નવનિર્માણ થનાર તાલુકા પંચાયત ભવનનુ કામ શરૂ કરવામાં આવ્યુ છે. આ તાલુકા પંચાયત ભવન બનવાથી તાલુકાના ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને પોતાનું કામ કરાવવા અલગ- અલગ કચેરીઓમાં ધક્કા ખાવા નહી પડે. હવે આ નિર્માણ કાર્ય ક્યારે પુર્ણ થાય છે તે જોવાનુ રહ્યુ?
વિસનગર શહેરના મધ્યે આવેલા તાલુકા પંચાયતનું જુનુ બિલ્ડીંગ જર્જરીત થતા ધારાસભ્ય ઋષિભાઈ પટેલે અદ્યતન નવિન તાલુકા પંચાયત ભવન બનાવવા પ્રયત્નો શરૂ કર્યા હતા. આ સમયે કોંગ્રેસનુ શાસન હોવાથી તત્કાલિન તાલુકા પંચાયત પ્રમુખ સહિત તાલુકાના કોંગ્રેસના આગેવાનોએ ગમે તે કારણે તેનો વિરોધ કરી કાર્યવાહી અટકાવી હતી. પરંતુ તાલુકા પંચાયતમાં ભાજપનુ શાસન આવતા અને ધારાસભ્ય ઋષિભાઈ કેબિનેટ મંત્રી બનતા તેમને તાલુકા પંચાયત સંકુલમાં તાલુકા પંચાયત ભવન સાથે વિવિધ સરકારી કચેરીઓનું નિર્માણકાર્ય હાથ ઉપર લીધુ હતુ. તાલુકા પંચાયતનુ નવિન બિલ્ડીંગ બનાવવા માટે મંત્રી ઋષિભાઈ પટેલ વહીવટી તંત્રના અધિકારીઓના સતત સંપર્કમા રહેતા હતા. મંત્રી ઋષિભાઈ ની ભલામણથી ગુજરાત સરકારના પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા અદ્યતન સુવિધા સાથે નવિન તાલુકા પંચાયત ભવન બનાવવા રૂા.૨૪૦ લાખ મંજુર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત આઈ.સી.ડી.એસ. વિભાગની રૂા.૩૫ લાખ ગ્રાન્ટ, રેતી, કંકરની રૂા.૨૫ લાખ ગ્રાન્ટ તથા તાલુકા પંચાયતના સ્વભંડોળમાથી રૂા.૬૦ લાખ મંજુર કરવામાં આવ્યા હતા. તાલુકા પંચાયત ભવનના નવનિર્માણ માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાંત્રીક મંજુરી મળતા રૂા.૩૩૩.૯૦ લાખ ટેન્ડરીંગની રકમ નક્કી કરવામાં આવી હતી અને આ નવિન તાલુકા પંચાયત ભવનમાં ૬૫૪.૧૫ ચો.મી. ગ્રાઉન્ડ ફ્લોર, ૬૫૭.૨૨ ચો.મી. ફર્સ્ટ ફ્લોર, ૬૮૦.૬૪ ચો.મીનો સેકન્ડ ફ્લોર તથા ૫૨.૩૨ ચો.મી.નો ટેરેસ ફ્લોર મળી કુલ ૨૦૪૪.૩૩ ચો.મીટરમાં બાંધકામ કરવાનો એરિયા નક્કી કરવામાં આવ્યો હતો. આ બિલ્ડીંગ આર્કીટેકચરલ વ્યુહથી તેમજ આર.સી.સી. ફ્રેમ સ્ટ્રક્ચરથી બે માળનું બનશે. બિલ્ડીંગમાં ટેરેસ ઉપર ચાઈના મોજેક વીથ વોટર પ્રુફીંગ કરાશે. વિજળીની બચત થાય તે મુજબના ઈલેક્ટ્રીક ઉપરકરણોનો ઉપયોગ કરવામાં આવશે. બિલ્ડીંગ કેમ્સપમાં લેન્ડ સ્ક્રેપીગ તથા બિલ્ડીંગમા રેઈન વોટર હાર્વસ્ટીંગ સીસ્ટમ સહિત અન્ય સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે. આ નવિન તાલુકા પંચાયત ભવનનુ મંત્રી ઋષિભાઈ પટેલના હસ્તે ભૂમિપુજન કરાયા બાદ અત્યારે તેના નવનિર્માણ કાર્ય માટે ખોદકામ શરૂ થતા તાલુકા પંચાયતના કર્મચારીઓ અને ગામડાના અરજદારોમા આનંદની લાગણી ફેલાઈ છે. હવે આ અદ્યતન તાલુકા પંચાયત ભવનનુ નિર્માણકાર્ય ક્યારે પુર્ણ થાય છે તે જોવાનુ રહ્યુ?

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us